લંડનઃ ભારત સરકારના માય ભારત, યુવા બાબતો અને રમત મંત્રાલયના ઉપક્રમે લંડનસ્થિત ભારતીય હાઈ કમિશન અને લંડનના હેરો બરોની ભારતીય કોમ્યુનિટીએ સંયુક્તપણે 28 સપ્ટેમ્બર 2025ના દિવસે વિકસિત ભારત દોડ 2025નું આયોજન કર્યું હતું. ભારતીય ડાયસ્પોરા, સ્થાનિક સમુદાયો, વિદ્યાર્થીઓ, પ્રોફેશનલ્સ અને ભારતના મિત્રોએ ઉત્સાહપૂર્વક આ દોડમાં ભાગ લીધો હતો. આ દોડ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, આરોગ્યસંભાળ, ટેકનોલોજી, શિક્ષણ અને સસ્ટેનિબિલિટી સહિતનાં ક્ષેત્રોમાં હાંસલ કરેલા પરિવર્તનીય વિકાસની ઊજવણી કરવા વિકસિત ભારતના ‘સેવા પખવાડા’ (17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર)ના ભાગરૂપે યોજાઈ હતી.
હેરોના મેયર કાઉન્સિલર અંજનાબહેન પટેલનાં મુખ્ય મહેમાનપદે વિશિષ્ટ દ્વિપક્ષી સંબંધો તેમજ ભારતની વિકાસગાથા વિશ્વ સાથે સાંકળવાના આ ઈવેન્ટમાં બ્રેન્ટ બરોથી કાઉન્સિલર વિપિનભાઈ મિઠાણી, કાઉન્સિલર કાન્તિભાઈ રાબડીઆ, કાઉન્સિલર જયંતિભાઈ પટેલ, હેરોના સાંસદ બોબ બ્લેકમેન પણ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત લોકો સમક્ષ સંબોધન કરતા યુકેસ્થિત ભારતીય હાઈ કમિશનર વિક્રમ દોરાઈસ્વામીએ તમામ કોમ્યુનિટીઓ વચ્ચેની સાંકળ મજબૂત કરવામાં સામૂહિક કાર્ય અને સેવા, સામુદાયિક સંવાદિતા તેમજ વિકસિત ભારત અને આત્મનિર્ભર ભારતના પ્રતીકરૂપે વિકસિત ભારત દોડનું મહત્ત્વ ઉજાગર કર્યું હતું.
‘રન ટુ સર્વ ધ નેશન’ થીમ હેઠળ દોડમાં ભાગ લેનારાઓ એકતા અને રાષ્ટ્રીય ગૌરવના શક્તિશાળી પ્રતીકમાં ફેરવાયેલી 2 માઈલથી વધુ અંતરની દોડ માટે એકત્ર થયા હતા. મહારાષ્ટ્ર, ગુજરાત અને આસામ રાજ્યો સાથે સંકળાયેલા કોમ્યુનિટી સભ્યોએ સાંસ્કૃતિક પરફોર્મન્સીસ રજૂ કર્યા હતા. આશરે 200થી વધુ પાર્ટિસિપેન્ટ્સ અને વોલન્ટીઅર્સે આ ઈવેન્ટને ભારે સફળ બનાવવાની ભાગીદારી કરી હતી. ફિટનેસ પ્રવૃત્તિથી વિશેષ આ ઈવેન્ટમાં સેવાભાવના આદર્શો તેમજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારત@2047ના વિઝન તથા વિકાસ, ઈનોવેશન અને વૈશ્વિક નેતૃત્વની સહભાગી આકાંક્ષાનો પડઘો પડ્યો હતો. હાઈ કમિશનરની રાહબરી હેઠળ વિકસિત ભારત અને આત્મનિર્ભર ભારતની સામૂહિક પ્રતિજ્ઞા લેવાઈ હતી જે આ ઈવેન્ટની મહત્ત્વની પળ હતી, જેમાં પાર્ટિસિપેન્ટ્સે 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનવા તરફની ભારતની યાત્રા તેમજ વિશ્વકલ્યાણ માટે સમૃદ્ધ વિરાસત, સંસ્કૃતિ અને પરંપરાઓને આગળ વધારવામાં સહભાગી થવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
વિકસિત ભારત દોડ થકી લંડનમાં ભારતીય ડાયસ્પોરાને વિશ્વના ભારતીયો સાથે નિકટ આવવાનું પ્લેટફોર્મ મળ્યું હતું. વિકસિત ભારત દોડ એકતા, મક્કમતા, સ્થિતિસ્થાપકતા અને સહભાગી ઉત્તરદાયિત્વનો મજબૂત સંદેશો પાઠવે છે. એક સાથે 150થી વધુ આંતરરાષ્ટ્રીય સ્થળોએ યોજાએલો આ ઈવેન્ટ સેવા, ફિટનેસ અને સસ્ટેનિબિલિટીની વૈશ્વિક ઊજવણી સમાન બની રહ્યો હતો.