લંડનઃ મિલિયોનેર બિલ્ડર ગેરી ફિટ્ઝરાલ્ડના વૈભવી મકાનથી થોડે દૂર નોર્થ લંડનના પ્લોટમાં પાંચ મલ્ટિ-બેડ કેબિન્સ બાંધી તેમાં ૧૨૦ માઈગ્રન્ટ્સને ગેરકાયદે રખાયા હોવાનો આક્ષેપ થયો છે. આ કેબિન્સ ભાડે આપી ભાડૂતદીઠ મહિને સરેરાશ ૩૩૩ પાઉન્ડ એટલે કે દર વર્ષે પાંચ લાખ પાઉન્ડની આવક રળતો હોવાનું પણ કહેવાય છે. કેટલાક ભાડૂત તો કરદાતાઓ પાસેથી મળતા બેનિફિટિસ ભંડોળમાંથી ભાડું ચુકવતા હોવાનો પણ આક્ષેપ થયો છે.
ગેરી ફિટ્ઝરાલ્ડ ખુદ આ પ્લોટથી થોડા જ અંતરે બે મિલિયન પાઉન્ડના વૈભવી મકાનમાં રહે છે. પ્લોટ પર લોકો ચાર વર્ષથી કબજો ધરાવે છે. એવો પણ આક્ષેપ કરાયો છે કે મિલિયોનેર બિલ્ડરે આ ઓપરેશન ચલાવવા કેટલાક રોમાનિયન લોકોને કામે રાખ્યા છે, જેઓ એરપોર્ટ પરથી જ નવા ભાડૂતો શોધી લાવે છે.
એક સૂત્રે સન અખબારને માહિતી આપી હતી કે આ ઝૂંપડપટ્ટીના નગર જેવું છે. અહીં ૧૨૦ જેટલા લોકો રહે છે. જો લાકડાને આગ લાગે તો બધુ ભસ્મીભૂત થઈ શકે છે. આ કેબિન્સ ‘સબ સ્ટાન્ડર્ડ રહેઠાણ’ હોવાનું જણાવી કાઉન્સિલે તેને તોડવાનો ચુકાદો આપ્યો હતો, જેની વિરુદ્ધ ફિટ્ઝરાલ્ડે હાઈ કોર્ટમાં અપીલ કરી હતી. હાઈ કોર્ટમાં પણ અપીલ ફગાવી દેવાતા આ વર્ષના અંત સુધીમાં બિલ્ડિંગ્સ અને કેબિન્સ તોડી પાડવાનો આદેશ કરાયો છે.
ફિટ્ઝરાલ્ડે સન અખબારને જણાવ્યું હતું કે, ‘જો ત્યાં ૧૨૦ લોકો રહેતા હોય તો હું બહામામાં જ રહેતો હોત. ત્યાં રહેનારા દરેક લોકો વાર્ષિક શોર્ટ ટર્મ ટેનન્સી એક્ટ હેઠળ કાયદેસર રહે છે. તેઓ કાઉન્સિલ ટેક્સ ચૂકવે છે અને નેશનલ ઈન્સ્યુરન્સ ધરાવે છે.’

