લંડનમાં ઈમિગ્રેશન સ્ટેટસ વિના જ રહેતા ૧૦૦,૦૦૦થી વધુ બાળકો

Wednesday 22nd January 2020 02:52 EST
 
 

લંડનઃ ચોંકાવનારા નવા અભ્યાસમાં દેશની રાજધાની લંડનમાં ૧૦૦,૦૦૦થી વધુ બાળકો સુરક્ષિત ઈમિગ્રેશન સ્ટેટસ વિના વસવાટ કરતા હોવાનું બહાર આવ્યું છે. અભ્યાસ એમ પણ કહે છે કે યુકેના દસ્તાવેજ નહિ ધરાવતા અંદાજિત ૬૭૪,૦૦૦ વયસ્કો અને બાળકોમાંથી અડધોઅડધ લંડનમાં રહે છે. અન્ય હકીકત એ છે કે સુરક્ષિત ઈમિગ્રેશન સ્ટેટસ વિનાના અડધાથી વધુ બાળકોનો જન્મ યુકેમાં થયેલો છે. વુલ્વરહેમ્પ્ટન યુનિવર્સિટી દ્વારા કરાયેલા અભ્યાસના તારણોને લંડનના મેયર સાદિક થાને ‘રાષ્ટ્રીય શરમ’ ગણાવ્યા છે. જોકે, હોમ ઓફિસે આંકડાને નકારી કાઢ્યા છે.

દસ્તાવેજી નોંધણી ન થઈ હોય તેવા બાળકોને ઉચ્ચ શિક્ષણ, હેલ્થ કેર, બેન્કખાતું ખોલાવવું, ડ્રાઈવિંગ લાયસન્સ મેળવવાની અરજી, હાઉસિંગ અને નોકરી સહિતની સુવિધાઓમાં સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. અભ્યાસના તારણો જણાવે છે કે લંડનમાં નોંધણી નહિ કરાયેલા ૧૦૭,૦૦૦ બાળકો અને ૧૮-૨૪ વયજૂથના ૨૬,૦૦૦ વયસ્કો રહે છે. આવા બાળકો ૧૮ વર્ષના થાય ત્યારે તેમણે કદી મુલાકાત ન લીધી હોય તેવા દેશમાં હદપાર કરાવાનું જોખમ પણ ધરાવે છે.

દસ્તાવેજો નહિ ધરાવતા લોકોમાં યુકેમાં યોગ્ય દસ્તાવેજો સાથે આવેલા પરંતુ, તેમની રહેવાની મુદથી વધુ સમય રોકાયેલા, યોગ્ય દસ્તાવેજો વિના જ દેશમાં પ્રવેશેલા, માનવતસ્કરીનો શિકાર બાળકો, વયસ્ક થયા પછી રહેવાની કામચલાઉ પરવાનગી પાછી ખેંચી લેવાઈ હોય તેવા સગીર તેમજ દસ્તાવેજો વિનાના પેરન્ટ્સના સંતાનોનો સમાવેશ થાય છે.

અભ્યાસમાં જણાવાયું છે કે માર્ચ ૨૦૧૧થી માર્ચ ૨૦૧૭ના ગાળામાં દસ્તાવેજો વિનાના માઈગ્રન્ટ બાળકોની વસ્તીમાં ૫૬ ટકાનો વધારો થયો છે. યુકેમાં દસ્તાવેજો વિના અંદાજે ૬૭૪,૦૦૦ લોકો વસે છે. યુકેમાં અંદાજે ૩૫૦,૦૦૦ યુવાન યુરોપિયન નાગરિકોને બ્રેક્ઝિટ પછી યુકેમાં રહેવાની છૂટ મળી તે માટે ઈયુ સેટલમેન્ટ સ્કીમ હેઠળ અરજી કરવામાં મદદ ન મળે તો દસ્તાવેજો વિનાના લોકોની સંખ્યામાં અભૂતપૂર્વ વધારો થઈ જશે. ઉલ્લેખનીય છે કે ૨૦૧૨ પછી યુકેમાં દસ્તાવેજો વિનાના બાળકો સાથેના પરિવારોમાંથી માત્ર ૧૦ ટકાએ તેમના ઈમિગ્રેશન દરજ્જાને સુરક્ષિત બનાવવા અરજી કરી છે. તાજેતરમાં જ હાઈ કોર્ટે બાળકોને બ્રિટિશ નાગરિક તરીકે રજિસ્ટર કરાવવાની ૧,૦૧૨ પાઉન્ડની સરકારી ફીને ગેરકાયદે ઠરાવી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter