ટ્રોય, મિશિગનઃ એન્ટ્રેપ્રીન્યોર્સ અને ફિલાન્થ્રોપીસ્ટ્સ ભરત દેસાઈ અને નીરજા શેઠી ગિવિંગ પ્લેજ સાથે સંકળાયા છે અને તેમની મોટા ભાગની સંપત્તિ સખાવતી હેતુઓ માટે આપી દેવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. જોગાનુજોગ, બિલ ગેટ્સ, મેલિન્ડા ફ્રેન્ચ ગેટ્સ અને વોરેન બફેટ દ્વારા 2010માં સ્થાપિત ગ્લોબલ ઈનિશિયેટિવની 15મી વર્ષગાંઠે આ જાહેરાત કરવામાં આવી છે. ગત વર્ષમાં આઠ દંપતી અને ત્રણ વ્યક્તિ સહિત 11 બિલિયોનેરે ગિવિંગ પ્લેજ પર સહી કરેલી છે. આ સાથે 30 દેશના વિશ્વના સૌથી ધનિક 250થી વધુ વ્યક્તિઓ અને પરિવારોએ માનવતાના સૌથી તાકીદના પડકારોનું નિરાકરણ લાવવા માટે પોતાના રિસોર્સીસનો ઉપયોગની પ્રતિબદ્ધતા દર્શાવી છે.
ભરત દેસાઈ અને નીરજા શેઠીએ 1980માં તેમના એપાર્ટમેન્ટમાંથી IT કન્સલ્ટિંગ અને આઉટસોર્સિંગ કંપની સિન્ટેલની સ્થાપના કરી હતી. આજે દેસાઈ અને શેઠીની અંદાજિત નેટવર્થ અનુક્રમે 1.6 બિલિયન ડોલર અને 1 બિલિયન ડોલર છે. તેમના સખાવતી લક્ષ્યોમાં શિક્ષણ, એન્ટ્રેપ્રીન્યોરશિપ અને ઈકોનોમિક મોબિલિટીને મુખ્યત્વે મિશિગન અને ફ્લોરિડામાં વંચિત યુવાનોને સપોર્ટ કરતા Ds ફાઉન્ડેશન અને દેસાઈ શેઠી ફાઉન્ડેશન મારફત પ્રોત્સાહન આપવાનું છે.
મોમ્બાસામાં જન્મેલા ભરત દેસાઈ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, બોમ્બેના પૂર્વ વિદ્યાર્થી છે અને યુનિવર્સિટી ઓફ મિશિગનમાંથી MBA ડીગ્રી હાંસલ કરી છે. નીરજા શેઠીએ દિલ્હી યુનિવર્સિટીમાંથી મેથેમેટિક્સમાં બેચલર ડીગ્રી અને MBA તેમજ ઓકલેન્ડ યુનિવર્સિટીમાંથી કોમ્પ્યુટર સાયન્સમાં M.S. ડીગ્રી મેળવી છે. આ દંપતી ડોનર એડવાઈઝ્ડ ફંડ મારફત લાખો ડોલરની સખાવત કરવા ઉપરાંત, નોનપ્રોફિટ ઈનિશિયેટિવ્ઝના વ્યાપક નેટવર્કને સપોર્ટ કરે છે.
આ વર્ષે ગિવિંગ પ્લેજ પર સહી સરનારા અન્ય લોકોમાં કેમેરન આડમ્સ અને લિઝા મિલર (ઓસ્ટ્રેલિયા), મુના એસા અલ ગર્ગ (યુએઈ) તેમજ ડ્ર્યુ એને એરિન હાઉસ્ટન, જય અને મિશેલા હોગ, જિમ અને અન્ના મેક્કેલ્વી, ગ્લેન ટુલમાન, લિઝા અને મેટ સોન્સિની સહિત પરગજુ અમેરિકન્સનો સમાવેશ થયા છે. 2021ના વર્ષ પછી 2025ના સખાવતીઓની સંખ્યા સૌથી વધુ છે જેમાં ફોર્બસ યાદીના 6 બિલિયોનેર પણ છે અને તમામની સંયુક્ત અંદાજિત નેટવર્થ 9.3 બિલિયન ડોલર છે.