કેનેડાએ 24 વર્ષ અગાઉ 9/11ના હુમલાઓ દરમિયાન 200 અમેરિકન ફ્લાઈટ્સને કેનેડાના એરપોર્ટ્સ સુધી ડાઈવર્ટ કરવાનું ઓપરેશન યલો રિબન લોન્ચ કરીને મદદ કરી હતી. રઝળી પડેલા હજારો પ્રવાસીઓને આશરો, ભોજન અને સુવિધાઓ પૂરી પાડી હતી. આ પછી, ઓપરેશન એપોલો હેઠળ અફઘાનિસ્તાનમાં આતંકવાદ સામે લશ્કરી અભિયાનમાં લશ્કરી દળો, નૌસેના અને એર ફોર્સીસનું પણ યોગદાન આપ્યું હતું. કેનેડાએ ઘરઆંગણે પણ સુરક્ષાના પગલાં વધાર્યાં હતાં અને રાષ્ટ્રીય સલામતીનું રક્ષણ કરવા એન્ટિ-ટેરરિઝમ એક્ટ પણ લાગુ કર્યો હતો.
આતંકવાદી હુમલાઓ પછી, કેનેડિયન સરકારે તત્કાળ તમામ સિવિલિયન એર ટ્રાફિક સસ્પેન્ડ કરી મૂળ યુએસ તરફ જઈ રહેલાં આશરે 226 વિમાનોને માર્ગ બદલી વિવિધ કેનેડિયન એરપોર્ટ્સ તરફ રવાના કરાવ્યા હતા. ન્યૂફાઉન્ડલેન્ડ, ગાન્ડેર જેવાં નાના ટાઉન્સમાં પણ સ્થાનિક વસ્તી અને ઈમર્જન્સી સેવાઓ હુમલાના લીધે રઝળી પડેલાં આશરે 7,000 પ્રવાસીઓ માટે ખોરાક, પાણી અને આશરો પૂરો પાડવા સતત કાર્યરત રહી હતી. કેનેડિયન હોસ્પિટાલિટીઝ- નિવાસીઓએ અજાણ્યા લોકો માટે તેમના ઘર ખુલ્લાં મૂકી દઈને રઝળી પડેલાં પ્રવાસીઓને મદદ કરવામાં ભારે કરુણા અને ઉદારતા દર્શાવી હતી.
9/11 ના આતંકવાદી હુમલાઓ દરમિયાન દયા અને પ્રતિકારનો સંદેશ આપવા સાથે સાચી કથાની પ્રેરણા આપતા ‘Come From Away’ શોને હંમેશાં શ્રેષ્ઠ મ્યુઝિકલમાં સ્થાન મળતું રહ્યું છે. તેને શ્રેષ્ઠ દિગ્દર્શન અને બેસ્ટ ન્યૂ મ્યુઝિકલ માટે અનેક ઓલિવર એવોર્ડ્સ સહિત અગણિત એવોર્ડ્સ પ્રાપ્ત થયા હતા. આ શોની સફળતાનો સંપૂર્ણ યશ પ્રતિભાશાળી કેનેડિયન સર્જકો, અનેક ભૂમિકાઓ ભજવતા કલાકારોને સ્ટેજ આપવાના નવતર વિચાર તેમજ કોમ્યુનિટી અને સહાનુભૂતિના યુનિવર્સલ વિષયોના ફાળે જાય છે.
અમે ટોરન્ટોના રોયલ એલેકઝાન્ડર થિયેટરમાં ‘Come From Away’ શોને જીવંત નિહાળવા સદ્ભાગી રહ્યા છીએ. અમારાં લગ્નની 50મી વર્ષગાંઠે અમારી બંને દીકરીઓ, તેમના જીવનસાથીઓ અને ગ્રાન્ડચિલ્ડ્રન દ્વારા આ શોની ટિકિટ્સ ભેટમાં અપાઈ હતી. સદાકાળ સ્મરણમાં રહે તેવી આ અદ્ભૂત ભેટ બની રહી હતી.
અને છેલ્લે જણાવું કે વર્લ્ડ ટ્રેડ સેન્ટર ટાવરનું સ્મરણ સ્પષ્ટ છે. હું 1972માં યુએસએમાં સ્ટુડન્ટ/ટ્રેનિંગ વિઝા પર હતો અને ન્યૂ જર્સીના હોબોકેનમાં રહેતો હતો. દરરોજ સબવે ટ્રેનથી ન્યૂ યોર્ક અવરજવર કરતો હતો. WTC સ્ટેશન પર ઉતરીને પર કામ કરવા 44 વોલ સ્ટ્રીટ પરની ફર્સ્ટ નેશનલ સિટી બેન્ક સુધી ચાલીને જતો હતો. મેં WTCને બંધાતું જોયું હતું અને 24 વર્ષ પહેલા ત્રાસવાદીના કાયરતાપૂર્વકના કાર્ય દ્વારા તેનો નાશ થયાનું અહીં કેનેડામાં ટીવી પર સમાચારમાં જોયું ત્યારે ભારે દુઃખ થયું હતું.
સુરેશ અને ભાવના પટેલ
મારખમ, કેનેડા