મોખાસણમાં સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા પક્ષીઘર અને સરદાર પ્રતિમાનું લોકાર્પણ

Friday 06th February 2026 02:00 EST
 
 

મોખાસણઃ શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્યઆચાર્ય પ્રવર શ્રી મુક્તજીવન સ્વામીબાપા તથા પ્રવર્તમાન આચાર્ય જ્ઞાનમહોદધિ પ.પૂ. જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજના આશીર્વાદથી મોખાસણ ખાતે રૂ. 1.25 કરોડના સાકાર થયેલા ‘શ્રી મુકતજીવન સ્વામીબાપા પક્ષીઘર’નું લોકાર્પણ અને સિંહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાના અનાવરણ સહિતના વિવિધ કાર્યક્રમો ઉત્સાહભેર ઉજવાઇ ગયા. સાથે સાથે જ આ પ્રસંગે ગ્રામોત્થાન માટે ઠંડા પાણીની ફિલ્ટરવાળી પરબનું લોકાર્પણ થયું હતું તો માનવસેવા અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓને સ્કૂલબેગ - ફુલસ્કેપ ચોપડા સહિતની કીટનું વિતરણ પ.પૂ. આચાર્ય સ્વામી મહારાજના વરદ હસ્તે કરાયું હતું. તો વિશાળ વ્યસનમુક્તિ રેલી પણ યોજાઈ હતી.
આ ઉપરાંત વિવિધ સંસ્થાઓને પર્યાવરણ જતન, પક્ષીઓના સંરક્ષણ, વિકલાંગ દિવ્યાંગ બાળકોના શિક્ષણાર્થે, ગ્રામ્ય વિકાસ સહિતના વિવિધ સામાજિક કાર્યો માટે કુલ રૂ. 6.51 લાખના દાનના ચેક અર્પણ કરાયા હતા.
પ.પૂ. આચાર્ય સ્વામી મહારાજે આશીર્વાદ આપતાં જણાવ્યું હતું કે, શ્રી સ્વામિનારાયણ ભગવાનની શિક્ષાપત્રીમાં જણાવ્યા અનુસાર જીવ, પ્રાણી માત્ર ઉપર દયા રાખવી, અને મનુષ્ય જીવનમાં સંસ્કાર, સત્સંગ, શિક્ષણથી દિક્ષિત રહેશે તે ઉન્નતિના શિખર સર કરી શકશે.
આ પ્રસંગે મહંત સદ્ગુરુ ભગવત્પ્રિયદાસજી સ્વામી, પ્રશાંતસ્વરૂપદાસજી સ્વામી, મહંત નિર્માણપ્રિયદાસજી સ્વામી, ભગવતભૂષણદાસજી સ્વામી સહિતનું સંતમંડળ, સ્થાનિક અગ્રણીઓ તેમજ અમેરિકા, લંડન અને આફ્રિકાના હરિભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter