અયોધ્યા: અયોધ્યા રામમંદિરમાં પાંચમી જૂને ગંગા દશહરાના શુભ મુહૂર્ત પર રામ દરબારની પ્રાણપ્રતિષ્ઠા કરાઈ હતી. આ પ્રસંગે ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. રામ દરબાર સહિત 8 દેવ વિગ્રહોની પ્રાણપ્રતિષ્ઠા સવારે 11 25થી 11.40 દરમિયાન અભિજિત મુહૂર્તમાં કરાઈ હતી. સવારે 6 વાગ્યાથી પ્રાણપ્રતિષ્ઠાના અનુષ્ઠાન શરૂ થઈ ગયા હતા.
રામ દરબારની મુર્તિઓ તૈયાર કરનારા મૂર્તિકાર સત્યનારાયણ પાંડેયએ જણાવ્યું કે, આ તમામ પ્રતિમા આરસપહાણની 40 વર્ષ જૂની શિલામાંથી તૈયાર કરાઈ છે. કેમ કે આરસપહાણના નવા પથ્થર એટલા સારા નથી હોતા.
ભગવાન રાજા રામ સ્વરૂપે વિરાજમાન
અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ મંદિરમાં ભગવાન રામના બાળસ્વરૂપના વિગ્રહની 22મી જાન્યુઆરી, 2024ના રોજ પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી. હવે આ જ મંદિરમાં બીજી વખત પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ યોજાયો હતો અને ભગવાન રામને રાજા સ્વરૂપે વિરાજમાન કરવામાં આવશે. રામ મંદિરના મુખ્ય ગર્ભગૃહમાં બાળસ્વરૂપની પૂજા થઈ રહી છે, હવે પહેલા માળે 'રામ દરબાર'ના દર્શન થશે.
રામ દરબારમાં ભગવાન રામની સાથે માતા સીતા, હનુમાનજી તથા લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્નના પણ દર્શન થશે. રામ મંદિરની આસપાસ અન્ય મંદિરોના પણ નિર્માણ કરવામાં આવ્યા છે, રામ મંદિરના સમગ્ર પરિસરમાં ભગવાન ભોળાનાથ, ગણેશજી, મહાબલી હનુમાન, સૂર્ય દેવ, મા ભગવતી, અન્નપૂર્ણા માતાજીના મંદિરની સ્થાપના કરશે.
પ્રથમ માળે રામ દરબાર
ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામમંદિરના પહેલા માળે રામ દરબાર સહિત સાત મંદિરોમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. રામજન્મભમિ તીર્થ ક્ષેત્ર નિર્માણ સમિતિના અધ્યક્ષ અને રામમંદિર નિર્માણના માસ્ટરમાઈન્ડ નુપેન્દ્ર મિશ્રાએ એક વાતચીતમાં સપ્ત મંડળના નિર્માણ અને તેના મહત્વ વિશે જણાવ્યું, તેમણે કહ્યું કે દેશના કરોડો લોકોની શ્રદ્ધાના પ્રતીક રામમંદિર અને તેમાં હાજર તમામ સપ્ત મંડળોનું કાર્ય પૂર્ણ થઈ ગયું છે. તેમણે એમ પણ કહ્યું કે આ મંદિરોમાં સામાજિક સંવાદિતાનો સંદેશ પણ આપવામાં આવ્યો છે.
મંદિર નિર્માણ સંપન્નઃ નૃપેન્દ્ર મિશ્રા
નૃપેન્દ્ર મિશ્રાએ કહ્યું હતું કે મંદિર નિર્માણનું કામ હવે પૂર્ણ થઈ ગયું છે. તેમણે જણાવ્યું હતું કે આ આખા મંદિરમાં રાજસ્થાનના બાસી પર્વતમાંથી લગભગ 4 લાખ 50 હજાર ઘન કટ લાલ પથ્થરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આજે પહેલા માળે રામ દરબાર સ્થાપિત કરવામાં આવ્યો છે. બીજો માળ પણ પુર્ણ થઈ ગયો છે. ટ્રસ્ટના નિર્ણય મુજબ અત્યાર સુધી તેના પર કોઈ મૂર્તિ સ્થાપિત કરવાની નથી. તેમા રામાયણની દુર્લભ હસ્તપ્રતો રાખવામાં આવશે. ત્યારબાદ સુવર્ણ શિખર પૂર્ણ થયું. તેમણે એમ પણ કહ્યું કે મંદિરનું નિર્માણ કાર્ય પૂર્ણ થઈ ગયું છે.
પાંચ મંડપ, પાંચ સુવર્ણ શિખર
મિશ્રાએ જણાવ્યું હતું કે મંદિરમાં પાંચ મંડપ છે અને આ પાંચ મંડપ પર પાંચ સુવર્ણ શિખરો બનાવવામાં આવ્યા છે. આ પૂર્ણ થઈ ગયા છે. 161 ફૂટના સૌથી ઊંચા સ્થાને, એક સુવર્ણ શિખર છે. તેની નીચે મુખ્ય મંદિરનું ગર્ભગૃહ છે જ્યાં રામલલા છે અને હવે પહેલા માળે રામ દરબાર છે. તેમણે એમ પણ કહ્યું હતું કે મંદિરમાં કેટલાક મશીનો કામ કરી રહ્યા છે, પરંતુ આ રસાયણોથી સફાઈ માટે છે. હવે મંદિરનું કોઈ બાંધકામ કાર્ય અધુરું નથી.
મંદિર કરતાં બમણા પથ્થરો કિલ્લામાં
કિલ્લા વિશે માહિતી આપતા મિશ્રાએ કહ્યું કે તેમાં છ મંદિરો છે. હવે આ છ મંદિરોમાં પણ દેવતાની સ્થાપના થઈ ગઈ છે. મંદિરમાં એક કિલોમીટરનો કિલ્લો છે અને તે એક રીતે પરિક્રમા માર્ગ પણ છે. આ પરિક્રમા માર્ગમાં છ મંદિરો છે.
કિલ્લામાં આઠ લાખ પચાસ હજાર ધન પથ્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ મંદિરમાં વપરાતા પથ્થરોની સંખ્યા કરતા બમણું છે. પરિક્રમા માર્ગ સપ્ટેમ્બર સુધીમાં પૂર્ણ થઈ જશે. આ ઉપરાંત, દાન ખંડ, પ્રસાદ, કાર્યાલય, સુરક્ષા વગેરે સંબંધિત વિભાગો કિલ્લાના ભોંયરામાં રાખવામાં આવ્યા છે.