લંડનઃ ઈંગ્લેન્ડમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ સહિત જાહેર સ્થળોએ ચહેરાને ઢાંકવાનું વલણ સખત બનાવતા સરકારે સુપરમાર્કેટ્સ અને દુકાનોમાં ગુરુવાર, ૨૩ જુલાઈથી ફરજિયાત માસ્ક પહેરવાની સૂચના આપી છે જેની, સામે લોકોમાં ભારે આક્રોશ ફેલાયો છે. સેંકડો માસ્કવિરોધી દેખાવકારો ૧૯ જુલાઈ રવિવારે સેન્ટ્રલ લંડનના હાઈડ પાર્કમાં ઉમટ્યા હતા. દેખાવોમાં ‘આઈ વિલ નોટ બી માસ્ક્ડ, ટેસ્ટેડ, ટ્રેક્ડ ઓર પોઈઝન્ડ’ તેમજ ‘સેવ હ્યુમન રાઈટ્સ’ પ્લેકાર્ડ્સ ધ્યાન ખેંચતાં હતાં.
રવિવારે ‘કીપ બ્રિટન ફ્રી’ માર્ચ માટે સેંકડો લોકો ફરજિયાત માસ્ક પહેરવા સામે વિરોધ પ્રદર્શિત કરવા બપોરે એક વાગ્યે સેન્ટ્રલ લંડનના હાઈડ પાર્કમાં એકત્ર થયા હતા. આ ચળવળ એસેક્સમાં જન્મેલા અને ૨૦૦ મિલિયન જેટલી સંપત્તિ ધરાવતા એવિયેશન ટાઈકૂન સિમોન ડોલાને શરુ કરી છે. ડોલાને આ મહિનાના આરંભે સરકારના લોકડાઉન નિયમો દૂર કરવા હાઈ કોર્ટમાં કાર્યવાહી કરી હતી જેને ફગાવી દેવાઈ હતી. તેઓ કહે છે કે સરકારની કામગીરી અર્થતંત્રને તોડી રહી છે, બાળકોને શિક્ષણનો ઈનકાર કરે છેઅને માનવ અધિકારોને કચડી રહી છે.
એક દેખાવકારે પ્લેગના ડોક્ટરનો વેશ ધારણ કર્યો હતો તો બીજાએ ‘સેવ હ્યુમન રાઈટ્સ. નો ટુ 5G. નો ટુ વેક્સિનેશન્સ’ લખેલી બંડી પહેરી હતી. આ કૂચ સ્પીકર્સ કોર્નરથી શરુ થઈ માર્બલ આર્ક સુધી ફેલાયેલી હતી. સરકારે જાહેર સ્તળોએ ચહેરો ઢાંકવાનું વલણ મજબૂત બનાવ્યું છે. પેસેન્જરોએ ૧૫ જૂનથી પબ્લિક ટ્રાન્સપોર્ટમાં માસ્કનો ઉપયોગ કરવો પડે છે હવે ૨૪ જુલાઈથી ઈંગ્લેન્ડમાં સુપરમાર્કેટ્સ અને દુકાનોમાં ફેસ માસ્ક ફરજિયાત બનાવાયો છે. નિયમભંગ કરનારને ૧૦૦ પાઉન્ડનો દંડ થઈ શકે છે. જો ૧૫ દિવસમાં દંડની ચૂકવણી થાય તો ૫૦ પાઉન્ડ ચૂકવવાના રહેશે.