લંડનઃ યુનાઈટેડ કિંગ્ડમમાં ગુજરાતી મૂળના પ્રખ્યાત ડોક્ટર પ્રોફેસર હસમુખ શાહ BEM, FLSWને યુનાઈટેડ કિંગ્ડમની નેશનલ એકેડેમી લર્નેડ સોસાયટી ઓફ વેલ્સ દ્વારા પ્રતિષ્ઠિત ફેલોશિપ એનાયત કરવામાં આવી છે. આ ફેલોશિપ એવા લોકોને જ એનાયત કરાય છે જેમણે પોતાના ક્ષેત્રમાં અભૂતપૂર્વ સિદ્ધિ અને દર્શનીય પ્રોફેશનલ રેકોર્ડ સ્થાપિત કર્યો હોય તેમજ લોકો, સંસ્થાઓ તેમજ વ્યાપકપણે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સમાજ પર અસર ઉપજાવી હોય.
પ્રોફેસર શાહને તેમના દીર્ઘકાલીન તબીબી યોગદાન, તબીબી શિક્ષણ તેમજ વેલ્સ અને અન્યત્ર નેતૃત્વ બદલ 2021માં યુનાઈટેડ કિંગ્ડમની યુનિવર્સિટી ઓફ સાઉથ વેલ્સ દ્વારા વિઝિટિંગ પ્રોફેસરશિપ એનાયત કરાઈ હતી. તેઓ ડોક્ટર્સના હિતો પર નજર રાખતી બ્રિટિશ એસોસિયેશન ઓફ ફીઝિશિયન્સ ઓફ ઈન્ડિયન ઓરિજીન (BAPIO) વેલ્સના સેક્રેટરી છે. તેમને જૂન 2018માં દિવંગત ક્વીનના બર્થડે ઓનર લિસ્ટમાં બ્રિટિશ એમ્પાયર મેડલ (BEM) એનાયત કરાયો હતો. તેમને તત્કાલીન પ્રાઈમ મિનિસ્ટર થેરેસા મે દ્વારા મે 2018માં NHS 70બેજ પણ એનાયત કરાયો હતો. પ્રોફેસર શાહને 2018માં એશિયન વોઈસ ન્યૂઝપેપર દ્વારા લંડન ખાતે 18મા એશિયન એચિવર્સ એવોર્ડ સમારંભમાં લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડ એનાયત કરાયો હતો. તેમણે સમગ્ર વેલ્સમાં વેલ્સ ગવર્મેન્ટ દ્વારા માર્ચ 2020માં લોન્ચ કરાયેલા વેલ્સ ઈનોવેટિવ કોવિડ રિસ્ક એસેસમેન્ટ ટૂલ (WRAT) વિકસાવવામાં મદદ કરી હતી જેનો ઉપયોગ લોકોનો જાન બચાવવા યુનાઈટેડ કિંગ્ડમના અન્ય વિસ્તારોમાં પણ કરાયો હતો.
તેઓ સનાતન ધર્મમંડળ એન્ડ કોમ્યુનિટી સેન્ટર, વેલ ફોર આફ્રિકા, રેસ કાઉન્સિલ સાયમરુના ટ્રસ્ટી તેમજ કાલોન હાર્ટ ચેરિટીઝના ડેપ્યુટી મેડિકલ લીડ છે. પ્રોફેસર શાહને સમાજ અને તેથી પણ અન્ય સહુને કાળજીપૂર્વકની અને આજીવન સેવાઓ બદલ રોયલ કોલેજીસ, કોમ્યુનિટી અને વેલ્સ ગવર્મેન્ટ દ્વારા કદર કરવામાં આવે છે.