અયોધ્યાઃ દેશભરમાં રામનવમીનું પર્વ રંગેચંગે ઊજવાયું છે ત્યારે અયોધ્યામાં બની રહેલાં રામ મંદિરનું 80 ટકાથી વધુ કામ પૂર્ણ થઈ ગયું છે. અત્યારે મુખ્ય શિખરનું માત્ર 5 ટકા જ કામ બાકી છે. મુખ્ય બીજા માળે રામ દરબારનું કાર્ય પૂર્ણ થઈ ગયું છે. જેમાં સફેદ માર્બલની 10થી વધુ મૂર્તિ સ્થાપિત થયા પછી ભગવાન રામ દરબાર ભરતા હોય એવી સાક્ષાત અનુભૂતિ ભક્તોને થશે. આગામી જૂન મહિનામાં રામ મંદિર સંપૂર્ણ રીતે તૈયાર થઈ જશે.
અયોધ્યામાં બની રહેલા રામ મંદિરના વાસ્તુકાર ચંદ્રકાંત સોમપુરાએ જણાવ્યું કે, ગયા વર્ષે પ્રાણ પ્રતિષ્ઠા થઈ ત્યાં સુધી ગ્રાઉન્ડ ફ્લોર બનાવ્યો હતો. એ પછી સવા વર્ષમાં આખા મંદિરના સેકન્ડ ફ્લોર, થર્ડ ફ્લોર અને ઘુમ્મટનું કામ પૂરું થઈ ગયું છે અને મુખ્ય શિખરનું 80 ટકા વધુ કામ પૂરું થઈ ગયું છે જે આગામી એક દોઢ મહિનામાં પૂર્ણ થઈ જશે. 20 જૂન સુધી પૂર્ણ પ્રાણ પ્રતિષ્ઠા થશે.
અયોધ્યામાં રામલલાના લલાટે સૂર્યતિલક
અયોધ્યામાં રામ નવમી પર્વની ઉત્સાહભેર ઉજવણી કરાઇ હતી. આ પ્રસંગે લાખો ભક્તો અયોધ્યા પહોંચ્યા અને રામલલાના દર્શન કર્યા. રામલલાનો ખાસ અભિષેક કરાયો હતો. આ પ્રસંગે ભગવાન શ્રી રામનું લલાટ સૂર્યતિલકથી શોભી ઉઠ્યું હતું.
અઢી વર્ષમાં 10 લાખથી વધુ ઘનફૂટ પથ્થર ઘડાયો
અત્યારે 8થી 10 સુપરવાઈઝર અને 2500 હજારથી વધુ કારીગરો કામ કરે છે. આ પહેલું એવું મંદિર હશે જ્યાં આખું મંદિર પાયાથી કળશ સુધીમાં 10 લાખથી વધુ ઘનફુટ પથ્થર વપરાયો હશે. આ પથ્થર માત્ર બે અઢી વર્ષમાં મંદિરમાં લગાવાયો હોય એવું આ પહેલું મંદિર હશે. સોમપુરાએ જણાવ્યું કે, બીજા માળે રામ દરબાર બનાવ્યો છે. જેમાં ભગવાન શ્રીરામ, જાનકી માતા, લક્ષ્મણજી, ભરતજી, શત્રુઘ્નજી અને હનુમાનજીની મૂર્તિ પ્રસ્થાપિત કરાશે. આ મૂર્તિ અત્યારે જયપુરમાં બની રહી છે. જે આ 15 એપ્રિલ સુધીમાં અયોધ્યા પહોંચી જશે. મૂર્તિ સફેદ પથ્થરમાંથી બનાવવામાં આવી રહી છે
મંદિરના બીજા માળે 16-16 મૂર્તિ કંડારી
રામ દરબારમાં બંસીપહાડપુરનો પથ્થર વપરાયો છે. ફ્લોરિંગમાં મકરાણાનો માર્બલ વપરાયો છે. દરેક પિલ્લર પર લગભગ 16-16 મૂર્તિ કંડારાઇ છે. આવા 450 પિલ્લર છે.