પ્રજા અને પાર્ટીઓનું અધઃપતન

Tuesday 08th March 2016 10:39 EST
 

આજે દેશમાં રાજકીય પાર્ટીઓનું છોકરમત જેવું વર્તન વધી રહ્યું છે. ખૂણે ખાંચરેથી ખાંચા ખોદીને સામસામે કાદવ ઉછાળાઈ રહ્યો છે. ગલીચ અને અશિષ્ટ ભાષાઓનો પણ છૂટથી ઉપયોગ થાય છે. પ્રધાનમંત્રીને પણ સંડોવવાની ગંદી રમતો અજમાવાય છે, ત્યાં દેશના હિતને અને વિચારવિમર્શને જોખમમાં મૂકાઈ રહ્યું છે.

હા, સરકાર પાસે ઉજળી અપેક્ષાઓ રાખવી એ પ્રજાનો હક્ક છે. પરંતુ પોતાની ફરજો ભૂલીને કંઈ ના કરવું એ યોગ્ય નથી. દેશને સ્વચ્છ રાખવો, કાયદા કાનૂનનું પાલન કરવુ, નિતિમત્તાથી વર્તવું, ભ્રષ્ટાચારને વેગળો રાખવો વગેરે સઘળી ફરજો પ્રજાએ પાળવી જ રહી. પોતાની અગવડો અને દુઃખની ફરિયાદો પોતે ચૂંટેલા પ્રતિનિધિઓ મારફતે જ સાંસદમાં પહોંચતી કરવી એ સાચી રીત છે.

વિરોધો કરવા ટોળેટોળાં ભેગાં કરી, ભાંગફોડ, બૂમરાણ કરીને તોફાની બની દેશના ન્યાયતંત્રનું ઉલ્લંઘન થઈ રહ્યું છે.

પ્રજા પોતે જ સુધરે નહીં અને પોતાની પવિત્ર ફરજોનું યોગ્ય પાલન કરે નહીં ત્યાં સુધી દેશની પ્રગતિની આગેકૂચમાં આડ ખીલી જ બની રહેશે એમાં કોઈ શંકાને સ્થાન નથી.

- ડો. નગીનભાઈ પી. પટેલ, નોરવુડ હીલ

બની બેઠેલા નેતાઓ

શ્રીમાન સીબી આપ 'ગુજરાત સમાચાર'માં 'જીવંત પંથ' લખો છો અને ભારત તથા દુનિયાની બધી પ્રજાની સુખ-શાંતિ ઈચ્છો છો પણ અત્યારે દુનિયાના તમામ આઝાદ દેશોના નેતાઓને શું દુઃખ શું છે તેની ખબર નથી. આઝાદી મેળવવામાં કેટલાના પ્રાણ ગયા? દેશમાં અત્યારે બીલાડીના ટોપની માફક નેતાઓ ફૂટી નીકળ્યાં છે, સૌને નેતા બની જવું છે. મૂળ તો મફતનો માલ ક્યાંથી મળે એની જ તજવીજમાં તેઅો હોય છે. પછી ભલે આંદોલનો કરાવીને આખો દેશ ભડકે બળે અથવા અબજો રૂપિયાનું નુકસાન થાય. આખા દેશનું ભલું કરે એવા નેતા કોઈને જોઇતો નથી અથવા તો તેવા નેતાને સહન કરી શકતા નથી.

એક ટૂંકી વાર્તા છે કે 'એક કૂતરો જાત્રા કરીને તે પાછો આવ્યો ત્યારે બીજા બધા કૂતરાંઓ તેને મળવા ગયા કે ભાઈ ત્યાં જાત્રામાં તને કેવું લાગ્યું? કૂતરાંએ જવાબ આપ્યો કે ત્યાં તો ખુબ સરસ હતું બધા મને પ્રેમથી બોલાવતાં, કોઈ માથે હાથ ફેરવી ખવડાવતુ, પણ હું જ્યાંથી પસાર થતો હતો ત્યાં જો કોઈ આપણો નાતીલો (કુતરો) મને મળી જાય તો મને ફાડી ખાવા પાછળ દોડતા, હું ત્યાંથી માંડ છટકતો. બસ મને આપણા નાતિલાનું દુઃખ હતું.'

નવા નેતા બનવાની અને મફતનો માલ મેળવવાની જેને ઈચ્છા હોય તેમણે ‘ભારતના રાજવંશો’ કેન્દ્રિય શાસન ધરાવતાં સામ્રાજ્યો અને ઐતિહાસિક પરિવર્તન લાવનારા રજવાડાં વિશે વિસ્તૃત આધારભૂત માહિતી આપતું મુહમ્મદ યુસુફ પટેલ દ્વારા લખાયેલ પુસ્તક ‘અગમ’ વાંચવા ખાસ ભલામણ છે.

- રતીલાલ પટેલ, હેરો

અમદાવાદ એરપોર્ટની હાલાકી

આપે અને યુકે-ભારતની દરેક વ્યક્તિ સહિત જે કોઈએ લંડન-અમદાવાદ ડાયરેક્ટ ફ્લાઈટ માટે પ્રયત્ન કર્યા પછી જે સફળતા મળી છે તે માટે આપ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ. ફ્લાઈટ નિયમિત ચાલુ થઈ ગઈ છે. ખાસ કરીને ગુજરાતીઓના પ્રશ્નો માટે આપ હંમેશા ચિંતિત રહો છો અને દરેક પ્રશ્નોને દિલ દઇને પાર પાડો છો તે બદલ ખૂબ ખૂબ અભિનંદન.

મારા અંગત બે-ત્રણ અનુભવથી મને ખ્યાલ આવ્યો કે મુંબઈ કરતાં અમદાવાદ એર પોર્ટ ઉપર વધારે ચકાસણી અને થોડી અગવડ પડે છે. અમદાવાદ એર પોર્ટ ઉપર કોઈક વખત વિના કારણે લગેજ ખોલાવે છે અને કોઈ વખત લગેજમાં સામાન્ય વધારો હોય તો પણ બાંધછોડ કરતા નથી. બની શકે છે કે એર પોર્ટ ઉપર વજનકાંટામાં થોડો તફાવત હોય પણ વ્હિલ ચેરવાળા મુસાફરો સાથે પણ આવો વ્યવહાર થાય છે. આવા અનુભવ બીજા પેસેન્જર્સને પણ થતાં જ હશે. આ બાબતે અમદાવાદ એર પોર્ટના સત્તાવાળાનું ધ્યાન દોરવું જરૂરી છે. અંતે તો બધા પેસેન્જર્સની અવરવજરથી અમદાવાદ એર પોર્ટને જ બિઝનેસ મળે છે.

પરેશ દેસાઇ, સ્ટોનબ્રિજ પાર્ક.

સાઉથ એશિયન વેપારીઓનું શોષણ – By Email

મોટા ભાગની દુકાનો પૈકી ન્યુઝ એજન્ટ, ગ્રોસરી, ઓફ લાઇસન્સ આપણાં સાઉથ એશિયનને હસ્તક છે. નોકરી એટલે લાચારી અને પોતાના ધંધામાંજ ઉદ્ધાર છે તેવું દ્રઢપણે માનનારા, મોટા ભાગના દુકાનદારો દિવસના લગભગ ૧૪ કલાક, સાતેય દિવસ અને કોઈ જાતની હોલીડે વગર, જીવ અને તબિયતના જોખમે તનતોડ મહેનત કરે છે. તે પછી પણ સારું વેતન કે વળતર પામતા નથી. એશિયન વેપારીઓનો 'પે પોઈન્ટ' નામક કંપની પુરેપુરો લાભ ઉઠાવે છે. વીજળી, ગેસ, પાણી અને અનેક સેવાના બિલની રકમ સામે મળતા અડધા ટકાથી પણ અોછા વળતર સામે દુકાનદારે બેકિંગ ચાર્જીસ, વીમો જેવા ખર્ચાઓ ભોગવવાના હોય છે. દુકાનદાર માને છે કે દુકાનમાં ગ્રાહકોનો પગરવ વધશે અને વેપારમાં વૃદ્ધિ થશે. પગરવ વધવાથી જરૂરી નથી કે વેપાર વૃદ્ધિ થાય. શોપ લીફટીંગ વધી શકે અને બીજી કનડગત પણ થાય. જાણ ખાતર બસ પાસીસ વાળા ૫ ટકા માંથી હાલ ૩ ટકા અને નેશનલ લોટરી ૫ ટકા કમીશન આપે છે. પે પોઈન્ટ કંપની ૫ ટકા જેટલું કમીશન આપવા સમર્થ છે.

એશિયન દુકાનદારોએ પોતાનું શોષણ થવા દેવાને બદલે ભેગા મળી સંગઠન બનાવી આ બાબતે ગંભીરતાથી વિચાર કરી અવાજ ઉઠાવવો જોઈએ અને જરૂર પડે તો બહિષ્કાર કરવો જોઈએ.

નિરંજન વસંત, લંડન.

ભારતનું બજેટ

આપણાં 'ગુજરાત સમાચાર'ના તા. ૫-૩-૧૬ના અંકમાં ભારતના બજેટનો વિસ્તૃત અહેવાલ વાંચીને જણાવવાનું કે 'આ બજેટ લાંબા ગાળે ખુબજ યશસ્વી રહેશે તેમાં શંકાને સ્થાન નથી. ગ્લોબલ વોર્મિંગના કારણે ખેડૂતોને ખૂબ જ નુકસાન થઇ રહ્યું છે તેથી ખેડૂતોને રાહત આપવાની યોજના છે. છેલ્લા કેટલાક વર્ષોથી ખેડૂતો વિવિધ રાજ્યોમાં આપઘાત કરી રહ્યા છે. ભારતના નાણાંમંત્રી શ્રી અરુણ જેટલીને અભિનંદન. કાર, તમાકુને લગતી પ્રોડક્ટ સહિત અનેક વૈભવી ચીજ-વસ્તુઓ મોંઘી થઇ, પણ તેને લેવા વેળા સાધનસંપન્ન લોકો અનેક છે. આ સરકાર ગરીબોની સરકાર છે અને ગરીબોના હિતમાં જ આ બજેટ આવ્યું છે. વિરોધ પક્ષોને વિરોધ કરવાનું માત્ર બહાનું જોઇએ છે. પણ આ બજેટમાં આમ આદમી માટે અનેક કલ્યાણકારી યોજના છે જેના ફળ આવનારા વર્ષોમાં પ્રાપ્ત થશે.

ભરત સચાણીયા, લંડન

આપણી જીવનશૈલી

આપણું જીવન, આપણું શરીર, આપણો આત્મા. ભગવાને આપણને આપેલું આ સુંદર માનવ તન. ભગવાનના કોઈ હેતુસર અને આપણા ઋણાનુબંધે આપણે આ પૃથ્વી પર આવ્યા છીએ. આ બધું આપણને સમજમાં આવતું નથી. ભગવાનની ગતિ અતિ ન્યારી છે. આપણો જન્મ થયો તો મૃત્યુ તો નક્કી જ છે. આ જન્મ અને મૃત્યુની વચ્ચેનો જે ગાળો છે એ આપણી જીવનશૈલી છે. આપણે સૌ કેવું જીવન જીવીએ છીએ એના પર આપણા આખા જીવનનો આધાર છે. આપણે માનસિક, શારીરિક, કૌટુંબિક તેમજ આધિ-વ્યાધિ, ઉપાધિ અને અનેકવિધ સમસ્યાઓથી ઘેરાયેલા છીએ. કોઈ પણ સમસ્યાથી આપણું મન અનેક વિચારોના વમળમાં ઘેરાઈ જાય છે અને એવા ગમગની વાતાવરણને કારણે આપણે અશાંતિ અનુભવીએ છીએ.

એક દિવસ આપણા જીવનનો અંત આવી જશે. મારું, મારું કરી બધું ભેગું કર્યું અને અંતના સમયે બધું જ અહીં છોડીને ચાલ્યા જઈશું. જીંદગી એક સ્વપ્ન છે. ભગવાને જે કામ માટે આપણને આ પૃથ્વી પર મોકલ્યાં છે તો એમનું ઋણ અદા કરી આ જીવનને સાર્થક બનાવીએ. ‘તમે ભાવે ભજી લો ભગવાન, જીવન થોડું રહ્યું.’

- રતિલાલ ટેલર સાઉથ ગેટ

શિક્ષાપત્રી કર્મ સુધારાની ચાવી

તા. ૧૩-૨-૧૬ના 'ગુજરાત સમાચાર'માં આવેલા લેખ 'માનવ જીવનમાં ધર્મ-નીતિનો ઉજાશ પાથરતી શિક્ષાપત્રી' વાંચી આનંદ થયો. માનવ સ્વભાવમાં લાગણી, પ્રેમ, સંસ્કાર લઈને જન્મે છે. મોટા થતા સમજણ આવતા પવિત્ર સ્વભાવમાં લોભ તથા કપટ પેદા થાય છે, જે જીવનને નુકસાની પહોંચાડે છે. મહાભારત તથા રામાયણના ગ્રંથોમાં સારપ તથા કપટ બંને છે.

કળિયુગમાં બેલેન્સ લાઈફ સ્થાપવા માટે ભગવાન સહજાનંદે શિક્ષાપત્રી લખી જેમાં માણસ જાતને સુખી જીવન જીવવા ધાર્મિક નિયમો લખ્યા. આ નિયમોનું પાલન કરવાથી આપણા કર્મો સુધરે છે અને મોક્ષના માર્ગે જવાય છે. પણ કળિયુગમાં અમુક માનવીઅો ધર્મના અોઠા હેઠળ ખોટો ઢોંગ કરી ધર્મને વગોવે છે તેથી દુઃખ થાય છે. ગાંધીજી ગીતાના નિયમો જીવનમાં ઉતારી મહાન થઈ ગયા. શિક્ષાપત્રીના નિયમો પાળવાથી જીવન સુધરી જાય છે અને મોક્ષ મળે છે.

- મનોજ પટેલ, હેમલ હેમ્પસ્ટેડ

ગંદકી અને શરમ

'બ્રેન્ટમાં ગંદકી કરનારા સામે પગલાં જરૂરી'ના મથાળા હેઠળ એક પત્ર તા. ૨૭ ફેબ્રુઆરીના અકમાં વાંચ્યો. બ્રેન્ટમાં જ નહીં દરેક સ્થળે ગંદકી કરનારા સામે પગલાં લેવાની જરૂર છે. સર્વત્ર આ દૂષણ, આ ઉપદ્રવના નિશાન જોવા મળે છે અને એ જોઈને મનમાં દુઃખ થાય છે.

સરકાર કે કાઉન્સિલ ઉપર બધો જ બોજ અને બધી જ જવાબદારી નાખવાથી ધાર્યું પરિણામ નહીં આવે. આપણા સમાજમાં જ જાગૃતિ આવે અને વિચારધારા બદલાય તો જ દીર્ઘકાલિન સુધારા અને પરિવર્તન આવશે.

પત્રમાં શ્વેત વ્યક્તિ ચાલતો હોય તો પણ ... પીચકારી... વાંચી મને આશ્ચર્ય થયું. શું ખરેખર શ્વેત વ્યક્તિનું પ્રમાણપત્ર (સર્ટિફિકેટ) મેળવવા માટે જ આપણે વર્તણૂંક સુધારવી જોઈએ? આવી વિચારધારા ભારોભાર લઘુતાગ્રંથિની ચાડી ખાતી હોય એવું મને લાગે છે. અલબત્ત ખરાબ વર્તન તો ખરાબ જ કહેવાય. ફક્ત સ્થાનિક શ્વેત લોકોને રાજી રાખવા પૂરતું જ એવું ખરાબ વર્તન આપણે ટાળીએ તો એમાં શોભા નથી જ.

- સંજય દેસાઈ, ઈલફર્ડ

ટપાલમાંથી તારવેલું

* હેચ એન્ડથી એમ.એસ. પટેલ જણાવે છે કે 'બ્રિટનમાં ૮ લાખ ગુજરાતીઅો વસતા હોવા છતાં અહીના સ્થાનિક રેડીયો અને ટીવી સ્ટેશનો પર ગુજરાતી ભજન, કિર્તન અને ગીતોના કાર્યક્રમો રજૂ કરાતા નથી તે ખરેખર શરમજનક અને દુ:ખની વાત છે. આ માટે આપણે પગલા લેવા જ રહ્યા. (નોંધ: 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ'આપણાં સમુદાય માટે ઘણા કાર્યક્રમો કરે છે અને કરવા પ્રયત્નશીલ છે તેનો લાભ લેવા વિનંતી. આ માટે અમે કોઇ રેડીયો સ્ટેશન કે ટીવી ચેનલ પર દબાણ તો લાવી ન શકીએ - તંત્રી.)

* ક્રોયડનથી રમેશભાઇ સોની જણાવે છે કે 'કપ્તાન મહેન્દ્રસિંહ ધોનીની આગેવાની હેઠળ ભારતીય ક્રિકેટ ટીમે બાંગ્લાદેશની ટીમને તેના ઘર આંગણે જ ટી-૨૦ ક્રિકેટ એશિયા કપમાં આઠ વિકેટે હાર આપી એશિયા કપનું ટાઇટલ છઠ્ઠી વખત જીત્યુ છે. ભારત છ વર્ષ બાદ ફરી એશિયા કપ ચેમ્પિયન બન્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter