બોલિવિયામાં પ્રથમ ભારતીય રાજદૂત રોહિત વઢવાણાનું ગુજરાત કનેક્શન

Wednesday 18th June 2025 06:40 EDT
 
 

લા પાઝઃ કુદરતી સ્રોતો માટે જાણીતા સાઉથ અમેરિકન દેશ બોલિવિયામાં ભારતના સૌપ્રથમ એમ્બેસેડર-રાજદૂત તરીકે નિયુક્ત કરાવા સાથે 44 વર્ષીય રાજદ્વારી રોહિતકુમાર વઢવાણાએ ઈતિહાસ રચ્યો છે. એન્ડીઝ પર્વતમાળામાં લગભગ 12,000 ફૂટની ઊંચાઈએ વિશ્વમા સૌથી ઊંચે આવેલી રાજધાની લા પાઝ ખાતે ફરજ બજાવતા વઢવાણા તેમની કામગીરીમાં ભારે વ્યસ્ત છે. લાજવાબ કારકિર્દી ધરાવતા વઢવાણા ઈન્ડિયન ફોરેન સર્વિસ (IFS)ના 2010ની બેચના ઓફિસર છે. રોહિતભાઈની કારકિર્દીએ તેમને ઈરાનની ભારતીય એમ્બેસીમાંથી યુકે અને કેન્યાના ભારતીય હાઈ કમિશનોમાં કામગીરી સોંપી છે. તેમણે કેન્યામાં નાઈરોબી ખાતે UNEP અને UN-Habitatમાં ભારતના ડેપ્યુટી કાયમી પ્રતિનિધિ તરીકેની જવાબદારી પણ સંભાળી હતી. હવે તેમની જવાબદારી લા પાઝમાં ભારતીય દૂતાવાસને તળિયાથી ઉભી કરવાની છે.

રોહિતભાઈ વઢવાણા મૂળ ઓખાના વતની હોવા સાથે ગુજરાતી કનેક્શન પણ ધરાવે છે. તેઓ 2003માં સ્નાતક થયા ત્યાં સુધી યુનિયન પબ્લિક સર્વિસ કમિશન એક્ઝામ્સ વિશે જાણતા પણ ન હતા. તેમણે પોરબંદરમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી LLB ડીગ્રી હાંસલ કરી અને ડિસ્ટન્સ લર્નિંગ થકી MA પણ કર્યું હતું. એક શુભેચ્છકની સલાહથી તેઓ સિવિલ સર્વન્ટ બનવાની દિશામાં આગળ વધ્યા અને તૈયારીઓ કરવા 2004-2005માં સરદાર પટેલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન (SPIPA) અને અન્ય સંસ્થાઓમાં એડમિશન્સ લીધા હતા. તેઓ અમદાવાદમાં સિવિલ સર્વિસમાં કારકિર્દીની તૈયારી કરી રહ્યા હતા ત્યારે તેમની મુલાકાત ફેમિદા શેખ સાથે થઈ અને તેમણે લગ્ન પણ કરી લીધા. દંપતી હવે લા પાઝમાં રહે છે અને સ્પેનિશ ભાષા બોલતા દેશમાં નવા મિત્રો બનાવી રહ્યા છે.

બોલિવિયામાં ભારતનું પૂર્ણસ્તરનું રાજદ્વારી મિશન સપ્ટેમ્બર 2024ની રાજધાની લા પાઝ ખાતે ખૂલવા સાથે બંને દેશના ઈતિહાસમાં નવો અધ્યાય લખાયો હતો. રોહિત વઢવાણાએ માર્ચ 2025માં બોલિવિયામાં ભારતના પ્રથમ એમ્બેસેડર તરીકે કામગીરી સંભાળી હતી તેમજ 26 મે 2025ના દિવસે પ્રેસિડેન્શિયલ પેલેસમાં માનવંતા પ્રેસિડેન્ટ લુઈસ આર્કે સમક્ષ ક્રેડેન્શિયલ્સ રજૂ કર્યા હતા.લોસ ટેઈમ્પોસ અખબારે બંને દેશોના સંબંધો, સાંસ્કૃતિક વિનિમય, બંને દેશના ભવિષ્ય અને ખુદ ભારતીય રાજદૂતના વ્યાવસાયિક અને અંગત જીવન વિશે રોહિત વઢવાણા સાથે વાતચીત કરી હતી, તેના અંશો અહીં સામેલ કર્યા છે.

• લા પાઝ ખાતે ભારતના પ્રથમ એમ્બેસેડર બનવાની લાગણી વિશે રોહિતભાઈ વઢવાણાએ જણાવ્યું હતું કે, ‘બોલિવિયામાં સૌપ્રથમ ભારતીય રેસિડેન્ટ એમ્બેસેડર બનવું એ ગૌરવ અને પ્રિવિલેજ છે. વહિવટી દૃષ્ટિએ ડિપ્લોમેટિક મિશન સ્થાપવાની સાથે જ વધુ ગાઢ અને ગતિશીલ સહકાર માટે ગ્રાઉન્ડવર્ક કરવાની પણ જવાબદારી છે. ભારતના રાષ્ટ્રપતિ મિ. રામનાથ કોવિંદે માર્ચ 2019માં બોલિવિયાની મુલાકાત લીધી હતી અને ભારત બોલિવિયામાં રેસિડેન્ટ મિશન સ્થાપશે તેવી જાહેરાત કરી હતી. અગાઉ, પેરુની લિમાસ્થિત ભારતીય એમ્બેસી બોલિવિયાનો હવાલો સંભાળતી હતી.

તમારી રાજદ્વારી કાર્કિર્દી વિશે સંક્ષિપ્તમાં જણાવશો?

- હું 2010માં ઈન્ડિયન ફોરેન સર્વિસમાં જોડાયો હતો. મારી ડિપ્લોમેટિક ટ્રેનિંગ પૂર્ણ કર્યા પછી ઈરાનના તહેરાનમાં અમારી એમ્બેસી ખાતે સેવા આપી હતી. આ પછી નવી દિલ્હીના હેડક્વાર્ટર્સમાં પર્શિયન ગલ્ફ વિસ્તારને સંબંધિત કામગીરી સંભાળી હતી. આ પછી, મે લંડનમાં ભારતીય હાઈ કમિશનમાં આર્થિક સંબંધો માટેની કામગીરી બજાવી હતી. મને ખુશી છે કે ભારત અને યુકેએ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) પર સહીસિક્કા કર્યા છે. આ FTA પર વાટાઘાટોમાં સામેલ થવાનો મને આનંદ છે. લંડનથી હું કેન્યાના નાઈરોબીમાં ભારતીય ડેપ્યુટી હાઈ કમિશનરની કામગીરી સંભાળવા પહોંચ્યો હતો. અહીં મેં UNEP અને UN-Habitatમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

રોહિતભાઈએ ઉમેર્યું હતું કે અંગત રીતે તેમને લેખનકાર્ય ગમે છે. તેમણે ગુજરાતીમાં એક નલવકથા અને ઘણી ટુંકી વાર્તાઓ પણ લખી છે. ગુજરાતી અને ઈંગ્લિશ ન્યૂઝપેપર્સમાં નિયમિત કોલમ્સ પણ લખું છું. મારો રસ લોકોને લોકોથી સાંકળવાનો રહ્યો છે, જે મને લાઈફ અને એક્ઝિક્યુટિવ કોચ બનવાની દિશામાં દોરી ગયો છે. (ઉલ્લેખનીય છે કે રોહિતભાઈ વઢવાણા ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ સાપ્તાહિકોમાં કોલમ્સ લખી રહ્યા છે જેને વાંચકોનો ભારે આવકાર મળ્યો છે.)

વેપાર અને બિઝનેસ વિશે શું? કોઈ ભારતીય કંપનીઓને બોલિવિયામાં રસ છે ખરો?

- હા, ઘણી કંપનીઓ છે. ભારત તો બોલિવિયાનું અગ્ર એક્સપોર્ટ ડેસ્ટિનેશન છે. આપણો દ્વિપક્ષી વેપાર 2023 અને 2024માં અનુક્રમે 2.3 બિલિયન ડોલર અને 1.1 બિલિયન ડોલર રહ્યો છે. ગત નાણાકીય વર્ષમાં ભારતે બોલિવિયામાં ઓટોમોબાઈલ્સ અને ફાર્માસ્યુટિકલ્સની નિકાસ તેમજ સોનું અને ફર્ટિલાઈઝર્સની આયાત કરી હતી. ભારતીય કંપનીઓ મિનરલ્સ, ફાર્માસ્યુટિકલ્સ, એનર્જી, એગ્રિકલ્ચર અને ટેકનોલોજી ક્ષેત્રોમાં પાર્ટનરશિપ્સ માટે ઉત્સુક છે. એમ્બેસી ખાતે અમે લાંબા ગાળાના સહકારને શક્ય બનાવે તેવી સરળ પ્રક્રિયા માટે શક્ય તમામ કાર્ય કરી રહ્યા છીએ. ભારતીય કંપનીઓની બેલિવિયામાં તમામ સેક્ટર્સમાં ઉપસ્થિતિ નોંધપાત્ર બની રહે તે અમારું લક્ષ્ય છે.

એમ્બેસેડર વઢવાણાએ બંને દેશો વચ્ચે વેપાર વધારવા નવાં કરન્સી એક્સચેન્જ મિકેનિઝમનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ‘વિદેશી એમ્બેસેડર હોવાથી સરકારી નીતિઓ વિશે મારો કોઈ અભિપ્રાય હોઈ શકે નહિ, પરંતુ અમે નવી પદ્ધતિની દરખાસ્ત કરી છે. અમે ડોલરનો ઉપયોગ નહિ કરીએ, પરંતુ અમારી પોતાની કરન્સીઓનો જ ઉપયોગ કરીશું. તેમણે બોલિવિયાના લિથિયમ ધાતુ અને અન્ય એનર્જી પ્રોડક્ટ્સમાં ભારતના વિશેષ રસ વિશે પણ જણાવ્યું હતું, જે બંને દેશોના સંબંધોને સુધારવા મદદ કરશે.

સાંસ્કૃતિક વિનિમય મહત્ત્વનું ક્ષેત્ર જણાય છે. કયા ઈનિશિયેટિવ્ઝ અમલી બનાવાયાં છે?

– સંસ્કૃતિ આપણા મજબૂત બંધનોમાં એક છે. બોલિવિયાવાસીઓને ભારતીય નૃત્ય, ફૂડ અને ઉત્સવો ગમે છે. અમે તાજેતરમાં જ હોળીની ઊજવણી કરી હતી અને સ્થાનિક લોકોનો ઉત્સાહ અદમ્ય હતો! બોલિવિયાની દ્વિશતાબ્દી ઊજવણીઓ નિમિત્તે ભારતથી કલ્ચરલ ટ્રુપ બોલાવવાની અમારી યોજના છે. આનો પ્રતિભાવ એટલો જોરદાર છે કે ઘણા બોલિવિયાવાસીઓ ભાવિ ઉત્સવોના સહઆયોજનમાં અમારી સાથે સામેલ થવા ઉત્સુક બન્યા છે. હું એમ પણ માનું છું કે મૂળ ભારતીય અને પરંપરાગત ચિકિત્સા પદ્ધતિ આયુર્વેદ પણ સ્થાનિક લોકો માટે ઉપયોગી બની રહેશે.

વિશ્વભરમાં યોગની લોકપ્રિયતા વધી રહી છે. બોલિવિયામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ માટે તમારી શું યોજના છે?

– અમે મે 31 2025ના રોજ કોચાબામ્બા ખાતે મોટા ઈવેન્ટનું આયોજન કર્યું હતું, જેમાં મેયર માનફ્રેડ રેયેસ વિલા અમારા મુખ્ય મહેમાન હતા. 14 જૂને ઈસ્લા ડેલ સોલ ખાતે ઈવેન્ટમાં બોલિવિયાના વાઈસ પ્રેસિડેન્ટ અને ફોરેન મિનિસ્ટર પણ ઉપસ્થિત રહેશે. અહીં લોકો યોગ શીખવા અને તેમાં ભાગ લેવા ખરેખર ઉત્સાહી છે. લોકોના રોજબરોજના જીવનમાં અર્થપૂર્ણ રીતે બંધબેસતું હોય તેની વહેંચણી કરવી એ જ અમારી સાંસ્કૃતિક ડિપ્લોમસી છે.

ભારત-બોલિવિયાના ભાવિ સંબંધો વિશે તમારી શું કલ્પના છે?

– હું મજબૂત ભાગીદારીને વિકસતી નિહાળી રહ્યો છું. આપણા બે દેશોમાં ઘણું સામ્ય છેઃ વૈવિધ્યપૂર્ણ સંસ્કૃતિઓ, સમૃદ્ધ પરંપરાઓ અને સમાવેશી વિકાસ તરફ પ્રતિબદ્ધતા. આપણે વેપાર, સંસ્કૃતિ, શિક્ષણ અથવા યોગ મારફત પારસ્પરિક આદર અને સહભાગી પ્રગતિ પર આધારિત ભાગીદારીનું નિર્માણ કરી રહ્યા છીએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter