ગોંડલ: બીએપીએસ સંસ્થાના વડા પ.પૂ. મહંત સ્વામી મહારાજ 15 ઓક્ટોબરથી ગોંડલ ખાતે વિચરણ કરી રહ્યા છે. સુપ્રસિદ્ધ અક્ષર મંદિર ખાતે રોકાણ દરમિયાન દર વર્ષે તેમના સાનિધ્યમાં અક્ષર મંદિર ખાતે દિવાળી, નૂતન વર્ષ નિમિત્તે અન્નકુટોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે છે અને હરિભક્તો હજારોની સંખ્યામાં ઉમટી પડે છે. આ વર્ષે પણ ભક્તોમાં આવો જ અદમ્ય ઉત્સાહ, આનંદ જોવા મળ્યો હતો. પ.પૂ. મહંત સ્વામી મહારાજની પધરામણી અને દિવાળીના સપરમા દિવસો એમ આનંદના બેવડા પ્રસંગે સમગ્ર અક્ષર મંદિરના પરિસરને રોશનીથી શણગારવામાં આવ્યું છે.
પ.પૂ. મહંત સ્વામી મહારાજ સાતમી નવેમ્બર સુધી અક્ષર મંદિર ખાતે રોકાણ કરીને વિવિધ ઉત્સવોમાં સત્સંગનો લાભ આપવાના છે. પ.પૂ. મહંત સ્વામી તેમની અનુકુળતા મુજબ સવારે 6 કલાકે ઠાકોરજીની પૂજા દર્શન તેમજ સાંજે 5-30 કલાકે સત્સંગ સભામાં દર્શનનો લાભ આપી રહ્યા છે. મહંત મહારાજ સ્વામી મહારાજના પૂજા દર્શન પૂર્વે આદર્શજીવન સ્વામી ‘મહંત ચરીતમ’ આધારિત કથામૃતનું પાન કરાવશે. આ નિમિત્તે દેશ-વિદેશથી હજારો હરિભક્તો અક્ષર મંદિરે ઉમટી રહ્યા છે.


