હાલમાં યુએસએ અને ભારત અને બાકીના વિશ્વ સાથે વેપારયુદ્ધ ચાલી રહ્યું છે. વર્તમાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીની રાહબરી હેટળ ભારત ઝડપથી વિકાસ સાધી રહ્યું છે. બધા જ દેશો ભારત સાથે વેપાર કરવા તત્પર છે, પરંતુ યુએસએ, ચીન અને રશિયા હજુ પણ પ્રત્યક્ષ અથવા પરોક્ષપણે ભારત તથા અન્ય દેશોના બિઝનેસ અને અન્ય બાહ્ય બાબતો પર ભારે વગ ધરાવે છે. હવે પ્રેસિડેન્ટ ટ્રમ્પ વિશ્વમાં શાંતિદૂત બની રહેવાનો પ્રયાસ કરી રહ્યા છે!
હાલ વિશ્વમાં બે મોટાં યુદ્ધ ચાલી જ રહ્યા છે ત્યારે અણુશક્તિ ધરાવતા ભારત અને પાકિસ્તાન વચ્ચે ત્રીજું મોટું યુદ્ધ ખેલાય તેમ કોઈ જ ઈચ્છતું નથી. બ્રિટન પાસેથી આઝાદી મળવા સાથે વિભાજનના પગલે પાકિસ્તાનનું સર્જન કરાયું ત્યારથી ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધો કદી સારા રહ્યા નથી. દ્વિતીય વિશ્વયુદ્ધ પછી, વિશ્વમાં કોઈ પણ સ્થળે મોટું યુદ્ધ ખેલાય તેમ વિશ્વ ઈચ્છતું નથી. ભારતના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નેહરુ આ માર્ગે આગળ ચાલીને શાંતિદૂત બન્યા હતા. પડોશી દેશો સાથે કોઈ પણ સંઘર્ષની પરિસ્થિતિમાં તેમણે આવો જ માર્ગ અખત્યાર કર્યો હતો. ભૂતકાળમાં લાલ બહાદૂર શાસ્ત્રી, અટલ બિહારી વાજપેયી અને અન્ય વડા પ્રધાનોએ પણ ભારતીય ઉપખંડમાં શાંતિ પ્રવર્તી રહે તે માટે મંત્રણાનો માર્ગ અપનાવ્યો હતો.
વર્ષ 1971માં તત્કાલીન વડા પ્રધાન ઈન્દિરા ગાંધીએ યુએસએની ધમકીને અવગણીને પણ પાકિસ્તાન સામે લશ્કરી કાર્યવાહી કરી હતી અને બાંગલાદેશનું સર્જન કર્યું હતું. આ માટે પૂર્વ ચીફ ઓફ આર્મી સ્ટાફ જનરલ માણેકશા અને શક્તિશાળી ભારતીય લશ્કરના ફાળે પણ મોટો યશ જાય છે. 1970ના દાયકામાં યુએસએ અને સીઆઈએ વિશ્વના દેશોની બાહ્ય અને આંતરિક બાબતોમાં દખલગીરી અને અંકુશ રાખવામાં મોટી ભૂમિકા ભજવતા હતા. વિશ્વતખતા પર ભારતનો ધીમે ધીમે ઉદય થઈ રહ્યો હતો, પરંતુ વર્તમાન પરિસ્થિતિની સરખામણીએ તે અલગ જ યુગ હતો. ભારત જેવો મોટો લોકશાહી દેશ સામ્યવાદ તરફ ઝૂકતો થઈ જાય તેમ અમેરિકા ઈચ્છતું ન હોવાથી તે સમયગાળામાં યુએસએ વિરુદ્ધ ઉભા થવાનું ભારત માટે જરા પણ સરળ ન હતું.
કાશ્મીર મુદ્દાનો કાયમી ધોરણે ઉકેલ આવી શકશે તેમ જણાતું નથી. બંને દેશો તેમજ ભારતના રાજકીય પક્ષો વચ્ચે કડવાશપૂર્ણ શાબ્દિક યુદ્ધ ચાલતું રહે છે. આના પરિણામે, વિવિધ ક્ષેત્રોમાં બંને દેશોની સામાન્ય જનતા વચ્ચેના સંબંધોએ સહન કરતા રહેવું પડશે. યુકે અને યુએઈ જેવા દેશોમાં રોજબરોજના જીવનમાં વિવિધ દેશો અને ધર્મોના લોકો હળીમળીને સાથે રહે છે, કામ કરે છે અને જીવે છે. બે દેશો વચ્ચે કડવાશપૂર્ણ સંબંધોની અસર યુકે અને અન્ય દેશોમાં રહેતા આપણા લોકોનાં જીવન પર થવી ન જોઈએ.
નરેન્દ્ર પટેલ
મિચામ