૬૮ વર્ષીય પ્રખ્યાત ગુજરાતી લોકગાયક કિશોર મનરાજાનું ૫ સપ્ટેમ્બરને શનિવારે કોવિડ-૧૯ની બીમારીના કારણે અવસાન થયું હતું. તે અગાઉના અઠવાડિયાથી તેમની તબિયત નાજુક હતી. તેમણે ૫મીએ બપોરે અઢી વાગ્યાની આસપાસ સોમૈયા હૉસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેના અઠવાડિયા પહેલાં ૨૯ ઓગસ્ટે તેમના મોટા પુત્ર હેમલનું કોરોનાને લીધે જ મૃત્યુ થયું હતું. એક જ સપ્તાહની અંદર પિતા-પુત્રનું નિધન થતા પરિવારને માથે મોટી આફત આવી પડી છે. એટલું જ નહીં, ગુજરાતી સંગીત ક્ષેત્રે પણ કિશોર મનરાજાની બહુ ખોટ વર્તાશે.
મીડ – ડેના અહેવાલ મુજબ તેમના પાડોશીઓએ જણાવ્યું હતું કે કિશોરભાઈની તબિયત છેલ્લા એક અઠવાડિયાથી વધારે નાજુક હતી. કોરોના વાયરસનું સંક્રમણ થયા બાદ તેઓને સાયનની સોમૈયા હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પડોશીઓએ જણાવ્યું હતું કે તેમના જવાથી જાણે અમારા પરિવારમાં ખોટ પડી હોય તેવું લાગી રહ્યું છે.
કિશોરભાઈએ ઘણી વખત લંડનની મુલાકાત લીધી હતી. તેઓ મુંબઈના ઘાટકોપર (ઈસ્ટ)ના સુધા પાર્કના અરિહંત બિલ્ડિંગમાં પહેલા માળે પત્ની અને મોટા પુત્ર હેમલ તથા તેના પરિવાર સાથે રહેતા હતા. તે જ બિલ્ડિંગમાં પાંચમા માળે તેમનો નાનો પુત્ર જેસલ પરિવાર સાથે રહે છે.