દ્વારકાઃ જાણીતા રામકથાકાર મોરારિબાપુ દ્વારા ભગવાન કૃષ્ણ અને તેમના પરિવાર તેમજ યાદવવંશીઓ અંગે વિવાદસ્પદ નિવેદનની ઘટનામાં અનિચ્છનીય વળાંક આવ્યો છે. વિવાદિત નિવેદનના પગલે આહિર સમાજની લાગણી અને માગણીને માન આપવા મોરારિબાપુ શિશ ઝૂકાવી દ્વારિકાધીશની માફી માગવા દ્વારકા આવ્યા હતા. પરંતુ દ્વારકાના ભાજપના પૂર્વ ધારાસભ્ય પબૂભા માણેક દ્વારા તેમના પર હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ સમયે ભાજપના જામનગરના સાંસદ પૂનમબહેન માડમ વચ્ચે પડતાં પરિસ્થિતિ હાથ બહાર નીકળી જતાં નિવારી શકાઈ હતી. એમ કહેવાય છે કે પબુભાએ મોરારિબાપુની આમન્યા જાળવી નહિ અને તેમની સાથે તુંકારાથી વાત કરી હતી.
મોરારિબાપુ પર હુમલાના પ્રયાસ સંદર્ભે પબુભા માણેકે પોતાનો બચાવ કરતા કહ્યું કે, મને ખોટી રીતે બદનામ કરાયો છે. મારે ફકત સવાલ કરવો હતો. અર્થનો અનર્થ કરવામાં આવ્યો છે. હું મોરારિબાપુને સવાલ પુછવા જતો હતો આ દરમિયાન, પકડાપકડી થવા લાગી હતી. મારે મોરારિબાપુને પૂછવું હતું કે, બલરામજી અંગે કયા પુસ્તકમાં વર્ણન છે. જોકે, તેમણે એમ પણ કહ્યું હતું કે જેને જે સમજવું હોય તે સમજે.
રામકથાકાર મોરારિબાપુ સામે ભગવાન કૃષ્ણ અને તેમના મોટાભાઈ બલરામ અને પરિવારજનો અંગે અનિચ્છનીય ટિપ્પણી કરવાનો વીડિયો વાયરલ થયા બાદ ચોમેરથી વિરોધ ઉઠયો હતો તેમજ અને આહિર સમાજ તેમજ કૃષ્ણભક્તિ પરંપરામાં માનતા અન્ય સમાજ દ્વારા મોરારિબાપુ માફી માગે તેવી માંગ સાથે રજૂઆતો થઈ રહી છે. આ સંદર્ભે મોરારિબાપુએ વ્યાસપીઠ પરથી જ તેમના વક્તવ્યથી કોઈની લાગણીને ઠેસ પહોંચી હોય તો તેમની જાહેર માફી પણ માગી હતી. જોકે, લોક આક્રોશ શાંત નહિ થતાં મોરારિબાપુ દ્વારકા આવ્યા હતા. તેઓ દ્વારકાધીશ મંદિર પરિસરમાં પત્રકાર પરિષદને સંબોધી રહ્યા હતા તે સમયે પૂર્વ ધારાસભ્ય પબુભાએ તેમના પર હુમલાનો હિચકારો પ્રયાસ કર્યો હતો. આ સમયે સાંસદ પૂનમ માડમે પબુભાને સમ આપી મામલાને આગળ વધતા અટકાવ્યો હતો. જોકે, પબુભા ફરી હુમલો કરવા દેડી આવ્યા હતા અને તેમને ફરી બહાર લઈ જવાયા હતા. ઉલ્લેખનીય છે કે વાઘેર સમાજ પર પકડ ધરાવતા દ્વારકાના ભાજપના નેતા પબૂભા માણેકને ધારાસભ્ય તરીકે ગેરલાયક ઠરવવાના ગુજરાત હાઈકોર્ટના આદેશ સામે મનાઈહુકમની તેમની અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે.
મોરારિબાપુએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હું જે કંઇ બોલ્યો છું તેની મેં જાહેરમાં અને વ્યાસપીઠ ઉપરથી પણ માફી માગી લીધી છે. આપણા સમાજની એકતા ન તૂટે અને સંવાદ સચવાઈ રહે, મારા કારણે સમાજ ક્યાંય વિભક્ત ન થાય તેમજ આપણા સનાતન ધર્મને આંચ ન આવે એટલા માટે ઠાકોરજીના દર્શને આવ્યો છું. મને દર્શનનો લાભ મળ્યો, આશીર્વાદ મળ્યા. આપ સૌના સદભાવ માટે ખૂબ ખૂબ મારી શુભકામના ધન્યવાદ..જય સિયારામ. તેઓએ જણાવ્યું હતું કે તેમના દ્વારા ભગવાન કૃષ્ણ વિશે કરાયેલી ટીપ્પણીથી કેટલાક લોકોની લાગણી ઘવાઈ હતી. આથી, તેઓ દ્વારકા જગતમંદિરમાં આવ્યા છે અને ભગવાન દ્વારકાધીશ પાસે માફી પણ માંગી છે.
થોડા દિવસ પહેલા તલગાજરડામાં યોજાયેલી માનસ ગરુ વંદના કથામાં બીજા દિવસની કથાના આરંભે મોરારિ બાપુએ કહ્યું હતું કે, ‘મારા કોઈ પૂર્વ નિવેદનથી જો કોઈને પણ, કશુંય દુઃખ પહોંચ્યું હોય તો હું ક્ષમાપ્રાર્થી છું. હું કોઇ પણ પરિસ્થિતિને પ્રભુનો કૃપા પ્રસાદ જ સમજુ છું. હું સંવેદનાનો આદમી છું. સમગ્ર વિશ્વ મારો પરિવાર છે. આપ સહુ મારા પોતાના છો. એમના કોઇને પણ મારી કોઈ વાત ગમી ન હોય તો આપ સહુની સમક્ષ હું નિર્મળ સાધુભાવથી કહું છું કે આપ ભલે મને પોતાનો ન સમજો તો પણ હું આપ સહુને મારા પોતાના જ સમજુ છું. મારા માટે તો ‘વસુધૈવ કુટુમ્બકમ’ છે. હું માત્ર મારા ભજનમાં મગ્ન રહું છું. કેટલાક સમયથી મારા અગાઉના ભગવાન કૃષ્ણ અંગેનાં નિવેદનને લઈને કેટલાક વિવાદો ઉભા થઈ રહ્યા છે પરંતુ, ભગવાન કૃષ્ણ મારા ઇષ્ટદેવ છે. મારી પરંપરા નિંબાર્કી છે. મારા કુળદેવી રૂક્ષ્મણીજી છે. અમારું ધામ મથુરા-દ્વારકા છે. અમારો ઘાટ વિશ્વાસ છે. અમારી પરિક્રમા ગિરિરાજની છે. અમારી ગાયત્રી ગોપાલ ગાયત્રી છે. અમારો વેદ સામવેદ છે. અમારું ગોત્ર અચ્યૂત છે અને હરિનામ મારો આહાર છે. સાધુના અંતરના ભાવથીમારા કોઈ નિવેદનથી દુનિયાના કોઇ પણ માણસનું દિલ દુખાય એ પહલા તો હું સમાધિ લેવાનું પસંદ કરીશ.’
ઘણા સમય પહેલા મોરારિબાપુએ એક કથા દરમિયાન ભગવાન કૃષ્ણ વિશે અયોગ્ય ટીપ્પણી કરી હતી. જેમાં, ભગવાન કૃષ્ણ દ્વારકામાં ધર્મસાશન સ્થાપવામાં અસફળ રહ્યા હતા, કૃષ્ણના મોટાભાઇ બલરામ ચોવીસ કલાક દારૂના નશામાં રહેતા અને કૃષ્ણના અનુયાયીઓ ચોરીઓ કરતા જેવી ટીપ્પણીઓ કરી હતી. આના પરિણામે, આહીર સમાજ અને કાન્હા વિચાર મંચ દ્વારા ભારે વિરોધ કરાયો હતો. અગાઉ પણ મોરારિબાપુએ સ્વામીનારાયણ સંપ્રદાય વિશે આપત્તિજનક ટિપ્પણીઓ કરી વિવાદ વહોર્યો હતો જેમાં, પાછળથી તેમણે સજળનેત્રે માફી પણ માગી હતી.