લંડનઃ ભારતીય વિદ્યા ભવન, લંડન દ્વારા ગુરુવાર 6 ફેબ્રુઆરીએ યુકેસ્થિત ભારતીય હાઈ કમિશનર વિક્રમ દોરાઈસ્વામીના મુખ્ય મહેમાનપદે અન્ય મહાનુભાવોની હાજરીમાં ભારતના 76મા ગણતંત્ર દિવસની ભવ્ય ઊજવણી કરવામાં આવી હતી. ભવન, યુકેના ચેરમેન સુભાનુ સક્સેનાએ ઈવેન્ટનું અધ્યક્ષસ્થાન શોભાવ્યું હતું અને તેમણે ભવન દ્વારા રિપબ્લિક ડેની ઊજવણીમાં ઉપસ્થિત મુખ્ય મહેમાન, અન્ય મહેમાનો અને તમામ લોકોનું સ્વાગત કર્યું હતું. ઈવેન્ટમાં લોર્ડ નવનીત ધોળકીઆ OBE DL, લેડી એન ધોળકીઆ, સાંસદ બેરી ગાર્ડનર, હેમરસ્મિથ એન્ડ ફૂલહામના ડેપ્યુટી મેયર કાઉન્સિલર ડેરીલ બ્રાઉન, ભવનના ટ્રસ્ટી અને માર્કેટિંગ સબ-કમિટીના વડા વિનોદભાઈ ઠકરાર સહિતના ખ્યાતનામ મહાનુભાવો હાજર રહ્યા હતા.
હાઈ કમિશનર વિક્રમ દોરાઈસ્વામીએ તેમના સંબોધનમાં ભારતના પ્રજાસત્તાક દિવસની મહત્તા તેમજ તમામ નાગરિકો માટે સમાનતાની ખાતરી સાથે બંધારણની ભૂમિકા અને ભારતની ગણનાપાત્ર પ્રગતિ પર પ્રકાશ પાથર્યો હતો. તેમણે ભારત જેનો આદર કરે છે તેવા ખુલ્લાપણા, વૈવિધ્યતા અને સમાવેશિતાના મૂલ્યો પર ભાર મૂક્યો હતો. ભવન દ્વારા 50 કરતાં વધુ વર્ષોમાં કળા અને સંસ્કૃતિના ક્ષેત્રમાં દર્શાવાયેલી ઝળહળતી કામગીરીની પણ તેમણે પ્રસંશા કરી હતી.
હાઈ કમિશનરે જણાવ્યું હતું કે,‘ ઈતિહાસમાં કોઈ પણ સંજોગોમાં કોઈ દેશે કહ્યું નહિ હોય કે અમે ડેમોક્રસી બનીશું અને અમે ગમે તેટલા ગરીબ હોઈશું અથવા ગમે તેવા જટિલ સંજોગો હશે તો પણ અમે લોકશાહી પરંપરાને જાળવી રાખીશું. આ કારણસર પ્રજાસત્તાક દિનનું સ્મરણ મહત્ત્વ ધરાવે છે. બંધારણના હાર્દસમાન મૂલ્યોનો પુનરુચ્ચાર કરવાની તક આપણને સાંપડે છે. તમે કોઈ પણ ધર્મ સાથે જોડાવાનું પસંદ કરો તો પણ આ મૂલ્યો ભારતની ધાર્મિક પરંપરાઓ તેમજ સામાજિક અને સાંસ્કૃતિક પરંપરાઓમાં વણાયેલા છે. બંધારણ આપણને આપણે કોઈ પણ સ્થળે રહેતા હોઈએ ત્યાં જીવન બહેતર બનાવવાની ચોકસાઈ આપે છે.’
પ્રજાસત્તાક દિવસની ઊજવણી પ્રસંગે ખ્યાતનામ મહેમાનોએ પ્રેરણાદાયી સંબોધનો કર્યા હતા. કાઉન્સિલર ડેરીલ બ્રાઉને પાંચ દાયકાના વારસા સાથે શિક્ષણ અને સંસ્કૃતિના મહાન કેન્દ્ર તરીકે ભવનની પ્રશંસા કરી હતી જ્યારે લોર્ડ ધોળકીઆએ ઓક્સફર્ડ સ્ટ્રીટથી વર્તમાન ઈમારત સુધી ભવનની ઐતિહાસિક યાત્રા તેમજ કળા અને સંસ્કૃતિના વિકાસમાં તેની ભૂમિકા વિશે જણાવ્યું હતું. સાંસદ બેરી ગાર્ડનેરે ભવનને યુકેમાં ‘ભારતના બિંદુ’ તરીકે વર્ણવી તેના આધ્યાત્મિક અને સાંસ્કૃતિક મહત્ત્વ પર ભાર મૂક્યો હતો.
વિનોદભાઈ ઠકરારે આભાર પ્રસ્તાવ રજૂ કરી ભવનને સપોર્ટ આપવા બદલ હાઈ કમિશનર વિક્રમ દોરાઈસ્વામી અને ભારતીય હાઈ કમિશન પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. વિનોદભાઈએ ગુજરાત સમાચાર અને એશિયન વોઈસના પ્રકાશક/તંત્રી સી.બી. પટેલની ઉપસ્થિતિ અને દાયકાઓ દરમિયાન તેમના અવિરત સપોર્ટની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે,‘અમે ગત 50 વર્ષથી સીબી સાથે સંકળાયેલા રહ્યા મછીએ. લંડનમાં ભવનની પ્રથમ મીટિંગ યયોજાઈ ત્યારે સીબીની ઓફિસનો ઉપયોગ કરાયો હતો. મીડિયા હાઉસમાં આવા વરિષ્ઠતમ વ્યક્તિત્વનો સપોર્ટ સરાહનીય છે. આ ઈવેટમાં હાજર રહેવા બદલ તમારો આભાર માનું છું અને યુકેમાં સાંસ્કૃતિક કેન્દ્ર ભારતીય વિદ્યા ભવન માટે તમારા સતત સમર્થન મળતું રહે તે માટે ઉત્સુક છીએ.
ભવનના વડીલ સમાન લોર્ડ ધોળકીઆનો આભાર માનવા ઉપરાંત, તેમણે ભારતીયતાની ગાઢ સમજણ ધરાવવા બદલ સાંસદ બેરી ગાર્ડનેર તથા કાઉન્સિલ તરફથી અમૂલ્ય સપોર્ટ બદલ કાઉન્સિલર ડેરીલ બ્રાઉનનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે ભવનને આગામી 50 વર્ષની યાત્રા તરફ દોરી જવામાં સુભાનુ સક્સેનાની નેતાગીરી રહેશે તેવી ભાવના દર્શાવી હતી.
ભવનના વિદ્યાર્થીઓ અને શિક્ષાગુરુઓએ રાષ્ટ્રગૌરવ, એકતા તેમજ દેશના ઈતિહાસ, સંસ્કૃતિ અને સ્વાતંત્ર્ય સંઘર્ષો પ્રત્યે સન્માન દર્શાવતા દેશભક્તિના ગીતો અને નૃત્યોના સ્વરૂપે ભારતની સાંસ્કૃતિક વિરાસતની ઉત્કૃષ્ટતાને ઉજાગર કરી હતી. આ સાથે ઈવેન્ટનું સમાપન થયું હતું.