દલાલ દ્વારા મધ્યસ્થતા આવી જ હોય

મારે પણ કંઇક કહેવું છે...

- રાજેન્દ્ર એમ. જાની Thursday 02nd April 2026 06:27 EDT
 

અમેરિકા-ઈઝરાઈલ અને ઈરાનના ભીષણ યુદ્ધ વચ્ચે પાકિસ્તાન દ્વારા મધ્યસ્થતાની વાત આવી ત્યારે ભારતના વિપક્ષ ઉછળી પડયા હતા પરંતુ ભારતના વિચક્ષણ વિદેશ પ્રધાન એસ. જયશંકર દ્વારા એક જ વાક્યમાં ‘ભારત દલાલી કરી શકે નહીં’ તેમ જણાવી પાકિસ્તાનની મધ્યસ્થતાને મધ્યસ્થતા નહીં, પણ દલાલીનું નામ આપી તેની વાસ્તવિકતા જણાવી દીધી હતી.
મધ્યસ્થતાના મુળ સિદ્ધાંત પ્રમાણે મધ્યસ્થ બન્ને પક્ષનો વિશ્વાસુ, નિસ્પૃહ અને મોભાદાર હોવો જોઈએ. આ માપદંડ પ્રમાણે જોઈએ તો ઈઝરાયેલ માટે તો પાકિસ્તાનને દુશ્મન દેશ જ છે.
તે જ પ્રમાણે ઈરાન અરબસ્તાન સાથે સંરક્ષણ કરારથી જોડાયેલો અને અમેરિકાની કઠપૂતળી જેવા સુન્ની દેશ પાકિસ્તાન ઉપર ક્યારેય ભરોસો કરી શકે નહીં. જયારે અમેરિકા માટે તો પાકિસ્તાનના પ્રધાનમંત્રી શાહબાઝ શરીફ કોઈ દેશના પ્રધાનમંત્રીનું નહીં પણ પ્રમુખ ટ્રમ્પ કહે ત્યારે ઉભા થાય, કહે ત્યારે હસે તેવા દરબારી વિદુષકથી વધારે કાંઈ જ નથી. આવી વ્યક્તિનું મૂલ્ય ક્યારેય મધ્યસ્થ નહીં, પણ જયશંકરજીએ કહ્યા પ્રમાણે દલાલથી વધારે હોઈ જ ના શકે.
થયું પણ એવું જ. પાકિસ્તાને મધ્યસ્થી માટે બોલાવેલી બેઠકમાં યુદ્ધરત અમેરિકા, ઈઝરાયેલ કે ઈરાનના રાષ્ટ્રધ્યક્ષ તો ઠીક તેમનો કોઈ પ્રતિનિધિ પણ હાજર નહોતો! યુદ્ધ સાથે કોઈ સીધો સબંધ ના ધરાવતા પાકિસ્તાનના મળતિયા ઇજીપ્ત, અરબસ્તાન અને તુર્કી સાથે કોઈ નતીજા વગરની બેઠક કરીને પાકિસ્તાને મધ્યસ્થતા કર્યાનો સંતોષ માનીને પોતાની મૂર્ખતાનું પ્રદર્શન માત્ર કર્યું!
મારી દ્રષ્ટિએ વિશ્વના સમર્થ દેશો પૈકી રશિયા, ચીન અમેરિકાવિરોધી હોવાથી હાલના સંજોગોમાં યુદ્ધરત ઈરાન, ઈઝરાયેલ અને અમેરિકા ત્રણે દેશો જેની સાથે સારા સબંધો ધરાવે તેવા ભારતના ફૂટનીતિના નિષ્ણાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી સિવાય કોઈ સાચી મધ્યસ્થી કરી શકે તેમ છે જ નહીં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter