લંડનઃ ઓપરેશન બાદ વાંકા થઈ ગયેલા નાક માટે કોસ્મેટિક સર્જન શૈલેશ વડોદરિયા સામે કરેલો ૩૫,૦૦૦ પાઉન્ડનો વળતરનો કેસ ૨૭ વર્ષીય મિજિન ઝહિર હારી ગઈ છે. સર્જને કામગીરીમાં કોઈ બેદરકારી દાખવી ન હતી તેવા હાઈકોર્ટના જસ્ટિસ ગાર્નહામના ચુકાદાથી વળતરનો કેસ જીતવાની ઝહિરની આશાને ઝટકો લાગ્યો હતો.
નોર્થ લંડનના કોલિનડેલમાં રહેતી મિજિન ૨૦૧૦માં હાર્લી સ્ટ્રીટના સ્પેશિયાલિસ્ટ વડોદરિયા પાસે તેનું નાક સુડોળ કરાવવા ગઈ હતી. જોકે, જુલાઈ, ૨૦૧૦માં ઓપરેશન બાદ તે ભાનમાં આવી ત્યારે પોતાનું નાક જોઈને ખૂબ ગભરાઈ ગઈ હતી. તેણે દાવો કર્યો હતો કે આ ખરાબ અનુભવે તેના જીવન પર ઘેરી અસર છોડી છે. વડોદરિયાએ જૂન, ૨૦૧૧માં કરેલી રિવિઝન સર્જરી બાદ પણ તેને ખૂબ અસંતોષ રહ્યો હતો.
જસ્ટિસ ગાર્નહામ એ વાતે પણ સંમત થયા હતા કે તેનું નાક થોડુંક વાંકુ થઈ ગયું હતુ અને તેના જમણા નસકોરામાં ગાંઠ થઈ ગઈ હતી. પરંતુ, સર્જને તેને ઓપરેશનની મર્યાદા વિશે ઝીણવટપૂર્વક સમજાવી પરિણામ અપેક્ષા મુજબ ન પણ આવે એમ પણ કહ્યું હતું. આક્ષેપોમાંથી સર્જનને મુક્ત કરતા જસ્ટિસે જણાવ્યું હતું કે વડોદરિયાની બેદરકારીને લીધે ગાંઠ થઈ ન હતી.