અવિરત પ્રયાસોની સફળતા

Tuesday 01st December 2015 09:31 EST
 

વેમ્બલી સ્ટેડીયમ ખાતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું પ્રવચન સાંભળતી વેળાએ તેમના દ્વારા સન્માનનીય શ્રી સીબી ભાઈના નામનો ઉલ્લેખ કરાયો અને તે પછી અમદાવાદ અને લંડન વચ્ચે ડાયરેક્ટ ફ્લાઈટ્સના પુનઃ આરંભ કરવાની જાહેરાતથી મને ઘણો ઘણો આનંદ થયો. આ ફ્લાઈટ્સ શરૂ કરાવવા માટેના સીબીના અવિરત પ્રયાસોની જ આ કદર હતી. આ માટે મારા હાર્દિક અભિનંદન.

મને દિવાળી અંક મોકલવા બદલ આપનો ઘણો આભાર. આપ સર્વેને નૂતન વર્ષના અભિનંદન પાઠવવા સાથે આપનું સ્વાસ્થ્ય સારું રહે તે માટે હું સતત પ્રાર્થના કરું છું, જેથી ભારત માટે અને યુકેસ્થિત ભારતીય ડાયસ્પોરા માટે પરમ હિતકારી કાર્ય ચાલુ રાખી શકો.

કે. એચ. પટેલ, માનદ ચેરમેન, NRG સેન્ટર/કમિટી, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી, અમદાવાદ.

અમદાવાદ – લંડન વચ્ચેની ડાયરેક્ટ ફ્લાઇટ

લંડન – અમદાવાદ વચ્ચે ડાયરેક્ટ ફ્લાઇટ શરૂ કરાવવા માટે આપ સૌએ સખત મહેનત કરી હતી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ડાયરેક્ટ ફલ્ાઇટ શરૂ થાય તે માટે આપણા સમાજે મોટી સંખ્યામાં પીટીશન્સમાં સહીઅો કરીને ખૂબજ ઉમદા સહકાર આપ્યો હતો. જેનું આપણને ફળ મળ્યું છે અને તે માટે આપ અભિનંદનના અધિકારી છો.

વડાપ્રધાન શ્રી મોદીએ આપનું નામ લઇને જાહેરાત કરી હતી તેજ દર્શાવે છે કે આપે ખૂબજ જહેમત ઉઠાવી હતી.

- ગીરીશ મહેતા, ભૂતપુર્વ પ્રમુખ, વિલ્સડન એશિયન કોમ્યુનિટી સેન્ટર.

રાજકારણ અને ધર્મ

રાજકારણમાંથી ધર્મને સંપૂર્ણ રૂખસદ આપવાને બદલે દેશમાં ધાર્મિક આળપંપાળ અને વોટબેંકોની ગંદી અને હાનિકારક રમતોથી પ્રજામાં કેટકેટલી વિટંબણાઓ અને ધાર્મિક અસહિષ્ણુતા વકરી રહી છે. ધર્મ અને ઈશ્વર એ તો વ્યક્તિગત વિષય છે એને દેશના રાજતંત્રમાં કોઈ સ્થાન આપી શકાય જ નહીં. દેશની પ્રજાને, ધર્મ, જાતિ, જ્ઞાતિ રીત, રૂઢી, ભાષા અને અનામતોનું ભૂત વળગી ગયું છે. એને લીધે પ્રજાના માનસમાં વરવું રૂપ ધારણ કરીને દેશની સુવ્યવસ્થાને ગળે ટૂંપો દઈ રહ્યું છે. પ્રજાને વિભાજીત કરી વધારે ને વધારે સ્વાર્થી, સ્વચ્છંદી અને ઉછાછળી બનાવીને છાશવારે હડતાલો, તોફાનો, અનિષ્ટ વર્તન અને ભાંગફોડભર્યા વિરોધોથી દેશની પ્રગતિને અવરોધે છે.

દેશની પાર્લામેન્ટમાં પણ પ્રજાના હિતની વાટાઘાટો અને વિચારોની આપ-લે કરવાને બદલે અનીચ્છનીય અને અણછાજતા વિરોધો અને વોકઆઉટ થાય છે. કેટલાક વખતે તો ધક્કામુક્કી અને ભાંગફોડ સાથે ખુરશીઓ ફેંકાય છે. આ લોકશાહીનું લક્ષણ નથી. ૬૮ વર્ષો પછી પણ અપરિપક્વ અને કેટલેક અંશે અજ્ઞાની પ્રજાને લોકશાહી પાકે પાયે પચી હોય એમ લાગતું નથી.

માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબનો નિર્મળ અને ઉમદા દેશપ્રેમ જગજાહેર છે. યુવા પેઢીને નોકરીઓ મળવાની તકો વધે અને દેશના અર્થતંત્રમાં તેમજ પરદેશી મૂડીના રોકાણની તકો વધે એવી એમની 'મેઈક ઈન ઈન્ડિયા'ની નીતિને પણ જોરશોરથી વખોડી નખાય છે. વધતી જતી વસ્તી અને ગરીબોની લંગારને અંકુશમાં લાવવાની તાતી જરૂર છે. જ્યાં ટોચથી માંડીને છેક નીચલા સ્તર સુધી, ભ્રષ્ટાચાર અને અનીતિનો ભરડો હોય, સાચા દેશપ્રેમનો અભાવ હોય ત્યાં ગમે તેવી સારામાં સારી સરકારો પણ નિષ્ફળ નીવડે એવી શક્યતા નકારી શકાય નહીં.

જે દેશોમાં ધર્મને અતિશય આધિપત્ય અપાતું હોય તે સર્વે દેશો દુનિયાની પંગતમાં પાછળ જ રહી ગયેલા નજરે પડે છે. જ્યારે વિક્સિત દેશોમાં ધર્મને જાહેર જીવનમાં ઓછામાં ઓછી અગત્યતા અપાતી હોય છે. દેશમાં ધાર્મિક સંસ્થાઓ અને પંથોનો રાફડો ફાટી નીકળ્યો છે કે જેનાથી પ્રજા એકતાથી વિમુખ થઈને અંદરોઅંદર લડી મરતી થઈ જતી હોય છે. I am an indian firstની દેશદાઝ ભરી ઘોષણાઓ, કોઈ વ્યક્તિ, સંસ્થા કે પાર્ટીએ જગજાહેર કરીને એનો નારો લગાવ્યો હોય એવી જાણમાં નથી. આમ નહીં બને તો દેશ એક જ સૂત્રમાં બંધાય એવી શક્યતા ઓછી જણાય છે.

ડો. નગીનભાઈ પી. પટેલ, લંડન.

પ્રારબ્ધ અને પુરુષાર્થ

'ગુજરાત સમાચાર'ના સર્વે કાર્યકર્તાઓને દિવાળી મુબારક પાઠવું છું. પરમ કૃપાળુ પરમાત્મા આપ સર્વેને સેવાના કામો કરવાની વિશેષ શક્તિ-ભક્તિ પ્રેરણા આપે. 'ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ' પરોપકાર, તન-મન-ધનથી સર્વે વડીલોને સેવા આપે છે અને વિશેષ આપતા જ રહે તે માટે મુ. સી. બી.ને ખુબ ખુબ ધન્યવાદ.

આપણા દરેક વડીલો, ભાઈઓ અને બહેનો ફક્ત 'ગુજરાત સમાચાર' વાંચીને આનંદ કરે છે, સંતોષ માને છે. કારણ કે તેમાં દરેક જાતના વિગતવાર સમાચાર મળે છે અને ખરેખર 'જીવંત પંથ'માથી જેટલું વાંચીએ, જાણીએ, અનુભવીએ અને અમલ કરીએ તેટલું ઓછું છે.

શ્રી સી. બી. સાહેબે તેમના 'જીવંત પંથ'માં જણાવેલ છે કે પુરુષાર્થ સાથે જ પ્રારબ્ધ સમાયેલું છે. પ્રારબ્ધ શરીરને ભોગ પ્રદાન કરે છે. પુરુષાર્થ ભવિષ્યને સૃષ્ટિને તૈયાર કરે છે, જેથી બંને ભવિષ્ય ભોગ પ્રદાન કરે છે. એટલે જ અંગ્રેજીમાં કહેવત છે કે 'માણસ પોતાની જાતે જ પુરુષાર્થ ઘડી શકે છે. પુરુષાર્થ વગરનું પ્રારબ્ધ આંધળું છે અને પ્રારબ્ધ સિવાયનો પુરુષાર્થ પાંગળો છે. એક આંધળા અને લંગડાની વાત જેવું છે.

- પ્રભુદાસ જે. પોપટ, હંસલો

ભ્રષ્ટાચાર અને સુશાસન

'ગુજરાત સમાચાર'નો અંક મળ્યો. વાંચી ઘણો આનંદ થયો. ખાસ તો મોદી સાહેબની બ્રિટનની મુલાકાત અને બ્રિટન-ભારતના સંબંધો, વેપારી કરારો અને તેમાંય ખાસ કરીને ડેવિડ કેમરન - મોદી સાહેબનો અંગત પ્રેમ જોઈ આનંદ થયો.

મોદી સાહેબ આવ્યા બાદ ભારતને જગત ઓળખતું થયું અને તેનો ડંકો બધે જ વાગ્યો છે ત્યારે અજ્ઞાનીઓએ એવો પ્રચાર શરૂ કર્યો કે ૧૮ મહિનામાં દેશમાં કોઈ પ્રગતિ થઈ નથી. તો શું ભારતમાં ફોરેન ઈન્વેસ્ટમેન્ટ - ભાદરવાના ભીંડા જેવો કે ચોમાસાની ધરો જેવી છે? સમય લાગશે. મોદી સાહેબના માર્ગમાં કાંટા અને કાંટા જ છે અને છેલ્લા ૬૫ વર્ષના ભ્રષ્ટાચારનો રોગ ભયંકર કોઠામાં ઊતરી ગયો છે. બિહારમાં લાંચ આપ્યા સિવાય કામ થતું નથી. કરપ્શન આખા દેશમાં છે, બિહારમાં અધિક છે. બિહારના ઈલેક્શનનું પરિણામ, દિલ્હીનું ઈલેક્શન અને તેનું પરિણામ અને બિહારના શપથ વિધિનો પ્રોગ્રામ જોજો તો દેશની હાલતનો ખ્યાલ આવશે. આવા નેતાઓ સાથે મોદી સાહેબને કામ કરવાનું છે. સદાય વિરોધ કરતા લોકો વચ્ચે પારકાનો પ્રેમ જીતી દેશને સુપર નેશન બનાવવો સહેલું નથી.

- રજનીકાંત એમ. પટેલ, હેરોગેટ

ધામેચા ભાઇઅોની સખાવત અને સેવા

છેલ્લા ૪૦ વર્ષથી કેશ એન્ડ કેરી ક્ષેત્રે ખ્યાતિ મેળવનાર ધામેચા ગૃપનું નામ સખાવત સહિત સમાજ સેવાના વિવિધ કાર્યો માટે માનભેર લેવાય છે. કેન્યાના કિસુમુથી અહિં આવીને વસેલા ખોડીદાસભાઇ આર. ધામેચા, શાંતિભાઇ આર. ધામેચા અને સ્વ. જયંતિભાઇ આર. ધામેચા દ્વારા તેમના આંગણે ફંડફાળા માટે ગયેલા કોઇને નિરાશ કરાતા નથી. નોર્થ લંડન, ક્રોલી અને સાઉથ લંડનમાં કોમ્યુનિટી હોલના નિર્માણ માટે તેમની મદદ નોંધપાત્ર કહી શકાય. સેવાના આ ગુણ તેમની નવી પેઢીમાં પણ ઉતર્યા છે.

- હરિવદન શાહ, વેમ્બલી.

અસહિષ્ણુતા અને આમિર ખાન

વિખ્યાત અભિનેતા આમિર ખાને પ્રતિષ્ઠિત રામનાથ ગોએંકા એવોર્ડ સમારોહમાં સાહિત્યકારો અને ફિલ્મકારો દ્વારા એવોર્ડ પરત કરવાના અભિયાનનું સમર્થન કરી દેશમાં વ્યાપેલા અસહિષ્ણુતાના માહોલ અંગે ચિંતા વ્યક્ત કરતા દેશભરમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે.

વોટ્સએપ, ફેસબુક અને ટ્વીટર પર આ મુદ્દે આમિર ખાન વિરૂધ્ધ જાણે કે જુવાળ જાગ્યો છે.

આમિર ખાને કહ્યું કે "આતંકવાદને કોઈ ધર્મ સાથે જોડવો ન જોઇએ અને બાળકોની સુરક્ષાને લઇને ભયભીત મારી પત્ની કિરણ રાવે એક વખત કહ્યું હતું કે, આપણે ભારત છોડીને ક્યાંક જતાં રહીએ.”

અવારનવાર પોતાના મત વ્યક્ત કરવા માટે વિખ્યાત આમિર ખાને કમનસીબે આ અગાઉ ઘણી વખત દેશભરમાં બનેલી લોહિયાળ ઘટનાઅો વખતે પોતાનો મત વ્યક્ત કર્યો નથી જે ખરેખર દુ:ખદ બીના છે. એકાદી ઘટના માટે ચિંતીત આમિર ખાને ખરેખર દેશની અન્ય ઘટનાઅોને લક્ષમાં લઇને જો નિવેદન કર્યા હોત તો આ નિવેદનથી લોકોમાં ઉશ્કેરાટ ન ફેલાત તે ચોક્કસ છે.

- નીલેશ પટેલ, હેરો.

આદિત્ય પંચોલી અને સુપ્રિમ કોર્ટ

વિતેલા જમાનાના જાણીતા ફિલ્મ અભિનેતા આદિત્ય પંચોલીને તાજેતરમાં જ સુપ્રિમ કોર્ટે મુંબઈના જૂહુ સ્થિત બંગલાનું બાકી રહેતું રૂ. ૧,૩૮૪ ભાડુ ભરવા અને તે પછી બંગલો ખાલી કરવા હુકમ કરતા બંગલાના માલિકે રાહતોનો શ્વાસ લીધો છે. સુપ્રિમ કોર્ટે કરેલો હુકમ આવા મકાન ભાડે રાખીબે કબ્જો જમાવી રાખતા તત્વોને માટે ચેતવણી સમાન છે. મોટો અભિનેતા હોવા છતાં અને ખૂબજ સુંદર કમાણી હોવા છતાં આદિત્ય બાકી રહેતું માત્ર રૂ. ૧,૩૮૪ ભાડુ ભરવા અને બંગલો ખાલી કરવા રાજી નહોતો.

સુપ્રીમ કોર્ટે ચુકાદો આપતાં જણાવ્યું હતું કે, ‘ફિલ્મ અભિનેતા આદિત્ય પંચોલીની આર્થિક ક્ષમતા છે કે તેઓ મુંબઈમાં ક્યાંય પણ રહેઠાણ ખરીદી શકે તેથી અન્યની મિલકત પર નજર રાખવાનું તેમનું વર્તન યોગ્ય નથી.’ મોટા ગજાના અભિનેતા તરીકે આદિત્યનું આવું વર્તન કેટલી હદે યોગ્ય કહેવાય? આપણા ઘણાં બીનનિવાસી ભારતીયોના મકાનો પર આવી રીતે કબ્જો જમાવાયો છે. આશા છે કે આ ચુકાદા પછી અન્ય લોકોને પણ પોતાના મકાનોનો કબ્જો મળશે.

- રાજેન્દ્ર અધ્વર્યુ નોર્બરી.

ટપાલમાંથી તારવેલું:

* શ્રી કલ્યાણજીભાઇ ઠકરાર જણાવે છે કે 'ગુજરાત સમાચારના માધ્યમથી આપ સમાજ સેવાના અનેક કાર્યો કરો છો અને અમારા બધાની પ્રાર્થના છે કે આપનું આરોગ્ય કાયમ સારૂ રહે.

* સમીરભાઇ પુરોહિત ઇમેઇલ દ્વારા જણાવે છે કે, તાજેતરમાં ભારતના વડાપ્રધાને ડાયરેક્ટ ફ્લાઇટ માટે જાહેરાત કરી તે આનંદની વાત છે. પરંતુ ગુજરાતના છાપાઅોમાં છપાયેલી જાહેરાત જોતા ફ્લાઇટ વાયા મુંબઇ થઇને જનાર છે. આ અંગે જરા તપાસ કરીને તે અંગે સમાચાર રજૂ કરવા વિનંતી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter