લંડનઃ ઈંગ્લેન્ડમાં સ્થૂળતાની સમસ્યા ગંભીર બની હોવાનું NHS ડીજીટલ દ્વારા પ્રસિદ્ધ એક અહેવાલમાં જાણવા મળ્યું છે. જે અનુસાર વર્ષ ૨૦૧૫-૧૬માં પ્રાઈમરી રિસેપ્શન ક્લાસના એકંદરે ૯.૩ ટકા બાળકો સ્થૂળ હોવાનું જોવા મળ્યું છે. અભ્યાસ દર્શાવે છ કે સમગ્ર દેશમાં રિસેપ્શન ક્લાસના બાળકોમાં સ્થૂળતાનું પ્રમાણ ૨૧.૯ ટકાથી વધીને ૨૨.૧ ટકા થયું છે. પ્રાઈમરી સ્કૂલના છેલ્લાં વર્ષમાં અભ્યાસ કરતા ૧૦ અને ૧૧ વર્ષના સ્થૂળ બાળકોની ટકાવારી ૨૦૧૪-૧૫માં ૧૯.૧ ટકા હતી, તે પણ ગયા વર્ષે વધીને ૧૯.૮ ટકા થઈ છે. મતલબ કે દર પાંચ બાળકમાંથી એક સ્થૂળ છે.
નેશનલ ચાઈલ્ડ મેઝરમેન્ટ પ્રોગ્રામ (NCMP) હેઠળ ચિલ્ડ્રન્સ બોડી માસ ઈન્ડેક્સ (BMI)ની વાર્ષિક માપણીમાં આ માહિતી જાણવા મળી હતી. ઓછાં પછાત વિસ્તારોમાં રહેતા સ્થૂળ બાળકોની ટકાવારી ૫.૫ હતી, જે અતિ પછાત વિસ્તારોમાં બમણા કરતાં વધુ એટલે કે ૧૨.૫ ટકા હતી. સમગ્ર ઈંગ્લેન્ડમાં સાઉથ-વેસ્ટ લંડનના રિચમન્ડ અપોન થેમ્સમાં સ્થૂળ બાળકોની સંખ્યા ઓછી છે, જ્યાં છ વર્ષના ૧૧ ટકા બાળકોમાં સ્થૂળતા જોવા મળી હતી. તેનાથી વિપરિત ઈસ્ટ લંડન બરો ઓફ બાર્કિંગ એન્ડ ડેગનહામમાં તેટલી જ વયના ૨૮.૫ ટકા બાળકો સ્થૂળ જણાયા છે.
અભ્યાસમાં બીજી એક બાબત એ પણ નોંધનીય છે કે છોકરીઓ કરતાં છોકરા વધારે ઓવરવેઈટ છે. રિસેપ્શન ક્લાસના વિદ્યાર્થીઓમાં ૯.૧ ટકા છોકરીઓની સામે ૯.૬ ટકા છોકરા સ્થૂળ જણાયા હતા. તે જ રીતે છ વર્ષની ૧૭.૯ ટકા છોકરીઓની સરખામણીમાં ૨૧.૭ ટકા છોકરા સ્થૂળ જણાયા છે. ૨૦૧૪-૧૫માં બાળકોમાં સ્થૂળતાના પ્રમાણમાં થયેલા નજીવા ઘટાડા બાદ આ ફરી વધારો જોવા મળ્યો છે. નિષ્ણાતો આને આરોગ્ય મુદ્દે ચિંતાજનક સંકેત ગણાવી રહ્યા છે.


