શ્રદ્ધાંજલિઃ જનાર્દનભાઈ પરમધામના અનંત પ્રવાસે

Wednesday 27th May 2020 07:22 EDT
 
 

રવિવાર, ૧૭ મે ૨૦૨૦નો એ દિવસ, જનાર્દનભાઈ બાબુભાઈ પટેલ (ભાદરણ) ફુલહામસ્થિત તેમના નિવાસે બપોરની આરામનિદ્રામાંથી જાગ્યા, તેમણે સાંજના ૭ વાગ્યાની આરતીના દર્શન કર્યા અને સ્નાન કર્યુ. આ પછી કાર્ડિયાક એરેસ્ટના અચાનક હુમલાએ તેમના પ્રાણ હરી લીધા અને તેઓ પરમધામના અનંત પ્રવાસે ચાલી નીકળ્યા.
જનુભાઈ તેમના જીવનનો પ્રત્યેક દિવસ સંપૂર્ણપણે મસ્તીમાં જીવ્યા હતા. તેઓ દરરોજ બે કલાક યોગાભ્યાસ કરતા, શુધ્ધ શાકાહારી ભોજન લેતા અને નિયમિત કસરત કરતા હતા. જીવનના ૭૨મા વર્ષે તેઓ સંપૂર્ણ સ્વસ્થ, તંદુરસ્ત અને સક્રિય હતા. તેમને કોઈ વ્યસન ન હતું અને ડાયાબિટીસ હોવાથી પૂરતી કાળજી પણ લેતા હતા. તેમનામાં અખૂટ સાહસિકતા હતી અને માનતા કે કશું જ અશક્ય નથી. તેમણે પોતાનો નિવૃત્તિકાળ સખાવતી-ચેરિટેબલ કાર્યો અને પ્રોજેક્ટ્સ થકી અન્યોને મદદરુપ બનવાના ઉદ્દેશ સાથે વીતાવવાનું પસંદ કર્યું હતું.
 સી. બી. પટેલના સૌથી નાના ભાઈ, જનાર્દનભાઈનો જન્મ ૧૯૪૭ની ૨૫મી સપ્ટેમ્બરે કરનાળીમાં થયો હતો. ચાંદોદ કરનાળીમાં પ્રસિદ્ધ કુબેર ભંડારી મહાદેવનું મંદિર છે. તેઓ કરનાળીમાં રહેતા હતા તે સમયગાળામાં તેમના શિવભક્ત પિતા બાબુભાઈએ તેમના જીવનના અંતિમ દિવસો વીતાવ્યા હતા.
જનાર્દનભાઈનું બાળપણ કરનાળીમાં વીત્યું હતું અને તેમની યુવાનવયે તેમનો પરિવાર વડોદરા સ્થાયી થયો હતો. જનુભાઈ ૨૮ વર્ષની વયે વધુ શિક્ષણ લેવા સ્ટોકહોમ પહોંચ્યા હતા. તેમણે ૧૯૭૬માં યુકેના જ ઈન્દુબહેન (વસો) સાથે લગ્ન કર્યા અને તે પછીના વર્ષે જે.બી.એ લંડન સ્થળાંતર કરીને સફળ ભવિષ્યના બીજનું વાવેતર કર્યું હતું. શરુઆતમાં તેમણે મોટાભાઈ સી.બી.ના બિઝનેસ એન્ટરપ્રાઈઝીસમાં મદદની કામગીરી બજાવ્યા પછી તેમણે ૧૯૮૩માં ફુલહામમાં એક દુકાન સાથે પોતાના સાહસનો આગવો આરંભ કર્યો હતો. પતિ અને પત્ની બંનેએ તેમની દિકરીઓ સ્વાતિ અને દિપાલીના ભવિષ્યને ઉન્નત બનાવવા અથાક મહેનત કરી હતી અને સાહસના પ્રથમ ૧૫ વર્ષમાં તેમણે એક પણ દિવસ રજા પાળી ન હતી.
સ્થાનિક કોમ્યુનિટીના અડીખમ સ્તંભ બની રહેવાના ૩૫ વર્ષ પછી જનુભાઈ નિવૃત્ત થયા અને તેમની અથાક-અથાગ મહેનતના વાવેતરનું સારું વળતર પણ હાંસલ કર્યું. જનુભાઈએ તેમની પત્નીનાં સંપૂર્ણ સમર્થન સાથે કેટલાક સખાવતી કાર્યો થકી સમાજના ઋણને પરત વાળવાનો મક્કમ નિર્ધાર કર્યો હતો. થોડાં વર્ષ અગાઉ, તેમણે પોતાના માનીતા કરનાળીમાં સ્વચ્છ જળની સુવિધા ઉભી કરી હતી જેથી, સ્થાનિક શાળાના બાળકો અને ગ્રામવાસીઓને તાજા પીવાનાં પાણીની સવલત મળી રહે. જનુભાઈએ નિવૃત્ત થયા પછી, વૃદ્ધજનો માટે સંપૂર્ણ ભંડોળ સાથેના વૃદ્ધાશ્રમના નિર્માણનું કાર્ય કરવાના વર્ષો જુના સ્વપ્નને સાકાર કરવાનું આયોજન શરુ કર્યું હતું. આ માટે તેમણે પોતાના જન્મસ્થળ કરનાળીમાં ૫૦ રુમના નિવાસ માટે ૨૦૧૯માં જમીન ખરીદી હતી.
શિવભક્ત જનાર્દનભાઈ અને તેમના પત્ની ઈન્દુબહેને ૨૦૨૦ની મહાશિવરાત્રિના પરમ પવિત્ર દિવસે વૃદ્ધાશ્રમ માટે ભૂમિપૂજન પણ કર્યું હતું. આ પ્રસંગે તેમના મોટા ભાઈ સી.બી. પટેલ અને પુષ્પાભાભી, તેમના દિવંગત ભાઈ વિષ્ણુભાઈના પત્ની અનિલાબહેન અને તેમનો પરિવાર તેમજ જનુભાઈના એકમાત્ર બહેન કલ્પના બહેન અને બનેવી સુભાષભાઈ ઉપસ્થિત રહ્યાં હતાં.
જનુભાઈ અને ઈન્દુબહેન માર્ચ મહિનાના આરંભે યુકે પરત આવ્યાં હતાં. તેમના આખરી બે મહિના પુત્રીઓ સ્વાતિ અને દિપાલી, જમાઈઓ રોબકુમાર અને ચિરાગકુમાર, દોહિત્રીઓ ઈશા, માહી, માએયા અને નિધિ સાથે વીતાવી સુખદ સ્મૃતિઓ ઉભી કરી છે. જનુભાઈને તેમના મનપસંદ સમુદ્રતટ અથવા તે દીકરીઓના ગાર્ડનમાં બેસીને સૂર્યસ્નાન અને ચીપ્સ ખાઈને ફુરસદનો સમય ગાળવાનું ખાસ ગમતું હતું.
તેમના અચાનક નિધનથી દુઃખના આઘાત અને શોકને સ્વીકારી-સહન કરી રહ્યાં છીએ ત્યારે સારી રીતે જીવાયેલાં અને અસંખ્ય લોકોને પ્રેમ અને આનંદથી ભરી દેનારાં જીવનનું સતત સ્મરણ થતું રહે છે. તેમના નિધન પછી શોકગ્રસ્ત પરિવારને મિત્રો અને પરિવારો તરફથી સેંકડો ફોન કોલ્સ મળતા રહ્યા છે. દરેક વ્યક્તિએ પ્રેમાળ અને સદા હસમુખા, પ્રભુભક્ત સજ્જન તેમજ તેમણે અન્યોની સેવામાં જીવન વીતાવનારા જનાર્દનભાઈની પ્રશંસા કરી છે. જનુભાઈ તેમની જરુરિયાતના સમયમાં કેવી રીતે મદદમાં દોડતા આવ્યા હતા તેના સ્મરણોની કથની જણાવી છે.
 તેઓ ઈન્દુબહેન માટે સ્નેહાળ અને કાળજી લેનારા પતિ અને બે દીકરીઓ, સ્વાતિ અને દિપાલીને મજબૂત સ્વતંત્ર સ્ત્રીઓ બને તેવા જતન સાથે ઉછેર કરનારા પ્રેમાળ પિતા હતા. તેઓ તેમની ચાર સુંદર અને તેજસ્વી ગ્રાન્ડડોટર્સ પર વહાલ વર્ષાવનારા દાદાજી હતા, જેમના વિના તેમનાં જીવનમાં શૂન્યાવકાશ સર્જાઈ ગયો છે.
આપણા સમાજમાં મોટા ભાગે પુત્રોને વધુ મહત્ત્વ આપવામાં આવે છે અને ઘણી વખત દીકરીઓને બાજુએ હડસેલી દેવાય છે પરંતુ, જનાર્દનભાઈ માટે આમ જરા પણ ન હતું. તેમણે તેમની પત્ની, બહેનો, પુત્રીઓ, ભત્રીજીઓ અને ગ્રાન્ડડોટર્સ-દોહિત્રીઓ, તેમના મન કોઈ ચોક્કસ બાબત પર સ્થિર રાખે તો તેઓ કશું પણ હાંસલ કરી શકે છે તેવી સમજ ઉભી કરવાની ચોકસાઈ રાખી હતી.
તેમનો જમાઈઓ સાથેનો સંબંધ વિશિષ્ટ હતો. તેઓ તેમને પોતાના પુત્રો તરીકે જ ગણતા અને તેમની સાથે મળી હસતા, રમૂજ કરતા અને માંગેલી કે વણમાગી સલાહ આપવામાં પાછા પડતા નહિ.
જનાર્દનભાઈનો વારસો તો એ જ છે કે આપણે જીવનને સંપૂર્ણપણે જીવીએ, લોકોની સેવા કરીએ અને કદી હાર ન માનીએ. અમે જાણીએ છીએ કે તેઓ દુનિયાને છોડી જવાથી તેમને ગુમાવ્યાનો ભારે આઘાત લાગ્યો છે પરંતુ, તેઓ જે કાર્યોની સુવાસ પાછળ છોડી ગયા છે તેમણે અમને સમૃદ્ધ પણ બનાવ્યા છે.
જનુભાઈના અંતિમ સંસ્કાર-ફ્યુનરલ મંગળવાર ૨ જૂનના રોજ બપોર પછી કરવામાં આવશે. વર્તમાન પરિસ્થિતિના કારણે કોઈ મહેમાન હાજર રહી શકશે નહિ. આથી, અમે આપ સહુને તેમના માટે અને તેમનો આત્મા ચિરશાંતિ અનુભવે તે માટે પ્રાથર્ના કરશો તેવી વિનંતી કરીએ છીએ.
ઓમ નમઃ શિવાય. જય શ્રી કૃષ્ણ.
જય સ્વામિનારાયણ. ઓમ શાંતિ
જનુભાઈના પરિવારજનો – ઈન્દુબહેન,
સ્વાતિ અને દિપાલીનો સંપર્ક
07951 480 543 પર કરી શકાશે


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter