વીમાના લાખો પાઉન્ડના ખોટા ક્લેમ કરનારી ગેંગ જેલભેગી

Tuesday 20th November 2018 05:54 EST
 

લંડનઃ વીમાના ખોટા ક્લેમ કરીને લગભગ એક મિલિયન પાઉન્ડ મેળવનારી પાંચ લોકોની ગેંગને ૧૪ વર્ષની જેલની સજા કરાઈ હતી. તેમણે પાણીની મેઈન લાઈનમાં ભંગાણને લીધે રેસ્ટોરન્ટમાં પાણી ભરાઈ જતા ભારે નુક્સાન થયું હોવાનું જણાવ્યું હતું. ૨૦૧૨ અને ૨૦૧૬ વચ્ચે તેમણે દેશમાં લીઝ પર લીધેલી કોમર્શિયલ પ્રોપર્ટી માટે કુલ ૯૪૪,૨૦૬ પાઉન્ડના ૧૫ ખોટા ક્લેમ કર્યા હતા અને તેમાં તેઓ સફળ રહ્યા હતા.

પાણીની પાઈપોમાં તોડફોડ કરીને તેઓ હજારો પાઉન્ડના ક્લેમ એમ કહીને કરતા કે પાણી ભરાઈ જવાથી બિઝનેસ બંધ રાખવાને લીધે આવકમાં નુક્સાન ગયું હતું. પરંતુ, હકીકતે તો તેમની કોઈ પ્રોપર્ટીમાં કામકાજ થયું જ ન હતું. તેમણે લિંકનશાયરમાં તેમનો એક બાર ચાલુ હોવાનો દાવો કર્યો હતો. જોકે, તેને આલ્કોહોલનું લાયસન્સ ન હતું અને ક્લેમના સમયે તે કાર્યરત ન હોવાનું તપાસકારોને જણાતા તેઓ ઝડપાઈ ગયા હતા.

લંડનના રાશિફ ભટ્ટી (૩૫) , રેમોન કર્ટી (૩૬) , નીરોન હ્યુજીસ(૩૫) અને ટાર્કિન ઓર્ગીલ (૩૪)ને છેતરપિંડી અને મની લોન્ડરિંગમાં ગુનેગાર ઠરતા તેમને કુલ ૧૪ વર્ષની જેલ થઈ હતી. ૩૦ વર્ષીય જુરેલ હેલ્સને બે વર્ષ માટે સસ્પેન્ડેડ ૨૦ મહિનાની સજા થઈ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter