રંગભેદવિરોધી ચળવળકાર અહમદ કથરાડાનું નિધન

Wednesday 29th March 2017 07:43 EDT
 
 

જોહાનિસબર્ગઃ શ્વેત પ્રજાના રંગભેદી શાસન સામે દક્ષિણ આફ્રિકાના લાંબા સંઘર્ષમાં નેલ્સન મન્ડેલાના ગાઢ સાથીઓમાંના એક અને ચળવળના પ્રતીકસમાન અહમદ મોહમ્મદ કથરાડાનું મંગળવારે નિધન થયું છે. તેઓ ૮૭ વર્ષના હતા. સાઉથ આફ્રિકાના રંગભેદી શાસનના અત્યાચારોને બહાર લાવનારી ૧૯૬૪ની રિવોનીઆ ટ્રાયલમાં મન્ડેલાની સાથે કથરાડા સામે પણ કેસ ચલાવાયો હતો અને રોબેન આઈલેન્ડમાં જેલમાં પૂરવામાં આવ્યા હતા. તેમના ચેરિટી કથરાડા ફાઉન્ડેશને જણાવ્યા અનુસાર બ્રેઈન સર્જરી પછી ટુંકી બીમારી પછી જોહાનિસબર્ગની હોસ્પિટલમાં તેમનું મૃત્યુ થયું હતું. મુસ્લિમ રીતરિવાજ અનુસાર બુધવારે તેમની દફનવિધિ કરવામાં આવશે.

કથરાડાએ કુલ ૨૬ વર્ષ અને ત્રણ મહિનાના જેલવાસમાંથી ૧૮ વર્ષ તો કેપ ટાઉનના તટે કુખ્યાત રોબેન આઈલેન્ડ જેલમાં વીતાવ્યા હતા. રંગભેદી શાસનના અંત પછી આફ્રિકન નેશનલ કોંગ્રેસ (ANC)ની પ્રથમ સરકારમાં ૧૯૯૪-૧૯૯૯ના ગાળામાં પ્રમુખ નેલ્સન મન્ડેલાના પાર્લામેન્ટરી સલાહકારના પદે સેવા આપી હતી. તેમણે રાજકીય કારકીર્દિ અપનાવી નહિ પરંતુ, કર્મશીલ તરીકે સક્રિય રહ્યા હતા અને પ્રેસિડેન્ટ જેકોબ ઝૂમાના વડપણ હેઠળની વર્તમાન ANC સરકારના ટીકાકાર હતા. તેમના પત્ની બાર્બરા હોગાન પણ ANCના પીઢ નેતા છે. ભારત સરકારે ૨૦૦૫માં અહમદ કથરાડાને પ્રવાસી ભારતીય સમ્માનની નવાજેશ કરી હતી.

અહમદ કથરાડાનો જન્મ ૨૧ ઓગસ્ટ ૧૯૨૯માં પશ્ચિમ ટ્રાન્સવાલના સ્ક્વેઈઝેર-રેનેકે ટાઉનમાં થયો હતો.ભારતના ગુજરાત રાજ્યના સુરતથી આવેલા સુન્ની વહોરા ગુજરાતી પરિવારના સાઉથ આફ્રિકન ભારતીય મુસ્લિમ ઈમિગ્રન્ટ માતાપિતાના છ બાળકોમાં તે ચોથા સંતાન હતા. તે સમયની રંગભેદી નીતિઓના કારણે તે વિસ્તારની ‘યુરોપિયન’ અથવા ‘આફ્રિકન’ શાળાઓમાં તેમને પ્રવેશ ન મળતા તેમણે અભ્યાસ માટે જોહાનિસબર્ગ જવાની ફરજ પડી હતી. તેમણે જોહાનિસબર્ગ ઈન્ડિયન હાઈ સ્કૂલમાંથી મેટ્રિક્યુલેશન કર્યું હતું.

જોહાનિસબર્ગમાં તેમના પર ટ્રાન્સવાલ ઈન્ડિયન કોંગ્રેસના ડો. યુસુફ દાદુ, આઈસી મીર, મૌલવી અને યુસુફ કાચલિઆ તેમજ જેએન સિંહ જેવા નેતાઓનો પ્રભાવ પડ્યો હતો. માત્ર ૧૨ વર્ષની વયે તેઓ યંગ કોમ્યુનિસ્ટ લીગ ઓફ સાઉથ આફ્રિકામાં જોડાયા હતા.

શ્વેત લઘુમતીના રંગભેદી શાસન સામે કથરાડાનો વિરોધ ૧૭ વર્ષની વયે બહાર આવ્યો હતો જ્યારે, ઈન્ડિયન સાઉથ આફ્રિકનો સામે ભેદભાવયુક્ત કાયદાઓનો વિરોધ કરવા બદલ ૧૯૪૬માં ધરપકડ કરાયેલાં ૨૦૦૦ લોકોમાં તેમનો પણ સમાવેશ થયો હતો. ૧૯૬૦માં ANC પાર્ટી પર પ્રતિબંધ લાગ્યો અને તેના બે વર્ષ પછી કથરાડાને નજરકેદ હેઠળ મૂકાયા હતા. આ પછી તેઓ પાર્ટીની સશસ્ત્ર પાંખ Umkhonto we Sizwe (MK)માં જોડાઈ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. જુલાઈ ૧૯૬૩માં કથરાડા અને અન્ય વરિષ્ઠ કાર્યકરો ગુપ્ત બેઠકમાં હતા ત્યારે જ પોલીસે તેમને ઝડપી લીધા હતા અને ૧૯૬૪માં રિવોનીઆ ટ્રાયલમાં આઠ આરોપીને રોબેન આઈલેન્ડ પર સખત મજૂરી સાથે જેલવાસની સજા કરાઈ હતી. આ જેલમાં મન્ડેલા, વોસ્ટેર સિસુલુ અને ડેનિસ ગોલ્ડબર્ગને પણ રખાયા હતા.

ANC પાર્ટીએ કથરાડાને શ્રદ્ધાંજલિ આપતા નિવેદનમાં જણાવ્યું હતું કે,‘ દેશે એક મહાન નેતા અને દેશભક્ત ગુમાવ્યો છે. તેમનુ જીવન વિનમ્રતા, સહિષ્ણુતા, ધીરજ અને સિદ્ધાંતો પ્રતિ નિષ્ઠાવાન પ્રતિબદ્ધતાના પાઠ સમાન છે. અનેક વખત ANC નેતાગીરી સાથે તેમનો મતભેદ થવા છતાં ‘અંકલ કેથી’એ કદી ANC ને છોડી નથી કે પીઠ બતાવી નથી.’ કથરાડાના પૂર્વ સાથીઓ ડેરેક હોનેકોમ, લાલુ ‘ઈસુ’ ચિબાએ પણ શ્રદ્ધાંજલિ અર્પી હતી. કથરાડા ફાઉન્ડેશનના વડા નીશાન બાલ્ટને જણાવ્યું હતું કે ANC, વ્યાપક મુક્તિ ચળવળ અને સમગ્ર સાઉથ આફ્રિકાને આ મોટી ખોટ છે. ‘કેથી’ વિશ્વના વિવિધ વિસ્તારોના લાકો લોકો માટે પ્રેરણાસ્રોત હતા.

નિવૃત્ત આર્ચબિશપ ડેસમન્ડ ટુટુએ એક નિવેદનમાં કથરાડાને રંગભેદવિરોધી ચળવળના નૈતિક નેતા ગણાવી ‘નોંધપાત્ર મૃદુતા, વિનમ્રતા અને નિષ્ઠાના સ્વામી’ કહ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter