કરમસદ, લંડનઃ કરમસદસ્થિત ભાઈકાકા યુનિવર્સિટીમાં બુધવાર, 7 જાન્યુઆરી 2026ના રોજ વેમેડ ઈન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ સાયન્સીસનું ઉદ્ઘાટન કરવામાં આવનાર છે. યુકેસ્થિત પ્રસિદ્ધ વેમેડ (Waymade) ગ્રૂપના પરોપકારી બંધુઓ ડો. ભીખુભાઈ પટેલ, ડો. વિજયભાઈ પટેલ અને તેમના પરિવાર દ્વારા આ ઈન્સ્ટિટ્યૂટનું ઉદ્ઘાટન કરાશે.
ગ્રૂપની ચેરિટેબલ સંસ્થા ધ શાન્તા ફાઉન્ડેશન દ્વારા સ્પોન્સર કરાયેલી વેમેડ ઈન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ સાયન્સીસ નવી સ્થપાયેલી નર્સિંગ કોલેજ છે. આ વિસ્તારમાં તાલીમબદ્ધ નર્સિંગ પ્રોફેશનલ્સની વધતી અછતનું નિવારણ કરવાના હેતુસર જાન્યુઆરી 2024માં કોલેજની આધારશિલા મૂકાઈ હતી. હાલમાં આ ઈન્સ્ટિટ્યૂટમાં નર્સિંગ પોસ્ટ ગ્રેજ્યુએટ, અંડર ગ્રેજ્યુએટ અને ડિપ્લોમા, BSc નર્સિંગ અને MSc નર્સિંગ પ્રોગ્રામ્સ માટે 265 સ્ટુડન્ટ્સને તાલીમ આપવાની ક્ષમતા છે. આ ક્ષમતામાં 310 બેઠકનો વધારો કરી 575 સુધી લઈ જવાશે. આનાથી, હોસ્પિટલ સ્ટાફિંગ જરૂરિયાત પૂર્ણ થવા સાથે ક્વોલિફાઈડ નર્સિંગ પ્રોફેશનલ્સનો સપ્લાય જાળવી શકાશે. આ ઈન્સ્ટિટ્યૂટ નર્સિંગ શિક્ષણને મજબૂત બનાવવા સાતે પ્રદેશમાં ક્વોલિટી હેલ્થકેર સર્વીસીસમાં યોગદાન આપવાનું લક્ષ્ય ધરાવે છે.
આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથેના આ નવા કોમ્પ્લેક્સમાં નર્સિંગ, ન્યૂટ્રિશન, ઓબ્સ્ટેસ્ટ્રિક્સ, ગાયનેકોલોજી અને ચાઈલ્ડ હેલ્થ નર્સિંગ માટે લેક્ચર હોલ્સ અને લેબોરેટરીઝનો સમાવેશ થાય છે. વધારાની સવલતોમાં મલ્ટિપરપઝ હોલ, લાઈબ્રેરી, ફેકલ્ટી રૂમ્સ અને આનુષાંગિક એકોમોડેશન્સનો સમાવેશ થાય છે. કેમ્પસમાં અન્ય હોસ્ટેલ્સની સાથે ખાસ નર્સિંગ હોસ્ટેલથી વિવિધ વિદ્યાશાખાઓના વિદ્યાર્થીઓ વચ્ચે તંદુરસ્ત સામાજિક આદાનપ્રદાનને વેગ મળશે.
આણંદ જિલ્લાના ભાજપ પ્રમુખ સંજયભાઈ પટેલના મુખ્ય મહેમાનપદે ઉદ્ઘાટનવિધિમાં અનુપમ મિશન, મોગરીના ગુરુહરિ સંત ભગવંત સાહેબદાદા, ચારૂતર આરોગ્ય મંડળના ટ્રસ્ટી અને એલીકોન ગ્રૂપ ઓફ કંપનીઝના CMD પ્રાયસ્વિન બી. પટેલ અતિથિવિશેષપદે ઉપસ્થિત રહેશે.


