લંડનઃ હેરોના મેયર કાઉન્સિલર અંજના પટેલને 22 જૂન રવિવારે હેરો-ઓન-ધ હિલ પરના સેન્ટ મેરી‘ઝ ચર્ચ ખાતે વાર્ષિક સિવિક સર્વિસમાં કોમ્યુનિટીમાં સત્તાવાર આવકાર અપાયો હતો. સર્વિસમાં કાઉન્સિલરો, ધાર્મિક અગ્રણીઓ અને ડેપ્યુટી લેફ્ટનન્ટ સિમોન ઓવેન્સ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. મેયરના ચેપ્લિન મિ. તિલક પારેખે ઉપનિષદો અને સત્સંગ દીક્ષામાંથી પઠન કર્યું હતું.
કાઉન્સિલર પટેલે જણાવ્યું હતું કે મેયર તરીકે સ્વાગત થવું તે સન્માન છે. સિવિક સર્વિસ તમામ રહેવાસીઓની આદર અને અનુકંપા સાથે સેવા કરવાની આપણી સહભાગી પ્રતિબદ્ધતા અને એકતા દર્શાવે છે. આપણે હેરોના બરોની 60મી વર્ષગાંઠ ઉજવવાના હોવાથી આ વર્ષ સ્પેશિયલ છે. તેમણે સર્વિસની યજમાની બદલ સેન્ટ મેરી‘ઝ અને રેવ. ગ્રેહામ ડેલનો અને હોસ્પિટાલિટી બદલ હેરો સ્કૂલના હેડમાસ્ટર મિ. એલિસ્ટર લેન્ડનો આભાર માન્યો હતો. સર્વિસમાં વીજે ડે અને દ્વિતીય વિશષ્વયુદ્ધના અંતની 80મી વર્ષગાંઠને અંજલિ અપાઈ હતી. મેયર અને ડેપ્યુટી લેફ્ટનન્ટ ઓવેન્સે સેન્ટ મેરી‘ઝના વોર મેમોરિયલ પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ પછી, હેરો સ્કૂલમાં યોજાએલા રિસેપ્શનમાં મેયરે પ્રવચન કર્યું હતું.