જાણીતા ગુજરાતી ગાયક કિશોર મનરાજા સહિત તેમના પરિવારના નવ સભ્યોને કોવિડ-૧૯નું સંક્રમણ થયું હોવાના અહેવાલ છે. હોસ્પિટલમાં છ દિવસની સારવાર પછી તેમના મોટા પુત્ર હેમલનું મૃત્યુ થયું હતું. જ્યારે ૬૮ વર્ષીય કિશોરભાઈ, તેમના પત્ની હંસાબેન, બે પૂત્રવધુ અને ચાર પૌત્ર-પૌત્રી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. કિશોરભાઈની તબિયત નાદુરસ્ત રહેતાં તેમને સોમૈયા હૉસ્પિટલમાં હેમલ પહેલાં ઍડ્મિટ કરવામાં આવ્યા હતા. અગાઉ તેમની હાલત ગંભીર હતી. પરંતુ હવે તબિયત થોડી સુધારા પર છે. તેમના નાના પુત્ર જેસલને કોરોનાના બે ટેસ્ટ નેગેટિવ આવતા તે હોમ ક્વોરન્ટાઈન છે.
કિશોરભાઈએ ઘણી વખત લંડનની મુલાકાત લીધી છે. તેઓ મુંબઈના ઘાટકોપર (ઈસ્ટ)ના સુધા પાર્કના અરિહંત બિલ્ડિંગમાં પહેલા માળે પત્ની અને મોટા પુત્ર હેમલ તથા તેના પરિવાર સાથે રહે છે. તે જ બિલ્ડિંગમાં પાંચમા માળે તેમનો નાનો પુત્ર જેસલ પરિવાર રહે છે.
હેમલભાઈનો કોવિડ ટેસ્ટ પૉઝિટિવ આવ્યા બાદ પોતાને હોમ-ક્વૉરન્ટાઈન કરનાર જેસલ મનરાજાએ જણાવ્યું હતું, ‘મોટા ભાઈ હેમલને કોવિડની અસર થયા બાદ પપ્પા, મમ્મી હંસાબહેન, હેમલભાઈનાં પત્ની અને તેમનાં બે સંતાન, મારી પત્ની અને બે સંતાન સહિત પરિવારના ૯ જણને કોરોનાનું સંક્રમણ થયું હતું. હેમલભાઈની તબિયત ૨૮મી ઓગસ્ટને શુક્રવારે બગડ્યા બાદ તેમને વેન્ટિલેટર પર રખાયા હતા અને ૨૯મીને શનિવારે સાંજે તેમનું હાર્ટ-અટૅકથી અવસાન થયું હતું. તેમની અંતિમક્રિયા તે જ રાત્રે કરવામાં આવી હતી. પપ્પાની તબિયત હજુ નાજુક છે, પણ બાકીના બધાની તબિયત સારી છે. અમારા પરિવાર પર આવેલી આ મુશ્કેલીમાં હિન્દુ મહાસભા હૉસ્પિટલ તથા પડોશી ધર્મેશભાઈ મહેતાનો મૉરલ સપોર્ટ છે.’