વિક્રમ સંવત ૨૦૭૮માં લગ્ન માટે માત્ર ૫૩ શુભ મુહૂર્ત

Saturday 20th November 2021 05:55 EST
 
 

અમદાવાદ: વિક્રમ સંવત ૨૦૭૮નો પ્રારંભ થઇ ગયો છે. અને હવે ૧૪ નવેમ્બરના રોજ ચાતુર્માસ પૂર્ણ થતાં જ લગ્નસરાની મોસમ જામી છે. વિક્રમ સંવત ૨૦૭૮માં લગ્ન માટેના કુલ ૫૩ શુભ મુહૂર્ત છે. દેવપોઢી એકાદશીથી દેવઉઠી એકાદશી સુધીના ચાર માસના સમયગાળા દરમિયાન લગ્નપ્રસંગ સહિતના માંગલિક આયોજનો પર બ્રેક લાગી જતી હોય છે. આ ચાર મહિનાના સમયગાળાને હિંદુ ચાતુર્માસ પણ કહેવામાં આવે છે.
હિંદુ ચાતુર્માસ પૂર્ણ થતાં લગ્નનું સૌપ્રથમ શુભ મુહૂર્ત સોમવાર - ૧૫ નવેમ્બરના રોજ હતું. વર્ષ ૨૦૨૨માં ૧૫ જાન્યુઆરીથી ૧૪ જુલાઇ સુધી લગ્ન માટે માત્ર ૪૦ મુહૂર્ત રહેશે. ૧૪ જુલાઇ બાદ માત્ર નવેમ્બર-૨૦૨૨માં જ લગ્નના શુભ મુહૂર્ત આવશે. આ સિવાય ૨૦૨૧ના વર્ષ દરમિયાન નવેમ્બરમાં ૭ અને ડિસેમ્બરમાં ૬ દિવસ લગ્નના શુભ મુહૂર્ત છે.
કોરોનાના કેસમાં ઘટાડો થતાં આ વખતે લગ્ન સમારોહમાં ૪૦૦ મહેમાનોની મર્યાદા સાથે પરવાનગી આપવામાં આવી છે. કોરોના મહામારીએ પગપેસારો કર્યા બાદ લગ્ન સમારોહમાં આટલી મોટી સંખ્યામાં અતિથિ ઉપસ્થિત રહે તેવું પ્રથમવાર બનશે. આ છૂટછાટના કારણે રાજ્યભરમાં જાન્યુઆરી સુધી પાર્ટીપ્લોટ અને મેરેજ હોલ હાઉસફૂલ થઇ ગયા છે.
વિ.સ. ૨૦૭૮માં લગ્નના મુહૂર્ત પર એક નજર ફેરવીએ તો,
• નવેમ્બર: તા. ૧૫, ૧૬, ૨૦, ૨૧, ૨૮, ૨૯, ૩૦
• ડિસેમ્બર: તા. ૧, ૨, ૬, ૭, ૧૧, ૧૩
• જાન્યુઆરી ૨૦૨૨: તા. ૧૫, ૨૦, ૨૧, ૨૨, ૨૩, ૨૫, ૨૬, ૨૭, ૨૮, ૨૯
• ફેબ્રુઆરી: તા. ૫, ૬, ૯, ૧૦, ૧૧, ૧૬, ૧૭, ૧૯
• માર્ચ: તા. ૪, ૮, ૨૦
• એપ્રિલ: તા. ૧૪, ૧૭, ૨૧, ૨૨
• મે: તા. ૧૧, ૧૨, ૧૮, ૨૦, ૨૫
• જૂન: તા. ૧૦, ૧૨, ૧૫, ૧૬
• જુલાઈ: તા. ૩, ૬, ૮, ૧૦, ૧૧ અને ૧૪


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter