મહિલા સાથીની કનડગત બદલ ડો. અંજન નાથનું રજિસ્ટ્રેશન રદ

Monday 04th April 2016 10:40 EDT
 
 

લંડનઃ હેલ્થ એન્ડ કેર પ્રોફેશનલ કાઉન્સિલે પૂર્વ મહિલા સહકર્મચારીને મોહજાળમાં ફસાવવાનો પ્રયાસ કરવા બદલ સાઉથ લંડન મેન્ટલ હોસ્પિટલ હેલ્થ ટ્રસ્ટમાં ફરજરત સાઈકોલોજિસ્ટ ડો. અંજન નાથનું રજિસ્ટ્રેશન કાયમી ધોરણે રદ કરી દીધું છે. કાઉન્સિલના અધ્યક્ષ પેની ગ્રિફિથે નોંધ્યું હતું કે ડો. નાથે મહિલામાં અંગત રસને વધુ મહત્ત્વ આપીને દર્દીઓ પ્રત્યેની વ્યાવસાયિક ફરજની ઘોર ઉપેક્ષા કરી છે અને નેશનલ હેલ્થ સર્વિસીસનો કિંમતી સમય વેડફ્યો છે.

ડો. નાથે મહિલાને ટૂંકી વાર્તા અને ફિલ્મ ‘ધ જીનિયસ ઓફ ડો. સ્પિરિટ ઓટર’નો સંક્ષિપ્ત સાર મોકલ્યો હતો. તેમાં સામ કૂકના ગીત ‘યુ વેર મેઈડ ફોર મી’નો સમાવેશ થાય છે. તેમણે મહિલા માટે ડીવીડી, પોપકોર્ન, નેકલેસ, ટ્રીન્કેટ બોક્સ, સ્કાર્ફ અને સેન્ટેડ કેન્ડલ ખરીદ્યા હતા. પરંતુ, તેણે તે લીધા નહોતા. ડો. નાથે ૧૦૦ જેટલા એસએમએસ અને ૧૭ ઈમેલ પણ મોકલ્યા હતા. મહિલાએ આવી પ્રવૃત્તિ બંધ કરવા તેમને તાકીદ કરી હતી. મહિલાના પિતાએ તો ડો. નાથને તે મહિલાનો સંપર્ક કરશે તો હેરેસમેન્ટ ગણાશે તેવી ચેતવણી પણ આપી હતી.

એક વખત લંચ વિરામમાં લાંબો સમય ગાળવામાં તેઓ એક દર્દીને આપેલી એપોઈન્ટમેન્ટ ભૂલી ગયા હતા. તેમણે સમય ન હોવાથી બીજા દર્દીઓને એપોઈન્ટમેન્ટ નહિ મળે તેમ કહ્યું હતું. તેઓ હંગામી સ્ટાફ પાસે અંગત કામો કરાવતા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter