આજની દુનિયા અને અહિંસા

Tuesday 24th March 2015 11:31 EDT
 

વ્યક્તિ કે દેશ, સમય અને સંયોગો સાથે બદલાય નહીં અને પુરાતન માન્યતા અને રૂઢિઓને વળગી રહે, તે સર્વની પ્રગતિ સ્થગીત થઈને અદ્યોગમનમાં પરિણમે છે એમ મારૂ માનવું છે.

આઝાદીની લડત માટે પૂ. મહાત્મા ગાંધીજીની અહિંસાની નીતિ તે વખતના સંયોગો અને સમય બંનેને અનુસરતી હતી. ત્યાં એમની અહિંસા તેમજ બહિષ્કારોની નીતિ, રીતિ અને સિદ્ધાંતો જનજાગૃતિ માટે ખરેખર યોગ્ય હતાં. પરંતુ આજની જ્ઞાન અને વિજ્ઞાન તેમજ ઘાતક અણુશસ્ત્રોથી સજ્જ દુનિયામાં એને વળગી રહેવું ઉચિત નથી. અહિંસા એ તો આધુનિક જગતમાં નિર્માલ્ય અને નિઃશસ્ત્રનું હથિયાર છે એમજ ગણી શકાય.

આપણા પૂર્વજોના કાળમાં કે જ્યારે પૃથ્વી પરની બીજી અનેક સંસ્કૃતિઓ અને દેશો તેમજ પ્રજાની જાણ નહોતી ત્યારે કદાચ આવી માન્યતાઓ યોગ્ય હશે, પરંતુ એને ધર્મનું કે સિદ્ધાંતનું અંગ ગણીએ તો દેશ પાછળ પડી જાય, બળવાન પાડોશીઓ તેમજ અન્ય બળવાન પ્રજાની દાદાગીરીમાં દબાઈને રહેવાનો વારો આવે.

કેટલાક લોકો તો અહમ પોષવા અને દેખાવો કરવા અહિંસાને વધારે પડતી અગત્યતા આપીને શારિરીક દમન કરીને પણ આવાં વ્રતો કરતાં નજરે પડે છે. તે સર્વે આજની માનવજાત અને દુનિયા માટે અયોગ્ય ગણાય.

શ્રીમદ ભગવત ગીતામાં શ્રી કૃષ્ણએ અર્જુનને બહુ સમજાવીને સાચો માર્ગ ચીંધ્યો હતો અને આખરે ‘શઠમ પ્રતિ સાઠ્યેત’ ના નિયમોનો અમલ કરવા દબાણ કર્યું જ હતું ને! અજ્ઞાન, અંધશ્રદ્ધા અને વહેમ તેમજ અજાણ્યાના ડરથી પીડાતી પ્રજા માટે એ પારાવાર નુકસાન કારક જ નિવડે.

- ડો. નગીનભાઈ પી. પટેલ, લંડન

નીતિને વરેલું અખબાર

૮૦ વર્ષ કરતાં વધુ વયના વડીલોનું સન્માન લેસ્ટર મુકામે તા. ૨૧-૩-૧૫ના રોજ થનાર છે તે આપના ગુજરાત સમાચારમાં વાંચ્યું જાણીને ખૂબ જ આનંદ થયો.

હું આશરે ૨૫ વર્ષથી 'ગુજરાત સમાચાર'નો ગ્રાહક છું. ‘જીવંત પંથ’, ‘કલમની ધારે’, હરિ દેસાઈ, વિષ્ણુ પંડ્યા, લલિત લાડનું 'આયાં બધા ઓલ રાઈટ છે', 'ચર્ચાના ચોતરે' વગેરે વિભાગો વાંચવા ગમે છે અને માણું છું. 'સુડોકુ' બનાવવામાં વખત પસાર થાય છે.

જ્યાં જ્યાં અન્યાય થાય છે, ત્યાં ત્યાં તમો અન્યાય દૂર કરવા ખૂબ ખૂબ પ્રયત્ન કરો છો. તમારું અખબાર નીતિને વરેલું છે. અખબાર દ્વારા તમો સેવાની પ્રવૃત્તિ કરો છો - ભગવાન તમોને એવા કાર્યો કરવાની શક્તિ આપે અને ઉત્તરોત્તર તમારી ખૂબ ખૂબ પ્રગતિ થાય એવી પ્રાર્થના.

- રતિલાલ ચૌહાણ અને મણીબહેન ચૌહાણ, લેસ્ટર

ગાંધી બાપુ અને જીવંત પંથ

હંમેશની જેમ સમયસર તા. ૨૧-૩-૨૦૧૫નું 'ગુજરાત સમાચાર' મળી ગયું. સાથે 'ગ્લોબલ ઈન્ડિયન રીચ લીસ્ટ'નો અંક પણ મળ્યો અને ખૂબ જ વિસ્તારપૂર્વક ફોટા સાથેની વિગત વાંચીને આનંદ થયો છે. આવા અમૂલ્ય અંક ફક્ત 'ગુજરાત સમાચાર' તરફથી અવારનવાર મળે છે. આવી લાખેણી સેવા બદલ આભાર અને ધન્યવાદ.

પહેલે જ પાને 'બ્રિટનમાં બાપુનું શાશ્વત ઘર'નો ફોટા સાથેનો અહેવાલ વાંચ્યો. લાડીલા પૂ. ગાંધી બાપુની પ્રતિમાનું અનાવરણ 'રઘુપતિ રાઘવ રાજા રામ'ના ગાન સાથે થયું. આપણા લાડીલા પૂ. ગાંધી બાપુની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરતા લાડીલા ડેવીડ કેમરન, અમિતાભ બચ્ચન, નાણા પ્રધાન જેટલી અને ગાંધીજીના પૌત્ર ગોપાલકૃષ્ણ ગાંધીની હાજરીથી આ શુભપ્રસંગની ઉજવણી થઈ. કલ્ચર સેક્રેટરી સાજિદ જાવેદની હાજરીથી સોનામાં સુગંધ ભળી. લોર્ડ મેઘનાદ દેસાઈ અને લેડી દેસાઈએ કરેલી મહેનત ખરેખર લેખે લાગી છે. જીવનમાં યાદ કરવા જેવો પ્રસંગ છે.

પાના-૧૪ ઉપરનો ‘જીવંત પંથ’ વાંચ્યો. તેને ફક્ત એક-બે વાર વાચવાથી સંતોષ નહીં થાય, સમજાશે નહીં. ફરીવાર વાંચો. વિચારો, સ્મરણ કરો. આ 'જીવંત પંથ' વાંચવા જેવો તો છે જ પણ સમજવાની કળા જુદી જ છે.

અમદાવાદ-લંડન-અમદાવાદ સીધી ફ્લાઈટ માટે દરેક મંત્રીઅો ભરપૂર સારો સાથ આપીને પોતાની પૂરતી મહેનતથી કામ કરે છે. 'ગુજરાત સમાચાર' અને સી.બી.ને તે માટે આજે નહિં તો કાલે પણ જરૂર જશ મળશે. કારણ કે તેમણે કમર કસીને પ્રામાણિકતાથી આ માટે કામ કર્યું છે. જે કોઈ ગુજરાત સમાચાર વાંચે છે અને રોજબરોજની ગતીવિધીથી વાકેફ છે તેઅો કોઈ અજાણ નથી.

બાકી બીજા તો બે શબ્દો સારા લખે અને જાણે ગાડા નીચેના કુતરાની જેમ ભાર હું જ ઊપાડું છું તેમ માને, પણ સત્યમેવ જયતે. દેખાડવાના જુદા અને ચાવવાના જુદા.

- પ્રભુદાસ જે. પોપટ, હંસલો

૦૦૦૦૦૦૦૦

તો ધર્માંતરનો પ્રશ્ન ઊકલી જશે

ધર્મ પરિવર્તન અંગેના ડો. નગીનભાઈના મંતવ્ય સાથે સહમત છું, પણ ઘરવાપસી પછીની આ પરિવારોને બૃહદ હિંદુ સમાજ કેવી વર્તણુક દાખવે છે એ અંગે વિચાર્યું હોય તો સારું. બાકી તો બિચારા ન ઘરના ન ઘાટનાં.

મંદિરો-આશ્રમો- મઠોમાં કેદ બેસુમાર સંપત્તિ આવા અને અન્ય દબાયેલ-કચડાયેલ પરિવારોને આરોગ્ય, ભણતર, રોટી માટે વપરાશે તો ધર્માંતરનો પ્રશ્ન આપોઆપ ઊકલી જશે. પણ કમનસીબે ભવિષ્યમાં દાનનો પ્રવાહ આવા પરિવારોના લાભાર્થે વપરાય તેવા દિવસોના એંધાણ મને નજરે આવતા નથી.

- ભીખુભાઈ, નોટિંગહામ

૦૦૦૦૦૦

હિન્દુવાદના કટ્ટર પંથીઓ ઉપર મોદીજીએ રોક લગાવવાની જરૂર છે. તેનાથી ભાજપની છબી ખરડાઈ છે. ઘર વાપસીના કાર્યક્રમમાં કોઈ બુરાઈ નથી. પણ જબરદસ્તી કે પૈસા આપીને તે ન કરવું જોઈએ. જેવું હિન્દુનું નામ આવે કે તુરંત વિરોધપક્ષના લોકો ભડકે છે. વિરોધ પક્ષવાળા 'એલિયન' લાગે છે જે ફક્ત હિન્દુ નામથી ભડકે છે.

- નયના નકુમ, સાઉથ હેરો.

૦૦૦૦૦૦૦

કાર્ડીફમાં ગાંધી બાપુ

લંડનના પાર્લામેન્ટ સ્કવેરમાં પૂ. ગાંધી બાપુની પ્રતિમાનું અનાવરણ થયું તે જાણીને ખૂબજ અનંદ થયો. હવે કાર્ડીફ, વેલ્સમાં પણ 'હિન્દુ કાઉન્સિલ અોફ વેલ્સ' દ્વારા ગાંધી બાપુની પ્રતિમાના અનાવરણ માટે ખંતપૂર્વક મહેનત કરવામાં આવે છે. ખૂબ જ ખુશીની વાત એ છે કે ગાંધી બાપુના આચાર વિચાર અપણી યુવા પેઢીને કામ આવશે અને તેમના વિચારો અમલમાં મૂકવાની સોનેરી તક મળશે.

લોર્ડ દેસાઇની જેમ આપણા સ્થાનિક લોર્ડ ડોલર પોપટ, એમપી કિથ વાઝ, એમપી શૈલેષ વારા વગેરે જો આગળ આવીને મદદ કરે તો ઘણું કામ થાય તેમ છે. લંડન સહિત સમગ્ર વિશ્વના લોકોએ જે રીતે લંડનમાં ગાંધી પ્રતિમા માટે મદદ અને ઉદાર હાથે ફાળો આપ્યો છે તેવી જ મદદ અને અનુદાનની જરુર કાર્ડીફમાં પણ ગાંધી બાપુની પ્રતિમા માટે છે.

- કુમુદબેન પટેલ, હેરો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter