લંડનઃ બ્રેન્ટ કાઉન્સિલ દ્વારા ક્વીન્સબરીના વિન્ચેસ્ટ એવન્યુ ખાતેની ત્રણ બેડરુમની પ્રોપર્ટી પર દરોડો પાડવામાં આવ્યો હતો, જેમાં ૩૫ વ્યક્તિ રહેતી હોવાનું જણાયું હતું. નોર્થ-વેસ્ટ લંડનની આ પ્રોપર્ટીના સંયુક્ત માલિક ડોક્ટર ભાઈઓ સુનિલ હાથી અને નીલ હાથી અને તેમની માતા મિનાક્ષી હાથી છે. હાથી પરિવાર નોર્થવેસ્ટ લંડનના સ્ટેનમોરમાં વિશાળ ડીટેચ્ડ મકાનમાં રહે છે. બ્રેન્ટ કાઉન્સિલ દ્વારા ‘રોગ લેન્ડલોર્ડ (બદમાશ મકાનમાલિક)’ જણાવાતા સુનિલ હાથીએ કાનૂની કાર્યવાહીની ધમકી આપતા જણાવ્યું હતું કે તેઓ આ પ્રોપર્ટીની સ્થિતિ વિશે જાણતા ન હતા.
પડોશીઓ દ્વારા કરાયેલી ફરિયાદોના પગલે બ્રેન્ટ કાઉન્સિલે આ પ્રોપર્ટી પર દરોડો પાડ્યો હતો. મકાનના બાથરુમ્સ સિવાયની જગ્યાઓ પર સૂવા માટે સળંગ ગોદડાં પાથરેલાં હતાં. મકાનમાં આખી રાત અવરજવર ચાલુ રહેતી હતી. મકાન અનેક માણસો દ્વારા વપરાશ માટે રજિસ્ટર્ડ થયેલું ન હતું. આ સેમી ડીટેચ્ડ મકાન જુલાઈ ૨૦૧૪માં ૪૫૦,૦૦૦ પાઉન્ડમાં ખરીદાયું હતું અને સાત વર્ષ અગાઉ ત્રણ રોમાનિયનોને માસિક ૨,૫૦૦ પાઉન્ડના ભાડાથી અપાયું હોવાનો દાવો મકાનમાલિકે કર્યો છે.
ડોક્ટર સુનિલ હાથીએ જણાવ્યું હતું કે તેમને આ જાણકારીથી આઘાત લાગ્યો છે અને આ લોકોને બનતી ત્વરાએ મકાનમાંથી હાંકી કાઢવાની ખાતરી ઉચ્ચારી હતી. તેમણે કહ્યું હતું કે,‘મૂળ ત્રણ લોકોને આ જગ્યા ભાડે અપાઈ હતી. ત્યાં કેટલા માણસો રહેતા હતા તેની અમને જાણકારી ન હતી. હવે અમે તેમને હાંકી કાઢીશું.’ તેમણે મકાનની તપાસ રાખવાની પોતાની જવાબદારી હોવાનું સ્વીકારવા સાથે કહ્યું હતું કે બ્રેન્ટ કાઉન્સિલે તેમના પર કરેલા દોષારોપણથી તેઓ દુઃખી છે. બ્રેન્ટ કાઉન્સિલે પ્રેસ સમક્ષના નિવેદનમાં તેમનો ઉલ્લેખ ‘રોગ લેન્ડલોર્ડ’ તરીકે કર્યો હતો. આ ટીપ્પણી ભારે બદનક્ષીપૂર્ણ છે અને હું મારા વકીલો સાથે ચર્ચા કરી રહ્યો છું. હું કશાથી ભાગી રહ્યો નથી. આ મકાનની ઘણી મોટી કિંમત છે. તેમને લેન્ડ રજિસ્ટ્રીમાંથી ગણતરીની મિનિટોમાં મારી ભાળ મળી ગઈ હોત.’


