અયોધ્યાઃ રામલલાની પ્રાણપ્રતિષ્ઠા પછી રામનગરીમાં ઉત્સવ અને ધાર્મિક અનુષ્ઠાનનો દોર ચાલુ થશે. સરયૂ તટે 2121 કુંડી શ્રીરામ મહાયજ્ઞ યોજાશે. તેમાં શ્રીરામના વંશજ કહેવાતા 10,000 રઘુવંશી વિવિધ રાજયોમાંથી આવીને યજ્ઞમાં આહુતિ આપશે. આ આયોજનને ભવ્ય સ્વરૂપ આપવા માટે એક મહિનાથી સરયૂ તટે હવનકુંડ અને ટેન્ટ સિટી બની રહ્યા છે.
ઓગસ્ટ 2019માં શ્રીરામમંદિર કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટમાં પ્રશ્ન ઊઠ્યો હતો કે શ્રીરામના વંશજ ક્યાં છે? તે સમયે જયપુર રાજઘરાનાના રાજકુમારી દિયાકુમારી સહિત અનેક પક્ષકારોએ શ્રીરામના પુત્રો કુશ-લવની વંશાવલિ સાથે પોતે રામના વંશજ હોવાનો દાવો કર્યો હતો. આ હકીકત જાહેર થતાં રઘુવંશી સમાજ સાથે સંકળાયેલા મધ્ય પ્રદેશના કનકબિહારીદાસે અયોધ્યામાં શ્રીરામના વંશજોને એકજૂટ કરવા 9009 કુંડી યજ્ઞ કરવાની જાહેરાત કરી હતી.
મણિરામદાસ છાવણીના મહંત નૃત્યગોપાલદાસજીએ તેમને યજ્ઞ સમ્રાટની પદવીથી નવાજ્યા હતા. આ સંકલ્પ દેશના સાત રાજ્યોમાં પહોંચ્યો, એટલામાં કનકબિહારીદાસનું અવસાન થયું. હવે તેમના શિષ્યોએ આ સંકલ્પ પૂરો કરવાનું બીડું ઉપાડયું છે. મધ્ય પ્રદેશના અખંડ રઘુવંશી સમાજ કલ્યાણ મહાપરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ હરિશંકરસિંહ રઘુવંશીએ જણાવ્યું હતું કે સરયૂ તટે 10થી 18 ફેબ્રુઆરી દરમિયાન 2121 કુંડી યજ્ઞ યોજાશે.


