રામ મંદિરનો હવાલો હવે ‘કૃષ્ણ’ સંભાળશે, ચંપત રાય - અનિલ મિશ્રાને રામ-રામ

Wednesday 08th July 2026 06:41 EDT
 
 

અયોધ્યાઃ રામ મંદિરમાં દાન ચોરીને કારણે વિવાદના વમળમાં ઘેરાયેલા મંદિરના ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાય અને સભ્ય અનિલ મિશ્રાનું રાજીનામું અંતે સ્વીકારી લેવામાં આવ્યું છે. જ્યારે ચંપત રાયના સ્થાને ટ્રસ્ટનું સુકાન ટ્રસ્ટી કૃષ્ણ મોહનને આપવામાં આવ્યું છે. જ્યાં સુધી નવા જનરલ સેક્રેટરીની નિમણૂક નહીં થાય ત્યાં સુધી કૃષ્ણ મોહન જ કાર્યભાર સંભાળશે. આ દરમિયાન અલાહાબાદ હાઇકોર્ટે દાનની રકમની કથિત ચોરીમાં સ્વતંત્ર તપાસની માગણી કરતી જાહેર હિતની અરજી (પીઆઇએલ)ને સાંભળવા ઇન્કાર કરી દેતા નોંધ્યુ હતું કે, આ કેસને લગતી એક અરજી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે.
 રામ જન્મભૂમિ પરિસરની અંદર આવેલા ગેસ્ટ હાઉસમાં સોમવારે બપોરે બેઠક શરૂ થઈ હતી, જેમાં ટ્રસ્ટના અધ્યક્ષ નૃત્ય ગોપાલ દાસ સહિત નવ કાયમી સભ્યોમાંથી સાત સભ્યો હાજર હતા. રાય અને મિશ્રા બેઠકમાં હાજર રહ્યા ન હતા. આ બેઠક સાંજે આશરે 6.30 વાગ્યે પૂર્ણ થઈ હતી. આ બેઠકમાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે સમગ્ર ડોનેશન સિસ્ટમની પુનઃરચનાનું વચન અપાયુ હતું તેમજ મંદિરના ટ્રસ્ટ માટે એક સીઇઓને શોધવા માટે એક ત્રણ સભ્યોની સર્ચ કમિટીની રચનાની જાહેરાત કરી હતી. આ સર્ચ પેનલમાં નિવૃત્ત જજ પ્રમોદ કોહલી, નિવૃત્ત લેફ્ટેનેન્ટ જનરલ વિષ્ણુકાંત ચતુર્વેદી અને ટ્રસ્ટી સુરેશ હવારેનો સમાવેશ થાય છે.
ટ્રસ્ટના ખજાનચી ગોવિંદ ગિરીએ જણાવ્યું હતું કે, ત્રણ કલાકથી વધુ ચાલેલી ટ્રસ્ટની મીટિંગમાં આ કૌભાંડની અસરોની ખાસ ચર્ચા કરાઇ હતી. મંદિરના બોક્સમાંથી દાન ચોરીની ઘટનાને ક્ષોભજનક ગણાવતાં તેમણે કહ્યું હતું કે, સદીઓ જૂના સંઘર્ષ તથા બલિદાનો બાદ નિર્માણ પામેલા મંદિરની કામગીરી પર આશંકાના વાદળો ઘેરાઈ ગયા છે. ચંપત રાયનો બચાવ કરતાં ગિરિએ જણાવ્યું હતું કે, મારી નજરમાં તેઓ બિનવિવાદાસ્પદ છે. રામ મંદિર ચળવળમાં જીવન હોમી દેવા બદલ રાયની તેમણે પ્રશંસા કરતાં તેમણે કહ્યું હતું કે તેમની ભૂલ માત્ર એટલી હતી કે તેમણે ખોટા લોકોમાં વિશ્વાસ મુક્યો હતો. આ ઘટનામાં સ્ટેટ બેન્ક ઓફ ઇંડિયાની ભૂલ ગણાવતાં તેમણે કહ્યું હતું કે, તેણે આ કેસમાં એફઆઇઆર કરવાની જરૂર હતી. બીજી બાજુ કોંગ્રેસે કહ્યું છે કે રાજીનામું સ્વીકારવાથી ટ્રસ્ટે સ્વીકારી લીધું છે કે, દાન ચોરીના અહેવાલો સાચા છે. તેણે સુપ્રીમ કોર્ટની દેખરેખમાં આ મામલે તપાસની માગણી કરી હતી. સમાજવાદી પાર્ટીએ પણ આ જ માગ કરી હતી.
વિશ્વાસ સંપાદનને પ્રાથમિકતાઃ કૃષ્ણ મોહન
નવા નીમાયેલા વચગાળાના જનરલ સેક્રેટરી કૃષ્ણ મોહને (જમણે) ખજાનચી ગોવિંદ ગિરિ સાથે પત્રકારોને સંબોધતા જણાવ્યું હતું કે, મંદિરના સંચાલનની સિસ્ટમમાં રહેલા છીંડાને દૂર કરવા તેમજ વહીવટી પ્રક્રિયાને મજબૂત બનાવવાની તેમની પ્રાથમિકતા રહેશે. આ ઘટનામાં દોષિતોને યોગ્ય સજા આપવામાં આવશે. તમામ ટ્રસ્ટીઓ પ્રત્યે લોકોનો વિશ્વાસ જળવાઇ રહે તેમજ ભક્તોના દાનના સંચાલનની કામગીરી ટ્રસ્ટના હેતુઓ મુજબ થાય તે મુજબ કામ કરશે. ગિરિએ કહ્યું હતું કે, કાયમી વડાની નિમણૂક નહીં થાય ત્યાં સુધી મોહન કૃષ્ણ આ હોદા પર ચાલુ રહેશે. આ સાથે જ ટ્રસ્ટે ખાસ આમંત્રિતોમાંથી ગોપાલ નાગરકત્તેની હકાલપટ્ટીની જાહેરાત કરી હતી.
ટ્રસ્ટની બેઠક હવે 22 જુલાઈએ
જનરલ સેક્રેટરી તરીકે વધારાનો ચાર્જ મેળવનાર કૃષ્ણ મોહન પોતાની મદદ માટે એક ટીમ પસંદ કરવા માટે સ્વતંત્ર રહેશે અને તેઓ પારદર્શિતા તથા વહીવટી પ્રણાલીઓને મજબૂત કરવાના હેતુથી લેવાનારા પગલાંની દેખરેખ રાખશે, તેમ ગિરિએ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ટ્રસ્ટ ફરીથી 22 જુલાઈએ મળશે, ત્યાં સુધીમાં આ નાણાકીય ગેરરીતિની તપાસ કરી રહેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ તેનો અંતિમ અહેવાલ સબમિટ કરે તેવી અપેક્ષા છે. આ બેઠકમાં વધારાના ટ્રસ્ટીઓની નિમણૂક અંગેના અહેવાલ પર ચર્ચા કરવામાં આવશે.
કર્મચારીઓએ કપડાં-જૂતાંમાં નોટોના બંડલ છુપાવ્યાંઃ SITનો રિપોર્ટ
રામ મંદિરમાં દાનની ચોરી મામલે તપાસ કરતી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (‘સીટ’)ને જાણવા મળ્યું છે કે, કર્મચારીઓએ ગણતરી વેળાએ અનેક વખત રોકડની ચોરી કરી હતી. 27 એપ્રિલથી પાંચ જૂન સુધીના સીસીટીવી ફૂટેજમાં દેખાય છે કે કાઉન્ટિંગ રૂમમાં પૈસા ગણતાં કર્મચારીઓ નોટોના બંડલ તેમના કપડાં, જૂતા અને અન્ય જગ્યાએ છુપાવતાં દેખાય છે. આવા 70 જેવા કિસ્સા દેખાયા હતા. દાનચોરીમાં પ્રાથમિક દૃષ્ટિએ અવિનાશ શુક્લા, અનુકુલ મિશ્રા, લવ કુશ મિશ્રા, મનીષકુમાર યાદવ, કરુણેશ પાંડેય અને રામશંકર મિશ્રાની સંડોવણી જણાઈ છે. આ લોકોની પાસે આવક કરતાં વધુ સંપત્તિ જણાતા તે દિશામાં તપાસનો દોર લંબાવવામાં આવશે.
રોકડ દાન સિવાયની તમામ 2,926 ભેટ સલામતઃ ટ્રસ્ટ
દાનમાં અપાયેલી સોના-ચાંદી-હીરાની મૂલ્યવાન ચીજવસ્તુઓ ગુમ થયાના આરોપો પાયાવિહોણા હોવાનું જણાવતાં ટ્રસ્ટે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ભક્તો તરફથી મળેલી રોકડ સિવાયની 2,926 ભેટોને તારીખવાર સંપૂર્ણ વિગતો સાથે રજીસ્ટરમાં નોંધવામાં આવી છે અને આવી દરેક વસ્તુ સુરક્ષિત છે. ટ્રસ્ટ રેકોર્ડ અને દાનમાં આપેલી વસ્તુઓ વેરિફિકેશન ઈચ્છતા કોઈપણ વ્યક્તિને બતાવવા માટે તૈયાર છે.
મીટિંગ ટ્રસ્ટના ખજાનચી ગિરિ તથા અન્યોએ સુવર્ણ જડિત રામચરિત માનસ, રામ લલ્લાનો હાર, કાકભુશંડી મહારાજ, ચરણપાદુકા સહિતની કિંમતી વસ્તુઓ પત્રકાર પરિષદ દરમિયાન બતાવી હતી. મંદિર ટ્રસ્ટે જણાવ્યું હતું કે, ભક્તો દ્વારા દાનમાં આપવામાં આવેલી ચાંદીની વસ્તુઓને ભારત સરકારની ટંકશાળમાં ઓગાળીને લગડી બનાવવામાં આવી છે, જેના રેકોર્ડ, ફોટોગ્રાફ્સ, વજનની વિગતો અને શુદ્ધતાના પ્રમાણપત્રો સાચવી રાખવામાં આવ્યા છે. ભક્તો દ્વારા દાનમાં આપવામાં આવેલી કિંમતી વસ્તુઓ ગુમ થઈ હોવાના આરોપોનો જવાબ આપવા માટે ગિરીએ મીડિયા સમક્ષ રામ મંદિરની કસ્ટડીમાં રાખવામાં આવેલા ઘરેણાં અને અન્ય કિંમતી દાનમાં આવેલી વસ્તુઓ પ્રદર્શિત કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter