રામ મંદિરમાં રોજ એક લાખ ભક્તો દર્શનનો લાભ લેશે

Sunday 24th September 2023 09:02 EDT
 
 

અયોધ્યાઃ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને રામ મંદિરમાં દર્શન માટે રોજ લગભગ એક લાખ ભક્તોના આગમનનો અંદાજ છે. મંદિરના ઉદઘાટન પછી પ્રારંભિક તબક્કામાં ભક્તોની સંખ્યા ઘણી વધારે રહી શકે. જોકે, ત્યાર પછી પણ રોજના એક લાખ ભક્તો આવશે એવી ધારણા છે. ટ્રસ્ટે જણાવ્યું હતું કે, દર સેકંડે લગભગ ત્રણ ભક્ત રામલલાના દર્શનનો લાભ મેળવી શકશે. ટ્રસ્ટના મુખ્ય પદાધિકારીએ જણાવ્યું હતું કે, મંદિરને પ્રારંભિક તબક્કામાં રોજ આઠથી દસ કલાક ખુલ્લું રાખવા બાબતે સંમતિ સાધવામાં આવે તેવી શક્યતા છે. ભક્તોને ત્રણ- ચાર હરોળમાં રામલલાના દર્શનની તક મળશે. મંદિર 10 કલાક સુધી ખોલવામાં આવશે અને ભક્તોની સંખ્યા લગભગ એક લાખ રહેશે તો દર સેકંડ ત્રણ ભક્તને રામલલાના દર્શનનું સૌભાગ્ય મળશે. વિશેષ પ્રસંગોને બાદ કરતાં સામાન્ય દિવસોમાં હનુમાનગઢીમાં હનુમાનજીના દર્શન માટે સૌથી વધુ ભક્તો આવે છે. આ સંખ્યા લગભગ 25 હજાર જેટલી હોય છે. હનુમાન જયંતિ, દિવાળી - દશેરા અને નૂતન વર્ષ નિમિત્તે અહીં પહોંચનારા ભક્તોની સંખ્યા બમણાથી વધુ હોય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter