રામ મંદિરમાં દાનની ચોરી એક કલંક છેઃ નૃપેન્દ્ર મિશ્રા

Friday 17th July 2026 05:30 EDT
 
 

લખનઉ: અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ રામ મંદિર માટે દાનના નાણાકીય ગેરરીતિ પર દુ:ખ વ્યક્ત કર્યું છે. શનિવારે તેમણે કહ્યું કે તે એક કલંક છે અને દરેક વ્યક્તિ તેનાથી ખૂબ શરમ અનુભવે છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે સિસ્ટમમાં સુધારો થશે અને આવી ઘટનાઓ ફરીથી નહીં બને. દાનની ઉચાપત અંગે મિશ્રાએ કહ્યું કે આ ઘટના રામ મંદિર પર કલંક છે. અમે બધા ફક્ત આ માટે માફી માંગીએ છીએ પણ શરમ અને નિરાશા પણ અનુભવીએ છીએ. આ મંદિર વ્યવસ્થાપન સાથે સંબંધિત મામલો છે. સિસ્ટમમાં સુધારો થશે અને આવી ઘટનાઓ ફરીથી નહીં બને. તેમણે સ્પષ્ટતા કરી કે તપાસમાં દોષિત ઠરનારા કોઈપણને કાયદા હેઠળ કડક સજા કરવામાં આવશે.
તમામ આક્ષેપનો જવાબ આપીશઃ ચંપત રાય
રામ મંદિરમાં થયેલી દાન ચોરી મામલે આકરી ટીકા થયા બાદ ટ્રસ્ટના મુખ્ય કર્તાહર્તા તરીકે રાજીનામું આપનાર ચંપત રાયે દાવો કર્યો છે કે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (એસઆઇટી)નો અંતિમ રિપોર્ટ જાહેર થયા પછી તમામ આક્ષેપોનો મુદ્દાસર અને તથ્ય આધારિત જવાબ આપશે.
ચંપત રાયે એક પત્રમાં જણાવ્યું છે કે, ‘ગત 7 જૂન 2026થી શ્રી રામ જન્મભૂમિ મંદિર પરિસરના દાનપાત્રની ગણતરી સમયે થયેલી ચોરીના સંબંધમાં અનેક પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે. મારા પર વ્યક્તિગત રીતે અનેક પાયાવિહોણા આરોપો લગાવવામાં આવ્યા છે. મેં અત્યાર સુધી મૌન ધારણ કર્યું હતું’. તેમણે વધુમાં ઉમેર્યું કે, 6 જુલાઈના રોજ મળેલી મંદિર ટ્રસ્ટની બેઠકમાં ‘સીટ’નો પ્રાથમિક રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. જોકે તે ‘પરમ ગોપનીય’ હતો, છતાં હવે તે સાર્વજનિક થઈ ગયો છે. તેમણે પોતાના 45 વર્ષના પ્રચારક જીવનનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ‘ઓક્ટોબર 1991થી હું અયોધ્યામાં સંગઠન દ્વારા કાર્યરત છું. મારું સમગ્ર જીવન એક ખુલ્લી કિતાબ જેવું રહ્યું છે. મને વિશ્વાસ છે કે તપાસના અંતે સત્ય સૌની સામે આવશે.’
ચંપત રાયે રામ ભક્તોને અપીલ કરી છે કે તેઓ કોઈપણ અફવા કે અધૂરી માહિતી પર વિશ્વાસ ન કરે. તેમણે જણાવ્યું કે હાલમાં કોઈ પણ પ્રકારની બિનજરૂરી નિવેદનબાજી કરવાને બદલે સમગ્ર તપાસ પૂર્ણ થાય તેની રાહ જોવી યોગ્ય છે. તપાસ પૂર્ણ થયા બાદ ‘દૂધનું દૂધ અને પાણીનું પાણી’ થઈ જશે અને સમગ્ર સત્ય દેશ સામે આવશે.
મંદિરનું સંચાલન સીઇઓ સંભાળશે
અયોધ્યા રામ મંદિરમાં સૌપ્રથમ વખત કોર્પોરેટ કંપનીની જેમ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (સીઈઓ)ની પોસ્ટ ઊભી કરાશે. આ નવી પોસ્ટનો ઉદ્દેશ મંદિર પ્રણાલીને વધુ પારદર્શક, વ્યાવસાયિક અને જવાબદાર બનાવવાનો છે. આ અધિકારી વ્યવસ્થાપન, નાણાકીય વ્યવસ્થા, લગભગ 2500 કર્મચારીઓની દેખરેખ, ભક્ત સુવિધાઓ, સુરક્ષા, ભીડ નિયંત્રણ અને વહીવટી સંકલન માટે જવાબદાર રહેશે. 22 જુલાઈએ મળનારી બેઠકમાં સીઈઓના નામની જાહેરાત થઈ શકે છે. સીઈઓની પસંદગી માટે ત્રણ સભ્યોની સમિતિની રચના કરવામાં આવી છે.
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટમાં પ્રથમ વખત નિયુક્ત થનાર સીઈઓને મંદિરના વહીવટ અને નાણાકીય વ્યવસ્થાપનની વ્યાપક જવાબદારી સોંપવામાં આવશે. ટ્રસ્ટનો હેતુ મંદિરના સંચાલનને વ્યાવસાયિક અને જવાબદાર બનાવવાનો છે. આ માટે સીઈઓ હજારો કર્મચારીઓની દેખરેખ, ભક્તોની સુવિધાઓ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર જાળવવા સુધીની દરેક બાબતો માટે જવાબદાર રહેશે. સીઈઓની સૌથી મહત્વની જવાબદારી મંદિરમાં આવતા દાન અને પ્રસાદના સંચાલનને પારદર્શક બનાવવાની રહેશે.
સીઇઓ હોદ્દા માટે અરજીઓ પણ મંગાવવામાં આવી છે. આ નિમણૂક ત્રણ વર્ષના કાર્યકાળ માટે કરશે અને પરસ્પર વાટાઘાટો પછી પગાર નક્કી કરાશે. અરજદારો માટે પ્રાથમિક લાયકાત હિન્દુ હોવું જરૂરી છે. અરજદારો 18 જુલાઈ સુધી અરજી કરી શકે છે. 50થી 70 વર્ષની વય વચ્ચેની કોઈપણ વ્યક્તિ અરજી કરી શકે છે. અરજદારોને હિન્દી અને અંગ્રેજીનું સારું જ્ઞાન હોવું આવશ્યક છે. શ્રી રામ મંદિર ટ્રસ્ટ દ્વારા જારી સૂચનાના આધારે નિમણૂક થનારા સીઇઓનો પગાર અને લાભો વાટાઘાટો દ્વારા નક્કી કરાશે. નિમણૂક પછી તેમણે અયોધ્યામાં જ રહેવું પડશે. અરજદાર સક્રિય હિન્દુ અને ભગવાન રામનો ભક્ત, વૈષ્ણવ હોવો જોઈએ અને 20 વર્ષનો અનુભવ હોવો જોઈએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter