નાઈરોબીઃ FMB કેપિટલ હોલ્ડિંગ્સના સહસ્થાપક રસિક કંટારિયા કેન્યાના પ્રથમ બિલિયોનર બની ગયા છે.FMB કેપિટલ હોલ્ડિંગ્સમાં જોરદાર ઉછાળો આવવા સાથે રસિક કંટારિયાના હિસ્સાનું મૂલ્ય 1 બિલિયન ડોલરને પાર પહોંચી જવાથી આફ્રિકન બિઝનેસના ઈતિહાસમાં અભૂતપૂર્વ ફાઈનાન્સિયલ સીમાચિહ્ન રચાયું છે. રસિક કંટારિયા તેમની કારકિર્દી દરમિયાન જાહેર ધ્યાનથી દૂર રહી શાંતિથી અને મજબૂત નિર્ણયો કામ કરતા રહ્યા છે.
પ્રાઈમ બેન્ક લિમિટેડ અને પ્રાઈમ કેપિટલ હોલ્ડિંગના સ્થાપક અને ચેરમેન રસિક કંટારિયા મોરેશિયસની FMB કેપિટલ હોલ્ડિંગ્સના સહસ્થાપક પણ છે. કેન્યાના બિઝનેસમેનની આ સીમાચિહ્ન સુધીની યાત્રા ત્રણ દાયકા અગાઉ આરંભાઈ હતી. તેમણે 1995માં માલાવીના બિલિયોનેર હિતેશ અનડકટ સાથે મળી બ્લાનટાયરમાં ફર્સ્ટ મર્ચન્ટ બેન્ક લિમિટેડની સ્થાપના કરી હતી. માલાવીના કોમર્શિયલ સેન્ટરમાં કરાયેલી નાનકડી શરૂઆત ધીરે ધીરે ફર્સ્ટ કેપિટલ બેન્કમાં પરિણમી હતી જે આજે FMB કેપિટલ હોલ્ડિંગ્સની ફ્લેગશિપ કંપની છે. વર્ષો દરમિયાન આ ગ્રૂપે મોઝામ્બિક, ઝિમ્બાબ્વે, ઝામ્બીઆ અને બોટ્સવાનામાં વિસ્તરણ કરવા સાથે પ્રાદેશિક બેન્કિંગ નેટવર્ક ઉભું કર્યું હતું.
બિલિયોનેર્સ આફ્રિકા દ્વારા ચકાસાયેલા ડેટા અનુસાર રસિક કંટારિયા FMB કેપિટલ હોલ્ડિંગ્સમાં 525 મિલિયન શેર એટલે કે 21.36 ટકાનો હિસ્સો ધરાવે છે. જાન્યુઆરીથી આ ગ્રૂપના શરોની કિંમતમાં 500 ટકાથી વધુનો ઉછાળો આવવાથી ગ્રૂપની બજારમૂડી વધીને 4.8 બિલિયન ડોલરે પહોંચી હતી અને માલાવી સ્ટોક એક્સચેન્જમાં તે સૌથી મોટી કંપની સ્થાપિત થઈ હતી. આ વર્ષની શરૂઆતમાં રસિક કંટારિયાના હિસ્સાનું મૂલ્ય 167.8 મિલિયન ડોલર હતું, જે આજે 855.2 મિલિયન ડોલર વધીને 1.02 બિલિયન ડોલર થયું છે.
કેન્યા લાંબા સમયથી તેના વગશાળી બિઝનેસ પરિવારો અને પ્રાદેશિક ઈન્વેસ્ટરો માટે જાણીતું રહ્યું છે પરંતુ, અત્યાર સુધી પ્રાઈવેટ સેક્ટર એન્ટરપ્રાઈઝમાંથી ડોલર બિલિયોનેર સ્પષ્ટપણે બહાર આવ્યા નથી. રસિક કંટારિયાની પોઝિશન વધુ મજબૂત એટલા માટે છે કે આ રકમમાં પ્રાઈમ બેન્ક લિમિટેડ અથવા પ્રાઈમ કેપિટલ હોલ્ડિંગ્સમાં તેમના હિસ્સાનો સમાવેશ કરાયો નથી.
કંટારિયાની બિઝનેસ પહોંચ બેન્કિંગ સુધી સીમિત નથી. તેઓ તૌસી એસ્યોરન્સ કંપની લિમિટેડના ચેરમેન છે તેમજ સેન્ટ્રલ બેન્ક ઓફ કેન્યા દ્વારા નિયુક્ત ડિપોઝિટ પ્રોટેક્શન ફંડના બોર્ડમાં પણ સેવા આપેલી છે. તેમના પોર્ટફોલીઓમાં ટુરિઝમ, રીઅલ એસ્ટેટ અને મેન્યુફેક્ચરિંગ સેક્ટરોમાં ઈન્વેસ્ટમેન્ટ્સનો સમાવેશ થાય છે. તેમની સેવાને ધ્યાનમાં રાખી યુનાઈટેડ સ્ટેટ્સમાં ધ યુનાઈટેડ ગ્રેજ્યુએટ કોલેજ એન્ડ સેમિનારી તરફથી ડોક્ટર ઓફ હ્યુમેનિટિઝની માનદ ડિગ્રી એનાયત કરાઈ છે.


