લંડનઃ યુકેમાં લંડનસ્થિત યુગાન્ડા હાઈ કમિશન અને યુગાન્ડા ટુરિઝમ બોર્ડના સંયુક્ત ઉપક્રમે હેરિંગ્ટન ગાર્ડન્સની મિલેનિયમ હોટેલમાં શુક્રવાર, 7 નવેમ્બર 2025ના રોજ નેટવર્કિંગ ડિનર અને ટ્રાવેલ ગાલાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઈવેન્ટમાં ઉપસ્થિત અગ્રણીઓમાં લોર્ડ રેમી રેન્જર, યુગાન્ડાના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ઓફ ટુરિઝમ જુલિઆના કાગ્વા, ભારતમાં મોન્ટેનેગ્રોના માનદ કોન્સલ, સાઉથ એશિયન બિઝનેસ કોમ્યુનિટી, વેસ્ટમિન્ટ્નર બિઝનેસ ગ્રૂપ,સ્પોટલાઈટ ઓન આફ્રિકાના પ્રતિનિધિઓ, પૂર્વ સાંસદ વિરેન્દ્ર શર્મા, ડિપ્લોમેટ્સ અને યુગાન્ડા ડાયસ્પોરાના સભ્યોનો સમાવેશ થયો હતો. હાઈ કમિશનર માધવાણીએ વિશ્વને યુગાન્ડા સાથે સંપર્કમાં આવવા આમંત્રણ આપવા સાથે યુગાન્ડાને ખોજવા, તેની ગર્ભિત ક્ષમતાઓમાં ઈન્વેસ્ટમેન્ટ કરવા અને અદ્ભૂત અનુભવ કરવા જણાવ્યું હતું.
ઈવેન્ટના આરંભે યુગાન્ડાના યુકેસ્થિત હાઈ કમિશનર નિમિષા માધવાણીએ સહુને આવકારતાં જણાવ્યું હતું કે,‘આજે આપણે અમારા ચહીતા પર્લ ઓફ આફ્રિકા, યુગાન્ડાની ઊજવણી કરવા એકત્ર થયા છીએ. આજની રાત માત્ર ઊજવણી નથી, પરંતુ યુગાન્ડા ખુલ્લું, જીવંત અને વિશ્વ સાથે તેના સૌંદર્યને સહભાગી બનાવવા ઉત્સુક હોવાનું નિવેદન છે. આ પ્રેસિડેન્ટ યોવેરી મુસેવેનીનું વિઝન અને નેતૃત્વ છે.’ યુગાન્ડાના પ્રાકૃતિક સૌંદર્યને હાઈલાઈટ કરતાં હાઈ કમિશનર માધવાણીએ જણાવ્યું હતું કે યુગાન્ડા એરલાઈન્સની ગેટવિકથી એન્ટેબી સુધી ડાયરેક્ટ ફ્લાઈટ્સ રવેનઝૌરી પર્વતોના હિમાચ્છાદિત શિખરોથી લેક વિક્ટોરિયાના શાંત, નિર્મળ જળ, જીન્જાથી યાત્રાનો આરંભ કરતી શક્તિપૂર્ણ નાઈલ નદીથી બ્વિન્ડીના દિલધડક ગોરિલાઓના દર્શન કરાવશે, યુગાન્ડાની ધરતી શોધખોળ, વૈવિધ્ય અને ઊંડી માનવીય હૂંફની ભૂમિ છે.’
હાઈ કમિશનર માધવાણીએ યુગાન્ડાના લોકોની ભાવના વિશે જણાવ્યું હતું કે અમારા લોકો હસમુખા છે, લોકોને આવકાર આપનારા, ધીરજવાન અને અમારા દેશની ધડકન છે. સર વિન્સ્ટન ચર્ચિલે યુગાન્ડાની મુલાકાત લીધા પછી તેને ‘પર્લ ઓફ આફ્રિકા’ ગણાવ્યું હતું અને સદી પછી પણ આ ટાઈટલ સાચું છે.’ તેમણે ભવ્ય ટુરિઝમ સમારંભનું મહત્ત્વ દર્શાવતાં કહ્યું હતું કે, ‘આ ગાલા અમે વિશ્વને યુગાન્ડાની કથા કેવી રીતે કહીએ છીએ તેમાં નવાં પ્રકરણનો આરંભ છે. અમે માત્ર અમારાં સુંદર સ્થળોને પ્રદર્શિત કરવાં નહિ, પરંતુ અમારી ઓળખ, અમારું સંગીત, કળા, વાનગીઓ અને અમારા દેશના આત્માને પ્રદર્શિત કરવા સજ્જ છીએ.’
તેમણે ટુરિઝમનાં મહત્ત્વ પર ભાર મૂકતાં જણાવ્યું હતું કે ‘ટુરિઝમ નોકરીઓ-રોજગારી સર્જે છે, કોમ્યુનિટીઓને સશક્ત બનાવે છે અને દેશો વચ્ચે સેતુનિર્માણ કરે છે. આ સેતુ લોકો, સંસ્કૃતિઓ અને તકોને સાંકળે છે. ટુરિઝમનો આરંભ સ્ટોરી સાથે થાય છે અને આપણામાંથી દરેક કથાકાર છે. આપણે ગર્વ સાથે યુગાન્ડાની કથા કહીએ, તેના સૌંદર્ય, તેના લોકો, તેના વચન વિશે જણાવીએ અને આજની રાતને વિશ્વને આફ્રિકાના હૃદયની નિકટ લાવતી યાત્રાની શરૂઆત બનાવીએ.’ યુગાન્ડાની મુલાકાતના અનુભવ વિશે તેમણે કહ્યું હતું કે, ‘મુલાકાતીઓ માત્ર સ્થળોને નિહાળતા નથી. તેઓ ધબકતી લાગણી અનુભવે છે અને તેમના હૃદયમાં અમારા દેશનો એક ટુકડો સાથે લઈને જાય છે.’
તેમણે યુગાન્ડાના પ્રવાસનું આમંત્રણ અને ખાતરી ઉચ્ચારતાં કહ્યું હતું કે, ‘તમને સહુને યુગાન્ડામાં આવકાર આપવા હું ઉત્સુક છું. લંડનમાં અમારું મિશન તમે બધા યોગ્ય દસ્તાવેજો પૂરાં પાડ્યા હશે તેના માત્ર 72 કલાકમાં વિઝા જારી કરશે.’
હાઈ કમિશનરે મહેમાનો, સાથીઓ, યુગાન્ડા ડાયસ્પોરા, યુગાન્ડા ટુરિઝમ બોર્ડ, મિનિસ્ટ્રી ઓફ ટુરિઝમ, વાઈલ્ડ લાઈફ એન્ડ એન્ટિક્વિટીઝ, સ્પોન્સરો, પાર્ટનર્સ પ્રતિ આભાર વ્યક્ત કર્યો હતો. મહેમાનોએ બાન્ટુ બેન્ડનું જીવંત પરફોર્મન્સ, યુગાન્ડા ડાયસ્પોરા દ્વારા કેળાંની છાલનાં વસ્ત્રોની ડિઝાઈન્સનું પ્રદર્શન તેમજ પ્રસિદ્ધ યુગાન્ડા કળાકાર શીબાહ કારુંગીનાં ગીત અને ડાન્સ પરફોર્મન્સને માણ્યું હતું.


