લંડનઃ બ્રેન્ટ હિંદુ કાઉન્સિલ દ્વારા શનિવાર તા.૧૨ ઓગસ્ટે ભારતના ૭૦મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં ભારતીય હાઈ કમિશનના કાઉન્સેલર અમિત શર્મા, બ્રેન્ટના મેયર કાઉન્સિલર ભગવાનજી ચૌહાણ, કાઉન્સિલર કૃપેશ હીરાણી, બ્રેન્ટ ઈન્ડિયન એસોસિએશનના ચેરપર્સન અનિતાબેન રૂપારેલીયા, જગ ટ્રોફીઝના જગદીશભાઈ બલસારા અને કાઉન્સિલ સાથે જોડાયેલી સંસ્થાઓના સભ્યો તથા આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. સૌ પ્રથમ પ્રાર્થના બાદ આમંત્રિત મહાનુભાવોનો પરીચય આપવામાં આવ્યો હતો. તે પછી બાળ કલાકારો સહિત કલાકારોએ દેશભક્તિના ગીતો અને નૃત્ય રજૂ કર્યા ત્યારે વાતાવરણ દેશભક્તિમય બની ગયું હતું. બાદમાં મહાનુભાવોએ ભારતની આઝાદીની ચળવળ વિશે પ્રેરક પ્રવચનો કર્યા હતા. અંતમાં રાષ્ટ્રગીતનું ગાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હિંદુ કોમ્યુનિટીઝને ૩૦ વર્ષ સુધી સ્વૈચ્છીક સેવા આપવા બદલ કાઉન્સિલ દવારા ચેરમેન અશ્વિન ગલોરિયાનું સન્માન કરવામાં આવ્યું હતું.


