મુંબઈના કાંદિવલી સ્થિત બાગને વરિષ્ઠ પત્રકાર, લેખક કાન્તિ ભટ્ટનું નામ અપાયું

Wednesday 12th January 2022 06:09 EST
 
 

ગઈ ૧ જાન્યુઆરી, ૨૦૨૨ને શનિવારે મુંબઈના કાંદિવલી વિસ્તારમાં આવેલા એક બગીચાનું   પ્રખર પત્રકાર કાન્તિ ભટ્ટના નામે લોકાર્પણ કરાયું હતું. જાણીતા નાટ્ય અભિનેતા મનોજ જોશીએ આ લોકાર્પણ કર્યું હતું. પ્રાસંગિક સંબોધનમાં જોશીએ જણાવ્યું કે તેઓ કાન્તિ ભટ્ટને ક્રાંતિસૂર્ય પત્રકાર કહેવાનું પસંદ કરે છે. તેમણે નિષ્ઠાપૂર્વક અને છેલ્લાં શ્વાસ સુધી ગુજરાતી પત્રકારત્વ કર્યું. તેમની યાદમાં મુંબઈના મિની ગુજરાત ગણાતા કાંદિવલીમાં તેમના નામના ગાર્ડનનું ઉદઘાટન કરાયું એ ગુજરાતીઓ માટે જ નહીં, મુંબઈગરાઓ માટે પણ એક વિશિષ્ટ ઘટના છે.
પત્રકારત્વ ક્ષેત્રમાં જેમનું નામ અત્યંત આદરપૂર્વક લેવામાં આવે છે એવા કાન્તિ ભટ્ટના ચાહકો માટે આ ઉદ્યાનનું નામકરણ તેમના નામે જ થયું તે આનંદની બાબત છે. તેમણે તેને સ્વ. કાન્તિ ભટ્ટને અપાયેલી ભાવપૂર્વકની અંજલિ ગણાવી હતી.
આ પ્રસંગે અતિથિવિશેષ તરીકે આ વિસ્તારના નગરસેવિકા શ્રીમતી બીના પરેશ દોશી ઉપરાંત જાણીતા વૈજ્ઞાનિક જે જે રાવલ, વરિષ્ઠ પત્રકાર અને ચિત્રલેખાના ભૂતપૂર્વ તંત્રી ભરતભાઈ ઘેલાણી, તરુબેન કજારિયા તેમજ કાન્તિભાઈના દાયકા જૂના સાથી એવા ન્યૂઝપેપર ડિસ્ટ્રિબ્યુટર ભરત મહેતા અને કાન્તિભાઈના ચાહકો અને પ્રશંસકો હાજર રહ્યા હતા.
મુંબઈ મહાનગરપાલિકા દ્વારા આ ઉદ્યાનને પત્રકાર કાન્તિ ભટ્ટ નામ આપવામાં આવે એ માટે આ વિસ્તારના નગરસેવિકા બીનાબેન દોશીએ અથાક પ્રયાસ કર્યા હતા. તેના પરિણામે આ ઉદ્યાનને કાન્તિ ભટ્ટનું નામ મળી શક્યું હતું. બીનાબેને તમામ અવરોધ સામે બાથ ભીડીને પણ આ કાર્ય પાર પાડ્યું હતું. તેમણે કહ્યું હતું કે કાન્તિ ભટ્ટ જેવા આપણા ગુજરાતી પત્રકારો, સાહિત્યકારો અને મહાનુભાવોના નામે ફક્ત મુંબઈમાં જ નહીં પણ દેશ-વિદેશમાં પણ આ પ્રકારના સંકુલો કે માર્ગ થવા જોઈએ. અત્રે ઉલ્લેખનીય છે કે થોડાં મહિના અગાઉ કાન્તિ ભટ્ટના કાંદિવલીના નિવાસસ્થાન નજીકના એક માર્ગને પણ મુંબઈ મહાનગરપાલિકાએ કાન્તિ ભટ્ટ માર્ગ નામ આપ્યું હતું.    
મનોજ જોશીએ જણાવ્યું કે તેમણે કાન્તિ ભટ્ટ – શીલા ભટ્ટના તંત્રીપદ હેઠળના સામયિક અભિયાનમાં તેમની કારકિર્દીની શરૂઆતમાં લે આઉટ આર્ટિસ્ટ તરીકે કામગીરી બજાવી હતી. તે વખતે તેમણે કાન્તિભાઈને ફાઉન્ટન વિસ્તારમાં ફિયાટ કારની ડીકી પર કાગળ રાખીને લેખ લખતા જોયા છે.  
કાન્તિ ભટ્ટે તેમના જીવનના અંતિમ શ્વાસ સુધી અખબારોમાં, સામયિકોમાં લેખ અને કોલમો લખી છે. તેમનું ઘર દેશ-વિદેશના અખબારો અને સામયિકોથી ભરેલું રહેતું હતું. તેમણે પ્રવાસ અને વાંચન દ્વારા જ્ઞાન મેળવીને લોકોને પીરસ્યું હતું.  
જાણીતા વૈજ્ઞાનિક ડો. જે જે રાવલે જણાવ્યું કે કાન્તિભાઈ વિજ્ઞાન અંગેના લેખ લખતાં ત્યારે પોતાની માહિતી સાચી છે કે નહીં તેની ચકાસણી કરવા મને ફોન કરતા હતા. આ પ્રકારે ઝીણવટપૂર્વક લેખ લખનાર હવે ખૂબ ઓછાં લોકો છે.  
ઓમિક્રોનના સંક્રમણને કારણે સરકારની ગાઇડલાઇનને અનુસરીને આ ઉદ્યાનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સંચાલન લેખિકા ગીતા માણેકે કર્યું હતું. તેમણે સૂચન કર્યું હતું કે આ ઉદ્યાનમાં દર વર્ષે કાન્તિ ભટ્ટ ફેસ્ટિવલનું આયોજન થવું જોઈએ, જેથી આ વિસ્તારના તેમજ મુંબઈ અને દેશના કલાકારોને પ્રોત્સાહન મળે. આ સૂચનને વધાવી લેતા નગરસેવિકા બીના દોશી એ કહ્યું હતું કે આ પ્રકારના કળાત્મક કાર્યક્રમો કરવા માટે આ ઉદ્યાન નિઃશુલ્ક આપવામાં આવશે.
કાર્યક્રમના અંતે પત્રકાર કાન્તિ ભટ્ટના હાથ નીચે ઘડાયેલા તેમના માનસપુત્ર એવા જાણીતા પત્રકાર આશુ પટેલે આભારવિધિ કરી હતી.
------------------------
પ્રિય મિત્રો,
આ ખૂબ જ પ્રેરણાદાયી, પ્રોત્સાહક અને સંતોષજનક સમાચાર છે. કાન્તિ ભટ્ટ અને શીલા ભટ્ટ એક અનોખા પત્રકાર દંપતી છે/હતા. ૬૦ કરતાં વધુ વર્ષથી અગ્રણી અને નવીનતા ધરાવતા મોટા ગજાના પત્રકાર કાન્તિ ભટ્ટ, ૧૯૭૯થી ABPL સાથે નીકટતાથી સંકળાયેલા હતા. શીલા ભટ્ટ એક ક્રાંતિકારી વ્યક્તિ અને મીડિયા પર્સનાલિટી છે. તેઓ ગુજરાતી પત્રકારત્વમાંથી સ્પષ્ટપણે સમગ્ર ભારત/વૈશ્વિક સ્તરે ઈંગ્લિશ મીડિયા(પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક) તરફ વિશિષ્ટ રીતે આગળ વધ્યા છે. હવે તેઓ નવી દિલ્હીમાં રહે છે અને તેઓ એબીપીએલ માટે મહામૂલી સંપતિ સમાન રહ્યાં છે.
- સી બી પટેલ પ્રકાશક/તંત્રી


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter