પ્રમુખ સ્વામી મહારાજના અસ્થિપુષ્પનું થેમ્સ નદીમાં વિસર્જન

Wednesday 21st June 2017 10:58 EDT
 
 

બીએપીએસ સ્વામીનારાયણ સંસ્થાના આદ્યાત્મિક ગુરુ પ્રમુખસ્વામી મહારાજનું ૧૩ ઓગસ્ટ ૨૦૧૬ના રોજ ભારતના સારંગપુર ખાતે નિધન થયું હતું. તેમણે ૧૯૭૦થી ૨૦૦૭ની વચ્ચે લંડનની ૧૯ વખત મુલાકાત લીધી હતી અને યુરોપના સર્વપ્રથમ પરંપરાગત હિંદુ મંદિર પ્રસિદ્ધ નિસડન ટેમ્પલનું ૧૯૯૫માં તેમના હાથે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. પ્રમુખ સ્વામી મહારાજના પવિત્ર અસ્થિ પુષ્પનું વિસર્જન મહંત સ્વામી મહારાજ અને અન્ય વરિષ્ઠ સાધુઓના હસ્તે રવિવારે ૧૮ જુને થેમ્સ નદીમાં કરવામાં આવ્યું હતું. આ અગાઉ સ્વામીનારાયણ મંદિર ખાતે વૈદિક વિધિ કરવામાં આવી હતી. બપોરના ૪.૩૦ વાગ્યા પછી મહંત સ્વામી મહારાજે લેમ્બેથ પાયર ખાતે રોયલ પ્રિન્સેસ બોટમાં બેસીને આખરી વિધિ તરીકે પવિત્ર અસ્થિ કળશને થેમ્સ નદીમાં પધરાવ્યાં હતાં.
નૌકાએ પોતાનો પ્રવાસ સૌ પ્રથમ સ્થાન વેસ્ટમિનસ્ટર ખાતે અટકાવ્યો હતો જ્યાં આદ્યાત્મિક ગુરુ મહંત સ્વામીએ પ્રમુખ સ્વામી મહારાજના પવિત્ર અસ્થિપુષ્પને થેમ્સ નદીમાં વિસર્જિત કરવાની વિધિ કરી હતી. લેમ્બેથ પેલેસ નજીક સેંટ થોમસ હોસ્પિટલ ગાર્ડન્સની સામેના વોક વે પાસે ખાસ ઓબર્વેશન એરિયાનું આયોજન કરાયું હતું. જ્યાંથી ભાવિકો આ વિધિના દર્શન કરી શકતા હતા. ભાવિકો અને શુભેચ્છકો થેમ્સ નદીના લેમ્બેથ બ્રિજ અને વેસ્ટમિનસ્ટર બ્રિજ સહિતના વિવિધ પુલ પર દર્શન માટે ઊભા રહી ગયા હતાં.
આ પછી બોટ થેમ્સ નદીમાં આગળ વધી હતી અને લંડનના વિવિધ લેન્ડમાર્ક્સ પસાર કર્યા હતા જેમાં પેલેસ ઓફ વેસ્ટમિનસ્ટર (પાર્લામેન્ટ હાઉસિસ), ધ લંડન આઈ અને બેટલ ઓફ બ્રિટેન મોન્યુમેન્ટનો સમાવેશ થયો હતો. વૈદિક વિધિ અને અસ્થિપુષ્પ વિસર્જન બ્રિટિશ કાયદાને સુસંગત રહી કરવામાં આવ્યું હતું. તેમજ થેમ્સ નદીના વિવિધ મરીન અને પોર્ટ ઓથોરિટીઝની મદદ સાથે સમર્પિત સર્વિસ પ્રોવાઈડર દ્વારા કરાયું હતું. આ અગાઉ પ્રમુખ સ્વામી મહારાજના અસ્થિપુષ્પનું વિસર્જન ભારતની ગોંદાલી, નર્મદા અને ગંગા સહિતની પવિત્ર નદીઓમાં અને તાજેતરમાં યુગાન્ડાના જિંજા નજીક નાઈલ નદીમાં કરવામાં આવ્યું હતું. અગાઉ યોગીજી મહારાજે ૧૯૭૦માં લંડનની થેમ્સ નદીને પવિત્ર બનાવી હતી. તેમણે નોર્થ લંડનનાં ઇઝલિંગ્ટનમાં નવા હરિમંદિરનું ઉદ્ઘાટન કર્યા પછી હરેકૃષ્ણ મહારાજની મૂર્તિને નદીમાં સ્નાન કરાવ્યું હતું. આથી પ્રમુખ સ્વામીના અસ્થિપુષ્પ થેમ્સ નદીની અંદર વિસર્જિત કરવામાં આવે તે ઉચિત જ રહ્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter