ભારતીય ઉપખંડના તેજસ્વી વિદ્યાર્થીઓનું સરસ્વતી સન્માન એવોર્ડ્ઝથી બહુમાન

Wednesday 23rd March 2016 06:53 EDT
 
 
લંડનઃ વેસ્ટમિન્સ્ટર, લંડનસ્થિત પાર્લામેન્ટ, હાઉસ ઓફ લોર્ડ્સમાં ૧૪ માર્ચે આયોજિત કાર્યક્રમમાં ભારતીય ઉપખંડના અસામાન્ય શૈક્ષણિક કારકીર્દિ ધરાવતાં તેજસ્વી અને ૨૦૧૫ની એ-લેવલ પરીક્ષાઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા વિદ્યાર્થીઓનું માનનીય લોર્ડ ધોળકિયા PC OBE DL અને કર્મયોગ ફાઉન્ડેશન દ્વારા પ્રતિષ્ઠિત સરસ્વતી સન્માન એવોર્ડ્ઝથી બહુમાન કરવામાં આવ્યું હતું. સરસ્વતીની પાછળ સફળતા અને લક્ષ્મીનું આગમન થાય છે. આ કાર્યક્રમમાં યુકેમાં સ્થાયી મૂળ અફઘાનિસ્તાન, બાંગલાદેશ, ભૂતાન, ભારત, માલદીવ્ઝ, નેપાળ, પાકિસ્તાન અને શ્રીલંકાના ઉચ્ચ ગ્રેડ હાંસલ કરનારા ટોચના વિદ્યાર્થીઓને ધર્મ, જાતિ, જ્ઞાતિને ધ્યાનમાં રાખ્યા વિના જ રોકડ એવોર્ડ્ઝથી સન્માનિત કરાયા હતા.આ પ્રસંગે સંબોધન કરતા લોર્ડ ધોળકિયાએ જણાવ્યું હતું કે,‘તમે પોતાના માટે શું હાંસલ કરો છો તે મહત્ત્વનું નથી, પરંતુ તમારા ચારિત્ર્યનું નિર્માણ કરનારા સમુદાય અને તમે જે સમાજમાંથી આવો છો તેના ચારિત્ર્ય માટે તમે શું કરો છો તેનું વિશેષ મહત્ત્વ છે. આ દેશની રાજકીય અને અન્ય પ્રક્રિયાઓનો હિસ્સો બની રહેવાની આપણી જવાબદારી છે, જેની મર્યાદામાં રહીને આપણે પ્રદાન કરવાનું છે તે હંમેશાં યાદ રાખવું જોઈએ. આપણે ભારતીય છીએ કે આપણી પાસે જ્ઞાન છે એટલે નહિ, પરંતુ જે દેશમાં આપણે રહીએ છીએ તેના સારા નાગરિકો તરીકે પણ આપણી ફરજ અને ઉત્તરદાયિત્વ છે. તમારી શૈક્ષણિક પ્રક્રિયામાં આ પહેલા નંબરનો પાઠ છે.’જ્યાં પણ શક્ય હોય ત્યાં મદદનો હાથ લંબાવવા વિદ્યાર્થીઓને અનુરોધ કરતા લોર્ડ ધોળકિયાએ કહ્યું હતું કે,‘તમારામાંથી કેટલાકે ભારે સફળતા પ્રાપ્ત કરી છે, કેટલાકને આવી સફળતા મળી નથી. મદદનો હાથ લંબાવી આપણે પોતાના માટે જે હાંસલ કરી શક્યા છે તે હાંસલ કરવાની ક્ષમતા અન્ય લોકોમાં આવે તેવી સહાય કરવાની ક્ષમતા પણ આપણામાં હોય તેની ચોકસાઈ કરવી જોઈએ.’ તેમણે કહ્યું હતું કે ટીવીની સામે બેસી રહીને જ સમય વેડફશો નહિ, આ દેશ પાસે આપવા જેવું ઘણું છે, તેને શોધો. તેમણે વિદ્યાર્થીઓને પ્રશ્નો કર્યા હતા કે,‘તમે કેટલી વખત મ્યુઝિયમ કે આર્ટ ગેલેરી જાઓ છો, અન્યો માટે કાર્યરત સ્થાનિક સંસ્થાઓમાં કેટલી વખત જાઓ છો, સમાજ માટે કામ કરતી ચેરિટીઝ સાથે કેટલી વખત જોડાઓ છો અને કેટલી વખત જાતને પાર્કમાં ચાલવા જવું જોઈએ તેમ કહો છો, ઘણા બધા કામ કરવાના હોય છે અને આપણે આ પ્રક્રિયાનો હિસ્સો બની રહેવું જોઈએ.’તેમણે કહ્યું હતું કે આ દેશમાં વિપુલ તકો છે. તે પ્રક્રિયાનો તમે હિસ્સો બનો. ‘તમે લેબર, કન્ઝર્વેટિવ કે લિબરલ છો તેની મને કોઈ દરકાર નથી. મને તો તમે નિર્ણય લઈ શકો તે પ્રક્રિયાનો હિસ્સો છો કે નહિ તેની જ દરકાર છે. તમે વધુ માહિતી ધરાવતા હોવા જોઈએ, તમે પ્રદાન કરી શકો છો, તમે તમારી કોમ્યુનિટીના અભિપ્રાયને પ્રતિબિંબિત કરી શકો છો.’ લોર્ડ ધોળકિયાએ કહ્યું હતું કે, આપણા સહુ માટે આપણા યુવા વર્ગની પ્રતિભાને ઓળખાવાનો સતત ચાલનારો આ પ્રોજેક્ટ છે. તમે ભવિષ્યમાં શું હાંસલ કરી શકશો તેનો તો આ માત્ર આરંભ છે. ‘હું તમને એ જ યાદ રાખવાનું કહીશ કે જીવનમાં લક્ષ્મી આવશે અને જશે પરંતુ, તમે જે જ્ઞાન એકત્ર કરશો તેને કદી તમારી પાસેથી કોઈ જ છીનવી નહિ શકે.’તેમણે આખરમાં કહ્યું હતું કે, ‘કોમ્યુનિટીના અન્ય લોકોને આગળ લઈ જવાનું અને તેઓ પણ અતિ મહત્ત્વની ભૂમિકા ભજવે તે જોવાનું કામ તમારું છે. સરસ્વતી સન્માનનો જે કોઈ હેતુ છે તે આ જ છે. હંમેશાં તમે શ્રેષ્ઠ કાર્ય કરો, શ્રેષ્ઠ હાંસલ કરો તેની ચોકસાઈ રાખજો, અનેક ધ્યેયસિદ્ધિ પ્રાપ્ત કરવાની છે, જે હાંસલ કરવામાં મદદ કરનારા પણ તમે જ છો.’કર્મયોગ ફાઉન્ડેશનના ટ્રસ્ટી/સેક્રેટરી કાન્તિભાઈ નાગડાએ ફાઉન્ડેશનનો પરિચય આપતા જણાવ્યું હતું કે કર્મયોગ ફાઉન્ડેશનની સ્થાપના આ સાથેના ધ્યેયો અને હેતુઓ સાથે કરવામાં આવી હતીઃ(૧) શૈક્ષણિક અનુદાનો અને સ્કોલરશિપ્સની જોગવાઈ સાથે લોકહિતાર્થે શિક્ષણને આગળ વધારવું;(૨) વિશ્વમાં કોઈ પણ સ્થળે જરૂરિયાતમંદ વ્યક્તિઓ તેમજ ગરીબીનાબૂદી માટે કાર્યરત ચેરિટીઝ અને સંસ્થાઓને અનુદાનો, સામગ્રી કે સેવા પૂરી પાડી ગરીબી અટકાવવા અથવા હળવી બનાવવા કાર્ય કરવું; અને (૩) ઈંગ્લેન્ડ અને વેલ્સના કાયદા અનુસાર તેમજ સમયાંતરે ટ્રસ્ટીઓ દ્વારા યોગ્ય મનાય તેવા અન્ય સખાવતી હેતુસરના કાર્યો કરવા. તેમણે કહ્યું હતું કે આજ દિન સુધી ભારતીય વિદ્યા ભવન, અક્ષય પાત્ર, દેવદયા ચેરિટેબલ ટ્રસ્ટ, સર્વમ ટ્રસ્ટ, ત્રિવેણી સંગમ, સિલ્વર સ્ટાર અપીલ, અનુપમ મિશન, હરે કૃષ્ણ ટેમ્પલ, મૂરફિલ્ડ્સ આઈ હોસ્પિટલ, લોહાણા કોમ્યુનિટી સહિત વિવિધ સંસ્થાઓને £૧૩૦,૦૦૦થી વધુનું દાન આપવામાં આવ્યું છે.કાન્તિભાઈ નાગડાએ કહ્યું હતું કે ભારતીય સંસ્કૃતિમાં જ્ઞાન અને કળાની દેવી સરસ્વતી શાણપણ અને વિવેકના મુક્ત પ્રવાહનું પ્રતિનિધિત્વ કરે છે. દેવી સરસ્વતી ભગવાન શિવ અને દેવી દુર્ગાની પુત્રી છે. એમ મનાય છે કે દેવી સરસ્વતીએ માનવીઓને વાણી, શાણપણ અને જ્ઞાનની શક્તિનું વરદાન આપ્યું છે. તેમના ચાર હાથ, જ્ઞાનમાં માનવીય વ્યક્તિત્વના ચાર પાસા- મન, બુદ્ધિ, સતર્કતા અને અહંના પ્રતીક દર્શાવાયાં છે.તેમણે કહ્યું હતું કે યુકેમાં ઉચ્ચ શિક્ષણ તમામ માટે અગાઉ મફત હતું, જે સ્થિતિ હવે રહી નથી. ગત વર્ષે એ-લેવલ પરીક્ષાના પરિણામો જાહેર થતાં આશરે ૪૦૦,૦૦૦ વિદ્યાર્થીને તેમના ગ્રેડ્સ મળ્યાં હતાં. યુકેમાં સ્થાયી ભારતીય ઉપખંડના વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ પરિણામો મેળવવાં પ્રોત્સાહનની જરૂર હોવાની ચિંતા ટ્રસ્ટીઓને હતી. સિદ્ધિઓ હાંસલ કર્યા પછી તેમની વધુ પ્રગતિમાં સહાય કરવાની સમાજની ફરજ ધ્યાનમાં લઈ સરસ્વતી સન્માન એવોર્ડ્ઝની સ્થાપના કરાઈ હતી. તેમણે કહ્યું હતું કે,‘આવું સન્માન સૌપ્રથમ વખત જ સ્થાપિત કરાયું છે. હું સ્વીકારું છું કે અમે તેનું આયોજન વધુ સારી રીતે કરી શક્યા હોત. વિદ્યાર્થીઓના અભ્યાસમાં ભંગ ન પડે તે આવા કાર્યક્રમો યુનિવર્સિટી રજાઓમાં થવાં જોઈએ. પરીક્ષાઓ ચાલુ હોવાથી ઘણા નોમિનીઝ કાર્યક્રમમાં ભાગ લઈ શક્યાં નથી. એક વિદ્યાર્થી વેલ્સથી અહી આવ્યો છે, જ્યારે ઘણા યુકેના વિવિધ વિસ્તારોથી આવ્યા છે. ‘અમે આ વખતે શીખેલા પાઠમાંથી ચોક્કસ સુધારો લાવીશું અને હું ખાતરી આપું છું કે આગામી વર્ષનો કાર્યક્રમ વધુ સારો રહેશે.’આ કાર્યક્રમમાં નીચે મુજબના ઈનામ વહેંચાયા હતા.પ્લેટિનમ એવોર્ડ- ૨,૫૦૦ પાઉન્ડનું રોકડ ઈનામત્રણ ગોલ્ડ એવોર્ડ્ઝ- પ્રત્યેક ૧,૦૦૧ પાઉન્ડનું રોકડ ઈનામત્રણ સિલ્વર એવોર્ડ્ઝ- પ્રત્યેક ૫૦૦ પાઉન્ડનું રોકડ ઈનામઈનામવિજેતા આ મુજબ હતાઃ૨,૫૦૦ પાઉન્ડ- શિવ પટેલ૧,૦૦૧ પાઉન્ડ- સીતા નવીન શાહ૧,૦૦૧ પાઉન્ડ- પૃથ્વી અમીનને ક્રોયડન નોર્થના સાંસદ અને લોકલ ગવર્મેન્ટના શેડો મિનિસ્ટર મિ. સ્ટીવ રીડ દ્વારા ચેક અર્પણ કરાયો૧,૦૦૧ પાઉન્ડ- રુશિંગ બખાઈ૫૦૦ પાઉન્ડ- આલિશિયા તન્ના૫૦૦ પાઉન્ડ- જય કપુરિયા૫૦૦ પાઉન્ડ- નિમિષ અતુલભાઈ પટેલ કાર્યક્રમમાં ઉપસ્થિત લોર્ડ ભીખુ પારેખે ઈનામવિજેતાઓ અને કર્મ યોગ ફાઉન્ડેશનના ટ્રસ્ટીઓને અભિનંદન પાઠવ્યા હતા. પ્રત્યેક ઈનામવિજેતાએ પોતાના અભ્યાસના કોર્સ અને ભવિષ્યમાં શું બનવા ઈચ્છે છે તેના વિશે શાનદાર અને ટુંકા પ્રવચનો આપ્યા હતા. સરસ્વતી સન્માન એવોર્ડ પ્રાપ્ત કરનારા ઈમ્પિરિયલ કોલેજ લંડનના મિકેનિકલ એન્જીનીઅરિંગના વિદ્યાર્થી જાશેન લિતેશે જણાવ્યું હતું કે,‘હાઉસ ઓફ લોર્ડ્ઝ ખાતે સરસ્વતી સન્માન કાર્યક્રમમાં હાજરી આપવી મારા ઈમ્પિરિયલ કોલેજ લંડનના દૈનિક જીવનથી તદ્દન અલગ વાત હતી. આ એવોર્ડ માટે નોમિનેટ થયાનો મને ભારે આનંદ છે અને મારા સ્વપ્નને મજબૂત બનાવવા બદલ હું લોર્ડ ધોળકિયા અને કર્મ યોગ ફાઉન્ડેશનનો ઘણો આભારી છું. આ વાત નાની-સુની નથી. મારા જેવી વ્યક્તિને પાર્લામેન્ટમાં હાઉસ ઓફ લોર્ડ્સમાં કાર્યક્રમમાં હાજરી આપવાની તક મળે તે રોજ થતું નથી.‘એવોર્ડ સમારંભે મને ભવિષ્યમાં ફોર્મ્યુલા-૧ ટીમ માટે કાર્ય કરવાના મારા સ્વપ્નને હાંસલ કરવાની વધુ પ્રેરણા આપી છે અને એક દિવસ કદાચ હું મારી કોમ્યુનિટીને ઋણ ચુકવી શકીશ. જો તમે સખત મહેનત કરો તો કશું પણ શક્ય છે. યુવાનોને મારી એક જ સલાહ છે કે તમને કોઈ કોર્સ કરવાની ફરજ પડાય તેવા દબાણને વશ થશો નહિ. તમારી ઉત્કટતા-જોશને વળગી રહો. તમને ગમતો હોય અને જેના વિશે થનગનાટ હોય તેવા જ વિષયમાં આગળ વધજો.’સરસ્વતી સન્માન જાત કે ધર્મને ધ્યાનમાં લીધાં વિના એશિયન કોમ્યુનિટીમાં શૈક્ષણિક શ્રેષ્ઠતાને ઉત્તેજન આપવાની પ્રથમ પહેલ છે. આ એવોર્ડ્ઝના પ્રથમ વર્ષમાં જ નોંધપાત્ર સંખ્યામાં વિદ્યાર્થીઓના આવેદન પ્રાપ્ત થયાં હતાં. લોર્ડ ધોળકિયા અને નિર્ણાયકગણે શોર્ટલિસ્ટ નોમિનેશન્સની સમીક્ષા પછી વિજેતાયાદીને આખરી સ્વરૂપ આપ્યું હતું.કર્મયોગ ફાઉન્ડેશન શિક્ષણને પ્રોત્સાહન સહિત વિવિધ માનવસેવા પ્રવૃત્તિઓ માટે નોંધપાત્ર રકમની ફાળવણી કરતા ખાનગી બિઝનેસનો વિનમ્ર પ્રયાસ છે.

comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter