અહિંસાના અનોખા માર્ગે દેશભરની જનતાને એક કરી ભારતને આઝાદી અપાવનાર ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને તેમના જન્મ દિને પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન ભારતીય હાઇ કમિશન, લંડન અને ઇન્ડિયા લિગ દ્વારા કરવામાં આવ્યું છે. ટેવિસ્ટોક સ્કવેર ગાર્ડન્સ, બ્લુમ્સબરી, કેમડન, લંડન WC1H 9EU ખાતે તા. ૨ ઓક્ટોબર ૨૦૧૭ સોમવારના દિવસે રોજ સવારે ૧૦ કલાકે મહાત્મા ગાંધીજીને શ્રધ્ધાસુમન અર્પણ કરવામાં આવશે.
આ પ્રસંગે ભારતના હાઇકમિશ્નર યશવર્ધન સિન્હા અને ઇન્ડિયા લિગના ચેરમેન શ્રી સીબી પટેલ પ્રાસંગિક પ્રવચન કરશે. આ પ્રસંગે કેમડનના મેયર, અન્ય અધિકારીઓ, વિવિધ સંસ્થાઓના અગ્રણીઓ ઉપસ્થિત રહીને ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરશે. કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા વિવિધ સંસ્થાઓના અગ્રણીઓ અને જાહેર જનતાને નિમંત્રણ છે.