જન્મ: તા.૨૧-૨-૧૯૪૨ સ્વર્ગવાસ : તા.૧૬-૧-૨૦૨૧
"દેવદયા ચેરિટેબલ ટ્રસ્ટ"જેમના જીવનનો પર્યાય બની ગયો હતો એના સ્થાપક શ્રી રમણિકભાઇ મહેતાએ શનિવાર તા.૧૬ જાન્યુઆરી ૨૦૨૧ની વહેલી સવારે જીવનલીલા સંકેલી લીધાના સમાચાર વાયુવેગે પ્રસરતાં એમના મિત્રવર્તુળ અને ચાહકોએ ભારે આઘાતની લાગણી અનુભવી. એમના મિત્ર અને ઉદાર દાતા વેમેડ પરિવારના શ્રી વિજયાઇ પટેલ જેમને રામ-સીતાની જોડી કહે છે એવા ભાનુબહેનના જીવનમાંથી રમણિકભાઇની અણધારી એક્ઝીટે એ જોડી નંદવાઇ ગઇ. શું જેની અહીં જરૂર છે એને પોતાના શરણોમાં લઇ જવાની ભગવાનને આટલી ઉતાવળ કેમ? એ સવાલ આપણને સૌને મૂંઝવે.
‘જ્યોતસે જ્યોત જગાતે ચલો, પ્રેમકી ગંગા બહાતે ચલો...’ને જીવનમંત્ર બનાવી દીન-દુ:ખીયા અને ચક્ષુવિહિનોને આંખની રોશની પ્રદાન કરવાનો ભેખ ધરવા વહેલા નિવૃત્તિ સ્વીકારી ભગીરથ યજ્ઞ આદરનાર રમણિકભાઇ આપણી વચ્ચે નથી પરંતુ આ ભગીરથ યજ્ઞની યશગાથાનું એ મોરપીચ્છ છે. એન.આર.દોશી આઇ હોસ્પીટલને પુનર્જીવિત કરનાર રમણિકભાઇ વાંકાનેરના 'ભાઇજી’ તરીકે સૌના હૃદય જીતી અમર બની ગયા. પિતાશ્રી મોતીચંદ ત્રિભોવન મહેતા અને માતુશ્રી દયાબેનના આ સપૂતે માતા-પિતાનું નામ ઉજાળ્યું છે.
રાજકોટ નજીક આવેલ આ નાનકડા ગામ વાંકાનેરને વિશ્વ વિખ્યાત બનાવવામાં દેવદયા ટ્રસ્ટના સ્થાપક ડો. રમણિક મહેતા અને ડો.ભાનુબેન મહેતાનું અનુદાન નોંધપાત્ર છે. તેઓ પાંચ દાયકા કરતા વધુ સમયથી યુ.કે.ની ભૂમિ પર વસતા હોવા છતાં દેશ બાંધવોના દુ:ખ-દર્દનું નિવારણ લાવવા પોતાનાથી બનતું કરી છૂટવા કટિબધ્ધ બન્યા છે. સુવિધાથી વંચિત દેશબાંધવો પરત્વેનો એમનો પ્રેમ, એમના હૃદયમાં વહેતું મૈત્રીભાવ અને કરૂણાનું ઝરણું, વહીવટી કુશળતા અને હિસાબ-કિતાબની પારદર્શકતા, યજમાન બની સૌના દિલ જીતવાની કળા ….વગેરે વગર માગ્યે એમની દાનની ઝોળી છલકાવી દે છે.
‘અમારી માતાએ અમને ઉછેરવામાં ઘણો સંઘર્ષ વેઠયો હતો. અમારી માની શીખામણ હતી કે, બેટા સેવા દિલથી કરજો. આ હોસ્પીટલમાં ઉત્તમ સારવાર દરેકને મળવી જોઇએ. દરેક વ્યક્તિના માન-સમ્માન જળવાવા જોઇએ..’ માની આ શીખામણનું અમે પાલન કરી રહ્યા છીએ. અમારે ત્યાં કેશ કાઉન્ટર જ રાખ્યું નથી. અમારે ત્યાં બધી જ સારવાર વિના મૂલ્યે અપાય છે.’ એમ શ્રી રમણિકભાઇએ એમના જાન્યુઆરી ૨૦૨૦ના મેગા આઇ કેમ્પના ઉદ્ઘાટન સંબોધનમાં જણાવ્યું હતું.
એ સાથે જાહેરાત કરી હતી કે હવે આગામી વર્ષે આ પ્રોજેક્ટની ધૂરા એમનો દિકરો દેવેશ અને રાજકોટના યુવા રોટેરીયન રાજેશ કોઠારી સંભાળશે. એનું દોરી સંચાલન કરવામાં ભાનુબહેનને ઇશ્વર શક્તિ બક્ષે અને આ આઘાત જીરવવાની એમને તથા પરિવારને હિંમત અર્પે એવી ‘ગુજરાત સમાચાર’ પરિવારની અભ્યર્થના.
સંપર્ક: 01277 219 265


