મોરારિબાપુની ભારત સ્વસ્તિક યાત્રાઃ બીજા ચરણનો દેવભૂમિ દ્વારકાથી પ્રારંભ

Friday 20th November 2026 06:17 EST
 
 

સોમનાથઃ રામચરિત માનસના પ્રખર મર્મજ્ઞ અને પૂ. સંત શ્રી મોરારિબાપુના નેતૃત્વમાં નીકળેલી ભારત સ્વસ્તિક યાત્રા પોતાના બીજા ચરણમાં દ્વારકાથી જગન્નાથ પુરી તરફની યાત્રા દરમિયાન સોમવારે પવિત્ર તીર્થધામ સોમનાથ ખાતે પહોંચી હતી. ભગવાન શિવ અને ભગવાન શ્રીકૃષ્ણ બંને સાથે આધ્યાત્મિક સંબંધ ધરાવતું સોમનાથ દેશનાં પ્રમુખ તીર્થસ્થળોમાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે. નોંધનીય છે કે સોમનાથ મંદિરને વારંવાર ધ્વસ્ત કરવામાં આવ્યા બાદ તેનું પુનઃનિર્માણ થતું રહ્યું છે. આ ઇતિહાસ ભારતના આધ્યાત્મિક વારસાની અખંડિતતા અને સનાતન ધર્મની શાશ્વત પરંપરાનું પ્રતીક છે.
ભારત સ્વસ્તિક યાત્રાના બીજા ચરણનો પ્રારંભ 14 નવેમ્બરના રોજ દ્વારકા રેલવે સ્ટેશનથી થયો હતો. આ પ્રસંગે પૂ. મોરારિ બાપુ, દ્વારકા શારદાપીઠના શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતી (સ્વામી સદાનંદજી મહારાજ) સહિતના સંતો-મહાત્માઓ, મહાનુભાવો, આયોજન સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ યાત્રા સોમનાથ, ડાકોર, ઉજ્જૈન, નાગપુર, છત્તીસગઢના ચંપારણ, માયાપુર અને કોલકાતા થઈને 22 નવેમ્બરના રોજ જગન્નાથ પુરી ખાતે સંપન્ન થશે.
ભારત સ્વસ્તિક યાત્રાના બીજા ચરણમાં આશરે 1,000 શ્રદ્ધાળુઓ પૂજ્ય મોરારિબાપુ સાથે બે વિશેષ ટ્રેનો – ‘કૈલાસ ભારત ગૌરવ’ અને ‘ચિત્રકૂટ ભારત ગૌરવ’ – મારફતે યાત્રા કરી રહ્યા છે. આ બંને ટ્રેનોમાં અનુક્રમે 22 અને 16 કોચ છે.
આ પ્રસંગે પૂ. મોરારિબાપુએ જણાવ્યું હતું કે, ‘સોમનાથમાં રક્તાભિષેક પણ થયો છે અને વિરક્તાભિષેક પણ થયો છે. આ પાવન અવસરે હું એવા અસંખ્ય લોકોના બલિદાન, સંઘર્ષ અને સમર્પણને શ્રદ્ધાપૂર્વક યાદ કરું છું, જેમણે સોમનાથ મંદિરના પુનઃનિર્માણ અને તેની ગૌરવશાળી પ્રતિષ્ઠાને પુનઃસ્થાપિત કરવા માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરી દીધું હતું.
તેમણે કહ્યું હતું કે ‘સોમ શબ્દના અનેક સુંદર અર્થો છે. સોમ એટલે ચંદ્રમા, સોમ એટલે રામનામ, સોમ એટલે સોમનાથ – સ્વયં મહાદેવ અને સોમ એટલે મન. વ્યાસપીઠની દૃષ્ટિએ જોઈએ તો આ ચારેય અર્થ મળીને સ્વસ્તિકનું સ્વરૂપ ધારણ કરે છે અને ચારેય મંગલકારી તથા કલ્યાણકારી છે. સોમ (રામ)ની કથાની રચના સોમ (મહાદેવ)એ કરી અને સોમની કથાનું ગાન પણ સ્વયં સોમે જ કર્યું. અંતે જીવનને પવિત્ર બનાવવું હોય કે મૃત્યુને પણ સાર્થક કરવું હોય, તો એક જ શાશ્વત આશ્રય છે – રામનામ.’
સંતકૃપા સનાતન સંસ્થાન દ્વારા આયોજિત ભારત સ્વસ્તિક યાત્રાનો મુખ્ય ઉદ્દેશ સનાતન ધર્મના આદર્શો દ્વારા ભારતના પવિત્ર ભૂગોળ અને વિવિધ સાંસ્કૃતિક પરંપરાઓને એક સૂત્રમાં પરોવવાનો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter