નવી દિલ્લંહી, લંડનઃ યુનિવર્સિટી ઓફ સાઉધમ્પટન ભારતમાં કેમ્પસ ખોલનારી પ્રથમ આંતરરાષ્ટ્રીય સંસ્થા બની છે. યુનિવર્સિટી ઓફ સાઉધમ્પટન દિલ્હી ભારતીય વિદ્યાર્થીઓને તેમના વતન દેશને છોડ્યા વિના વિશ્વમાં ટોપ 100 યુનિવર્સિટીઓમાં એક પાસેથી પ્રતિષ્ઠિત ડીગ્રી હાંસલ કરવાની તક આપશે. યુકેના પ્રતિષ્ઠિત રસેલ ગ્રૂપની સ્થાપક યુનિવર્સિટી ઓફ સાઉધમ્પટન તેની સંશોધન અને શૈક્ષણિક ઉત્કૃષ્ટતા માટે પ્રખ્યાત છે.
પ્રારંભિક અંડરગ્રેજ્યુએટ અને પોસ્ટગ્રોજ્યુએટ ડીગ્રી પ્રોગ્રામ્સમાં બિઝનેસ મેનેજમેન્ટ, એકાઉન્ટિંગ એન્ડ ફાઈનાન્સ, કોમ્પ્યુટર સાયન્સ, ઈકોનોમિક્સ, ફાઈનાન્સ અને ઈન્ટરનેશનલ મેનેજમેન્ટના વિષયો રહેશે. આશરે 150 વિદ્યાર્થીઓનું જૂથ ઓગસ્ટમાં સ્થાન મેળવશે. યુનિવર્સિટી 2035 સુધીમાં દર વર્ષે 5,000 જેટલા વિદ્યાર્થીને પ્રવેશ આપવાની યોજના ધરાવે છે. વિદ્યાર્થીઓને ડેલોઈટે ઈન્ડિયા, કોમવિવા અને ઈન્વેસ્ટિ સહિત દેશની સૌથી પ્રભાવશાળી ફર્મ્સમાં ઈન્ટર્નશિપ અને ગ્રેજ્યુએટ પ્લેસમેન્ટ સ્કીમનો પણ લાભ મળી શકશે.
યુકેના બિઝનેસ એન્ડ ટ્રેડ મિનિસ્ટર ડગ્લાસ એલેકઝાન્ડરે જણાવ્યું હતું કે,‘યુકેની ફર્સ્ટ ક્લાસ ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાની પ્રતિષ્ઠાનો આ પુરાવો છે કે અમે ભારતમાં આંતરરાષ્ટ્રીય કેમ્પસ ખોલનારો પ્રથમ દેશ બન્યા છીએ.’