વિશ્વભરમાં હિન્દુઓ દ્વારા ગીતા જયંતીની આધ્યાત્મિકતા અને દિવ્યતા સાથે ઊજવણી

મારે પણ કંઈક કહેવું છે....

સુરેશ અને ભાવના પટેલ Wednesday 03rd December 2025 01:43 EST
 
 

સામાન્ય રીતે ‘ગીતા’ નામનો ઉલ્લેખ થાય ત્યારે ‘ઈશ્વરના ગીત’ તરીકે ઓળખાતા પવિત્ર હિન્દુ ગ્રંથ ભગવદ્ ગીતાની જ વાત થતી હોવાનું માની શકાય. મહાકાવ્ય મહાભારતમાં મહત્ત્વના હિસ્સારૂપ આ તત્વજ્ઞાનનો સંવાદ 18 અધ્યાયના 700 શ્ર્લોકમાં સમાયેલો છે. વિશ્વભરમાં હિન્દુઓ દ્વારા 2025ની પહેલી ડિસેમ્બર,સોમવારે ગીતા જયંતીની આધ્યાત્મિકતા અને દિવ્યતા સાથે ઊજવણી કરવામાં આવી હતી.

ગીતા જયંતીનો સંદેશ ભગવાન શ્રીકૃષ્ણના ઉપદેશોથી પ્રેરિત ભગવદ્ ગીતાના જ્ઞાન પર કેન્દ્રિત છે જે શાંતિ, આધ્યાત્મિક વિકાસ અને ભક્તિના મહત્ત્વ પર ભાર મૂકે છે. ભગવદ્ ગીતાના ઉપદેશ આપને સંતુલિત જીવન જીવવાની પ્રેરણા આપે અને તેનું દિવ્ય જ્ઞાન તમારા મન અને આત્માને માર્ગદર્શન આપે.

કુરુક્ષેત્રનાં રણક્ષેત્ર પર ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા અર્જુનને જે જ્ઞાનરહસ્ય આપવામાં આવ્યું તે દિવસને ગીતા જયંતી સ્વરૂપે યાદ રાખવામાં આવે છે. ગીતા જયંતી ભગવદ્ ગીતાના સમયાતીત આધ્યાત્મિક માર્ગદર્શન અને જ્ઞાનનું સ્મરણ કરાવે છે જેમાં, ધર્મ, કર્મ અને મોક્ષ સંબંધિત ઉપદેશોનો સમાવેશ થાય છે. આ દિવસ જ્ઞાનોપદેશનું સન્માન દર્શાવવા અને આધ્યાત્મિક સમજને જીવનમાં ઉતારવા માટેનો છે જેમાં ઉપવાસ, પ્રાર્થના અને પવિત્ર ગ્રંથનું વાચન કરવામાં આવે છે. લોકો સત્સંગસભામાં એકત્ર થાય છે, જ્યાં વિદ્વાનો ગ્રંથના શ્ર્લોકો અને ઉપદેશોની સમજ આપે છે. ઘણા લોકો ભગવદ્ ગીતાનું સામૂહિક વાંચન કરે છે અને તેના શ્ર્લોકો પર ચર્ચાવિચારણા કરવા ઉપરાંત, તેના જ્ઞાનને જીવનમાં ઉતારવા પ્રયાસ કરે છે.

ભગવદ્ ગીતાની પ્રાચીનતા અચોક્કસ છે, પરંતુ પરંપરાગત મત એવો છે કે તેની રચના ઈસવીસન પૂર્વે 5મી સદીથી ચોથી સદી અને ઈસવીસન પહેલી અને બીજી સદી વચ્ચે થઈ હોઈ શકે. જોકે, મહાભારતની પરંપરા અનુસાર, આશરે 5000થી વધુ વર્ષ પહેલા કુરુક્ષેત્રના યુદ્ધમાં ભગવાન શ્રીકૃષ્ણે કુંતીપુત્ર પાંડવ યોદ્ધા અર્જુનને આ જ્ઞાનોપદેશ કર્યો હતો.

અમે 14 વર્ષ અગાઉ ભારતના પ્રવાસે આવ્યા હતા ત્યારે ઉત્તર ભારતના હરિયાણા રાજ્યમાં આવેલા પવિત્ર કુરુક્ષેત્ર નગરની મુલાકાત લેવાનું સદ્ભાગ્ય સાંપડ્યું હતું. હિન્દુ મહાકાવ્ય ‘મહાભારત’ની રચના અહીં જ થઈ હોવાનું મનાય છે. અમને કૃષ્ણ મ્યુઝિયમ નિહાળવાનો આશીર્વાદ પણ સાંપડ્યો હતો, જે પળ અમારા જીવનમાં અવિસ્મરમણીય બની રહી છે.

અમે ગુજરાત સમાચાર અને એશિયન વોઈસના સહુ વાચકો તેમજ પ્રતિબદ્ધ કર્મચારીગણને શુભેચ્છા પાઠવીએ છીએ કે દિવ્ય અને આધ્યાત્મિક ગીતા જયંતી આપના જીવનમાં ખુશી, મનની શાંતિ, પવિત્રતા,પ્રસન્નતા અને સારું આરોગ્ય લાવે.

સુરેશ અને ભાવના પટેલ

મારખમ, કેનેડા


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter