ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતીએ સૌપ્રથમ હું તેમને મસ્તક ઝૂકાવી પ્રણામ કરું છું અને ‘ધરતી આબા (ધરતીપિતા)’ તરીકે પણ લોકપ્રિય (છતાં, ભૂલી જવાયેલા) આદિવાસી સ્વાતંત્ર્યવીર, સન્માનીય સુધારક અને લોકનાયકને મારા દિલથી સલામ કરું છું. તેમનો જન્મ ઉલીહાટુ, છોટાનાગપુર પ્લેટુ (વર્તમાન ઝારખંડ)માં 15 નવેમ્બર 1875 ના દિવસે મુન્ડા આદિજાતિમાં થયો હતો. તેમણે ચાઈબાસાની ક્રિશ્ચિયન મિશનરી સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો, પરંતુ પાછળથી બ્રિટિશ પ્રભાવ વિશે તેમનો ભ્રમ ભાંગી ગયો હતો.
વૈષ્ણવવાદ અને આદિવાસી આધ્યાત્મિક પરંપરાઓના પ્રભાવથી પ્રેરણા મેળવી તેમણે બિરસૈટ સંપ્રદાયની સ્થાપના કરી હતી જેના તરફ આદિવાસી લોકો ભારે આકર્ષાયા હતા. તેમણે જમીનદારીના શોષણ સામે લડત આદરી હતી. બ્રિટિશરો દ્વારી લદાયેલી નજમીનદારી સિસ્ટમે કેવી રીતે ખૂનકાટ્ટી આદિવાસી જમીનની માલિકીનો નાશ કર્યો અને આદિવાસીઓને ભૂમિવિહોણા બંધૂઆ મજૂરોમાં ફેરવી નાખ્યા તેનો પર્દાફાશ કર્યો હતો. તેમણે બળજબરીપૂર્વકની મજૂરી, જંગલોના શોષણ અને આદિવાસી પ્રજાને કોમ્યુનિટીની માલિકીના સ્રોતોથી વંચિત કરતી રેવન્યુ પોલિસીઓ વિરુદ્ધ આદિવાસીઓને એકજૂટ કર્યા હતા. તેમણે આદિવાસીઓને સંસ્થાનવાદી અન્યાય બાબતે શિક્ષિત કર્યા અને આદિવાસી ગૌરવ, સ્વનિયમો અને ડિકુઝ (બહારના લોકો) સામે સાંસ્કૃતિક પ્રતિકાર થકી બ્રિટિશ અત્યાચારો વિરુદ્ધ ચેતના જગાવી હતી. તેમણે બ્રિટિશ આઉટપોસ્ટ્સ, ચર્ચીઝ અને પોલીસ સ્ટેશનોને સંસ્થાનવાદી અને મિશનરી સત્તાના પ્રતીકો ગણાવી લક્ષ્યો બનાવવા ગેરિલા વોરફેર વ્યૂહરચનાનો ઉપયોગ કર્યો હતો.
તેમની 1895માં ધરપકડ કરાઈ અને 1900માં રાંચીની જેલમાં તેમનું મૃત્યુ થયું હતું. તેમની ચળવળના પ્રભાવે છોટાનાગપુર ટેનન્સી એક્ટ (1908) ઘડાયો અને આદિવાસી જમીનોના અધિકારો સ્થાપિત કરાયા હતા. ભારે બહાદુરી અને સાંસ્કૃતિક નેતૃત્વ બદલ તેમને ‘ભગવાન’ બિરુદથી સન્માનવામાં આવ્યા હતા. ભારત સરકારે 2021માં તેમના જન્મદિન 15 નવેમ્બરને જનજાતિય ગૌરવ દિવસ ઘોષિત કર્યો છે.
મને કહેતા ભારે દુઃખ થાય છે કે અમારા શાળા અને કોલેજ શિક્ષણકાળમાં અમને કદી મહાન સ્વાતંત્ર્યવીર બિરસા મુંડા વિશે કશું જ શીખવાડાયું નહિ. બ્રિટિશ શાસકો વિરુદ્ધ તેમનું યોગદાન તે સમયના કોઈ પણ નેતાથી જરા પણ ઓછું ન હતું, પરંતુ કદાચ તેઓ આદિવાસી સમુદાયના હોવાના કારણે તેમને ઘણું ઓછું સન્માન અપાયું અથવા જરા પણ સન્માન ન કરાયું.
સુરેશ અને ભાવના પટેલ
મારખમ, કેનેડા

