કમ્પાલાઃ યુગાન્ડામાં બાળકોનાં પિતૃત્વ મુદ્દે પારિવારિક વિવાદોનું પ્રમાણ વધી રહ્યું છે અને DNA પેટર્નિટી ટેસ્ટિંગ સુલભ બન્યું છે ત્યારે વધુ અને વધુ પુરુષો તેમના પિતૃત્વની ચકાસણી કરવા DNA પેટર્નિટી ટેસ્ટ તરફ વળી રહ્યા છે. કેટલાક જાણીતા વ્યક્તિત્વો તેમના બાળકોના બાયોલોજિકલ પિતા ન હોવા હોવા વિશે અહેવાલો પ્રસિદ્ધ થયા પછી આ પ્રમાણમાં વધારો થયો છે. યુગાન્ડામાં પરિવારના મોભીના મૃત્યુ પછી પ્રોપર્ટીની વહેંચણી તેમજ ડાઈવોર્સની કાર્યવાહીનાં સંદર્ભે DNA પેટર્નિટી ટેસ્ટિંગ વધી રહ્યું છે.
જોકે, બાળક પિતાના જેવું દેખાતું ન હોય ત્યારે સર્જાતા પારિવારિક સંવેદનશીલ વિવાદોમાં ધાર્મિક અગ્રણીઓ અને કબિલાઓના પરંપરાગત નેતાઓ તેમના પૂર્વજોના ડહાપણને આગળ ધરી લગ્નોને બચાવવા હસ્તક્ષેપ કરે છે. એક કબીલાના અગ્રણી મોસીસ કુટોઈએ તેઓ તેમના પિતાને મળતા આવતા નથી, છતાં પરિવારના મોભી તરીકે પસંદ થયા છે તેમ જણાવી વિવાદને શાંત કરવા પ્રયાસ કર્યો હતો. અગ્રણીઓ વધુ સહિષ્ણુતા દર્શાવવા અને આફ્રિકન ઉપદેશોનો સહારો લેવા અને આ બાબત ઈશ્વર પર છોડી પુરુષોને સમજાવે છે.
યુગાન્ડાના એંગ્લિકન આર્ચબિશપ સ્ટીફન કાઝિમ્બાએ ગત વર્ષે ક્રિસમસ ડે સર્વિસમાં કૌમાર્યાવસ્થામાં જિસસના જન્મનું ઉદાહરણ આપી જોસેફની માફક જ બાળકો જેવા હોય તેવા જ તેમની કાળજી લેવા સલાહ આપતા કહ્યું હતું કે તમે DNA ટેસ્ટિંગ કરાવશો અને ચારમાંથી બે બાળક જ તમારા હોવાનું જાણવા મળે તો શું કરશો?
મિનિસ્ટ્રી ઓફ ઈન્ટર્નલ એફેર્સ સંચાલિત લેબોરેટરીમાં પેટર્નિટી ટેસ્ટિંગ થાય છે. મિનિસ્ટ્રીના પ્રવકતાએ જણાવ્યા મુજબ સ્વૈચ્છિકDNA ટેસ્ટિંગ માટે આવનારામાંથી 95 ટકા પુરુષો હોય છે, પરંતુ 98 ટકાથી વધુ પરિણામો તે પુરુષો બાળકોના બાયોલોજિકલ કે જૈવિક પિતા ન હોવાનું દર્શાવે છે. આના પરિણામે, પુરુષોને ભારે આઘાત લાગતો હોય છે. આમ છતાં, યુગાન્ડામાં DNA ટેસ્ટિંગ કેન્દ્રો ફૂટી નીકળ્યા છે. રેડિયો અને જાહેર સ્થળોએ તેમજ કમ્પાલા સહિત મોટા શહેરોમાં ટેક્સીઓની વિન્ડોઝ પર ક્લિનિકલ લેબોરેટરીઝની આક્રમક જાહેરાતો જોવાં મળે છે. મોટા ભાગના પરિવારોને ખાનગી લેબોરેટરીઝમાં 200 ડોલરથી વધુ કિંમતે કરાતા આવા પરીક્ષણો પોસાય તેવા હોતા નથી.


