શું તમને ખબર છે કે તમે આ અખબાર વાંચી રહ્યા છો એ કાગળ શામાંથી બન્યો છે કે આ લગ્નગાળામાં જે આમંત્રણ આવ્યું છે તે કંકોત્રીનો કાગળ કઇ સામગ્રીમાંથી બન્યો છે?
ભારતમાં પ્રાચીન સમયથી ગાય-ભેંસ જેવા પશુઓના છાણ (ગોબર)નો ઉપયોગ તો ધાર્મિક કાર્યો, ખાતર, ઈંધણ, બળતણ તેમજ બાંધકામની ઇંટો બનાવવા માટે થઈ રહ્યો છે. 2021થી ખાદી એન્ડ વિલેજ કમિશન પ્રાકૃતિક પેઇન્ટ બનાવી રહ્યા છે જેમાં મુખ્ય સામગ્રી ગોબર હોય છે. પરંતુ હવે હાથીના મળ (આપણે અહીં dung - ડંગ શબ્દ વાપરશું)નો પણ વ્યાપક ઉપયોગ થાય છે, આનું એક આદર્શ ઉદાહરણ છે રાજસ્થાનના વિજેન્દ્ર શેખાવત.
વિજેન્દ્રે 18 વર્ષની ઉંમરે પહેલી વખત જયપુરના મહેલની મુલાકાત દરમ્યાન હાથી જોયો. આ મુલાકાત દરમ્યાન હાથીએ મળત્યાગ કર્યો અને વિજેન્દ્રના મનમાં ચમકારો થયો. આ મુલાકાત સમયે યુવાન વિજેન્દ્ર 18 મહિનાથી કાગળ બનાવવાના કારખાનામાં કામ કરતાં હતાં. અત્યારે 43 વર્ષના વિજેન્દ્રે એક અખબારી મુલાકાતમાં જણાવ્યું કે જ્યારે મેં પહેલી વખત ડંગ જોયું ત્યારે મનમાં વિચાર આવ્યો કે કાગળ બનાવવા માટે જે શેરડીના છોતા, કેળના ફાયબર અને ઝાડના બદલે જો આ ડંગમાંથી કાગળ બનાવી શકાય તો સરખામણીએ આ સસ્તું પણ પડે અને પર્યાવરણને પણ વ્યાપક ફાયદો થઇ શકે એટલે વિજેન્દ્રે તેના નાના ભાઈની મદદથી મહેલમાંથી ડંગ ઘેર લાવ્યા. ત્રણ મહિનાના પ્રયોગો અને મહેનત બાદ વિજેન્દ્રને આ ડંગમાંથી કાગળનો માવો બનાવવામાં સફળતા મળી અને પછી તેમણે તેમાંથી કાગળ બનાવ્યા. તેમના કહેવા મુજબ આ કાગળની ગુણવત્તા સામાન્ય કાગળ કરતાં ચડિયાતી છે અને ચોખ્ખા હોય છે. જોકે રાજસ્થાનમાં જંગલી હાથીઓની વસ્તી નથી પરંતુ વિજેન્દ્રને આ ડંગ જરૂરત મુજબ પાલતું હાથીઓના માલિકો પાસેથી મળી જાય છે.
હાલમાં વિજેન્દ્રની કંપનીનું નામ Elephant Poo Paper છે જેનું અંદાજીત વાર્ષિક ટર્નઓવર 70 લાખ રૂપિયા છે, તેઓ હાલમાં મહિનાના 700 કિલો કાગળ બનાવે છે ને નોટબુક, ડાયરી અને કાર્ડ જેવી વસ્તુઓ બનાવવા માટે ઉપયોગ થાય છે. વિજેન્દ્ર આ કાગળ યુકે, ફ્રાન્સ અને નેધરલેન્ડ જેવા દેશોમાં નિકાસ કરે છે, અને 23 ગરીબ મહિલાઓને રોજગારી આપે છે, તમે જો એમેઝોનમાંથી ખરીદી કરતાં હો તો એ વેબસાઈટ ઉપરથી એલિફન્ટ પુ પેપરમાંથી બનાવેલ સારી સારી વસ્તુઓ ઉપલબ્ધ છે. વિજેન્દ્રને આ સાહસમાં ખુબ સફળતા મળે તેવી શુભેચછા.