લંડનઃ વેસ્ટ મિડલેન્ડ્સના ટિપ્ટનની સમરહિલ પ્રાઈમરી સ્કૂલે તેના આઠ વર્ષના શીખ વિદ્યાર્થી કાઈડેનસિંહને હાથમાં ચાંદીનું કડું પહેરવા પર પ્રતિબંધ લગાવ્યો છે. શાળાએ પોતાની યુનિફોર્મ પોલિસીના આધારે શીખ વિદ્યાર્થીના ધાર્મિક પ્રતીકને જ્વેલરી આઈટમ ગણાવ્યું છે. કાઈડેનના પિતા સન્નીએ આ પ્રતિબંધને ભેદભાવ ગણાવી તેની સામે લડત આપવાની પ્રતિજ્ઞા લીધી છે.
બીજી તરફ, સમરહિલ પ્રાઈમરી સ્કૂલે જણાવ્યું હતું કે વિદ્યાર્થીના પેરન્ટ્સે શાળાની યુનિફોર્મ પોલિસીનો સ્વીકાર કરતા એગ્રીમેન્ટ પર સહી કરેલી છે. જ્યારે કાઈડેનના પિતાએ કહ્યું હતું કે હેરકટ્સ અને જ્વેલરી સહિતની બાબતો પર શાળાની યુનિફોર્મ પોલિસી હોય તે સમજી શકાય છે પરંતુ, હાથમાં પહેરેલું કડું ફેશન કે જ્વેલરી નહિ, ધાર્મિક પ્રતીક છે અને દરેક શીખ તે પહેરે છે. શાળાની પોલિસીમાં કોઈ જગ્યાએ લખ્યું નથી કે ધાર્મિક પ્રતીક ધારણ કરી નહિ શકાય. તેઓ મારા નિર્દોષ બાળકને અલગ બેસાડવાનું કહી ધમકાવે છે.
કાયદાએ શીખ લોકોને તલવાર રાખવાની પણ પરવાનગી આપેલી છે તો મારો પુત્ર નિર્દોષ કડું શા માટે પહેરી શકે નહિ?, તેવો પ્રશ્ન બિઝનેસમેન પિતાએ કર્યો હતો.


